Honda ZR-V Hybrid: હોન્ડા કાર્સ ઇન્ડિયાએ ભારતીય બજારમાં પોતાની પ્રથમ હાઇબ્રિડ એસયુવી હોન્ડા ZR-V Hybrid 47.99 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરી છે. જાપાનથી કમ્પલીટલી બિલ્ટ-અપ યુનિટ (CBU) તરીકે આયાત થતી આ પ્રીમિયમ એસયુવી હોન્ડાની ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ગાડી છે. તેમાં 2.0-લિટરનું શક્તિશાળી સ્ટ્રોંગ-હાઇબ્રિડ e:HEV એન્જિન આપવામાં આવ્યું છે, જે શાનદાર પરફોર્મન્સ સાથે 22.80 કિલોમીટર પ્રતિ લિટર સુધીની ઉત્તમ માઇલેજ આપવાનો દાવો કરે છે. ઉપરાંત, ADAS સેફ્ટી ફીચર્સ, 12-સ્પીકર બોઝ સાઉન્ડ સિસ્ટમ અને આકર્ષક સ્પોર્ટી ડિઝાઇન સાથે આ એસયુવી સીધી રીતે સ્કોડા કોડિયાક, ફોક્સવેગન ટાયરોન, ટોયોટા ફોર્ચ્યુનર, ઓડી Q3 અને બીએમડબ્લ્યુ X1 જેવી લક્ઝરી ગાડીઓને કડક ટક્કર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
લુક-ડિઝાઇન અને ડાયમેન્શન
હોન્ડા ZR-Vના ડાયમેન્શનની વાત કરીએ તો તેની લંબાઈ 4,657 એમએમ, પહોળાઈ 1,840 એમએમ અને ઊંચાઈ 1,621 મિલીમીટર છે, જ્યારે તેનો વ્હીલબેઝ 2,655 મિલીમીટરનો છે. લુક-ડિઝાઇનની વાત કરીએ તો તેમાં સ્લિમ એલઈડી હેડલેમ્પ, મોટી ગ્લોસ-બ્લેક ગ્રિલ, યુ-શેપ લાઇટિંગ સિગ્નેચરવાળા રેપઅરાઉન્ડ એલઈડી ટેલલેમ્પ, રૂફ સ્પોઇલર અને બમ્પરમાં ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ એક્ઝોસ્ટ આપવામાં આવ્યા છે. ભારતીય-સ્પેક મોડેલમાં 18-ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
ઇન્ટિરિયર અને ફીચર્સ
હોન્ડા ZR-Vના ઇન્ટિરિયરની વાત કરીએ તો તેના કેબિનમાં ઓલ-બ્લેક થીમ, કોન્ટ્રાસ્ટ સ્ટિચિંગ સાથે લેધર અપહોલ્સ્ટ્રી, સોફ્ટ-ટચ મટીરિયલ અને મેટાલિક ટ્રિમ આપવામાં આવ્યા છે. ફ્લોટિંગ સેન્ટર કન્સોલમાં હોન્ડાનો પુશ-બટન ગિયર સિલેક્ટર મળે છે.
ફીચર્સની વાત કરીએ તો તેના ડેશબોર્ડ પર 9-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, 12-સ્પીકર બોઝ સાઉન્ડ સિસ્ટમ અને ડ્રાઇવર મેમરી સાથે પાવર્ડ ફ્રન્ટ સીટ્સ મળે છે.
હોન્ડા ZR-Vમાં વાયરલેસ ફોન ચાર્જિંગ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઓછી ઝડપે ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગ માટે એકોસ્ટિક વ્હીકલ અલર્ટ સિસ્ટમ (AVAS) જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ પ્રીમિયમ એસયુવીમાં 8 એરબેગ્સ, ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક, હોન્ડાનો સંપૂર્ણ ADAS સૂટ (એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ અને ડ્રાઇવર એટેન્શન મોનિટર સહિત) આપવામાં આવ્યો છે.
શક્તિશાળી એન્જિન અને શાનદાર માઇલેજ
હોન્ડાની આ હાઇબ્રિડ એસયુવીમાં 2.0-લિટરનું સ્ટ્રોંગ-હાઇબ્રિડ e:HEV સિસ્ટમ આપવામાં આવ્યું છે, જે નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરનું સંયોજન છે. આ એન્જિન 181 બીએચપીની પાવર અને 315 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ પ્રીમિયમ એસયુવી 8 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 173 kmph છે. હોન્ડાનો દાવો છે કે આ એસયુવી 22.80 કિલોમીટર પ્રતિ લિટરની શાનદાર માઇલેજ આપે છે.

