Kia Seltos Sales: દક્ષિણ કોરિયાની કાર કંપની કિઆની ભારતીય બજારમાં પહેલી મેડ-ઇન-ઇન્ડિયા SUV કિઆ સેલ્ટોસે નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે સેલ્ટોસે સ્થાનિક બજારમાં કુલ 7 લાખ (7,04,829 યુનિટ) વેચાણનો આંકડો પાર કરી લીધો છે. 22 ઑગસ્ટ 2019ના રોજ લૉન્ચ થયેલી આ મિડસાઇઝ SUV શરૂઆતથી જ કિઆની સફળતાનો મુખ્ય આધાર રહી છે અને ભારતમાં કંપનીના કુલ 16.8 લાખ (1.68 મિલિયન) UV વેચાણમાં તેનો એકલાનો હિસ્સો 36 ટકા છે. આ શાનદાર સિદ્ધિમાં જાન્યુઆરી 2026માં લૉન્ચ થયેલી સેકન્ડ જનરેશન સેલ્ટોસનું સૌથી મોટું યોગદાન છે, જેણે ઑક્ટોબર સુધી માત્ર 10 મહિનામાં 1,13,078 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે.
કિઆને ઘરેઘરે ઓળખ અપાવનારી SUV બની સેલ્ટોસ
ઑગસ્ટ 2019માં ભારતીય બજારમાં પ્રવેશેલી કિઆ સેલ્ટોસે પહેલા જ મહિનામાં 6,236 યુનિટના વેચાણ સાથે દેશનાં ટોચનાં 5 યુટિલિટી વ્હીકલ્સની યાદીમાં સ્થાન મેળવ્યું હતું અને કોરિયામાં વેચાતી સેલ્ટોસને પણ પાછળ છોડી દીધી હતી.
નાણાકીય વર્ષ 2020ના છેલ્લા 8 મહિનામાં 81,717 યુનિટ વેચીને તેણે કિઆને ભારતમાં ટોચની 5 કાર કંપનીઓમાં સ્થાન અપાવ્યું હતું.
કોવિડ-19 મહામારી છતાં નાણાકીય વર્ષ 2021માં 89,173 યુનિટ અને નાણાકીય વર્ષ 2022માં 95,929 યુનિટના વેચાણ સાથે તેની માંગ જળવાઈ રહી હતી. ત્યારબાદ નાણાકીય વર્ષ 2023માં તેણે પહેલીવાર વાર્ષિક વેચાણનો એક લાખ યુનિટનો આંકડો પાર કર્યો હતો.
જોકે, વધતી સ્પર્ધાને કારણે નાણાકીય વર્ષ 2025માં તેનું વેચાણ ઘટીને 72,618 યુનિટ થઈ ગયું હતું, પરંતુ 2026ની શરૂઆતમાં નવી જનરેશનના આગમનથી વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
સેકન્ડ જનરેશન સેલ્ટોસે ફરી વધારી માંગ, 9 મહિનામાં વેચાઈ 1 લાખ કાર
જાન્યુઆરી 2026માં લૉન્ચ થયેલી નવી સેકન્ડ જનરેશન કિઆ સેલ્ટોસે બજારમાં તેની માંગ ફરી વધારી દીધી છે. કિઆને માત્ર ફર્સ્ટ જનરેશન સેલ્ટોસના માલિકો તરફથી રિપ્લેસમેન્ટની માંગ જ મળી રહી નથી, પરંતુ કોમ્પેક્ટ SUVમાંથી અપગ્રેડ કરનારા ગ્રાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
કૅલેન્ડર વર્ષ 2026ના જાન્યુઆરીથી ઑક્ટોબર દરમિયાન સેલ્ટોસનું વેચાણ વાર્ષિક ધોરણે 87 ટકાના વધારા સાથે 1,13,078 યુનિટ સુધી પહોંચ્યું છે.
ખાસ વાત એ છે કે અગાઉની 1 લાખ સેલ્ટોસ કાર માત્ર 9 મહિનામાં એટલે કે ફેબ્રુઆરીથી ઑક્ટોબર 2026 દરમિયાન 1,02,439 યુનિટ વેચાઈ હતી.
જાન્યુઆરી 2026માં 10,639 યુનિટના વેચાણ સાથે 25 મહિના પછી માસિક વેચાણનો 10 હજારનો આંકડો પાર કર્યા બાદ જૂન મહિનાના 9,654 યુનિટને બાદ કરતાં તેણે દર મહિને 10,000થી વધુ યુનિટ વેચ્યાં છે.
મિડસાઇઝ SUV સેગમેન્ટની કડક સ્પર્ધામાં ચોથા સ્થાને
તમને જણાવી દઈએ કે ભારતીય બજારમાં મિડસાઇઝ SUV સેગમેન્ટ અત્યારે સૌથી વધુ સ્પર્ધાત્મક સેગમેન્ટમાંનું એક છે. તેમાં 8 ઇલેક્ટ્રિક અને અનેક હાઇબ્રિડ મૉડલ સહિત 20થી વધુ કાર ઉપલબ્ધ છે.
નાણાકીય વર્ષ 2027ના પ્રથમ 7 મહિનામાં (જાન્યુઆરીથી ઑક્ટોબરના સમયગાળાના આંકડાઓના સંદર્ભમાં) 81,090 યુનિટના હોલસેલ વેચાણ સાથે કિઆ સેલ્ટોસ આ સેગમેન્ટમાં ચોથા સ્થાને છે.
આ યાદીમાં અત્યારે મહિન્દ્રા સ્કૉર્પિયો 1,12,841 યુનિટ સાથે પ્રથમ, હ્યુન્ડાઇ ક્રેટા 1,07,682 યુનિટ સાથે બીજા અને મારુતિ વિક્ટોરિસ 88,804 યુનિટ સાથે ત્રીજા સ્થાને છે.
કિઆના પોર્ટફોલિયોમાં સોનેટ સ્થાનિક વેચાણની દૃષ્ટિએ સેલ્ટોસ કરતાં આશરે 1.10 લાખ યુનિટ પાછળ રહીને બીજા સ્થાને છે, જ્યારે કેરન્સ MPVનું અત્યાર સુધીમાં 3,31,186 યુનિટ વેચાણ થયું છે.
નવેમ્બર 2026માં કિઆ વાર્ષિક 3 લાખ કારના વેચાણનો નવો રેકૉર્ડ બનાવવાની દિશામાં
કિઆ સેલ્ટોસના રેકૉર્ડબ્રેક વેચાણના આધારે કિઆ ઇન્ડિયાએ વધુ એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વર્ષ 2026ના પ્રથમ 10 મહિનામાં એટલે કે જાન્યુઆરીથી ઑક્ટોબર દરમિયાન કંપનીએ કુલ 2,86,470 કાર વેચી છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલી 2,36,138 કારની સરખામણીએ આ વેચાણ 21 ટકા વધારે છે.
આ સાથે કંપનીએ કૅલેન્ડર વર્ષ 2025નો પોતાનો અગાઉનો સૌથી મોટો વાર્ષિક વેચાણનો રેકૉર્ડ 2,80,286 યુનિટનો આંકડો બે મહિના વહેલો જ પાર કરી લીધો છે. હવે કંપની વાર્ષિક 3 લાખ યુનિટ વેચાણના ઐતિહાસિક આંકડાથી માત્ર 13,530 યુનિટ દૂર છે, જેને તે નવેમ્બર 2026માં સરળતાથી પાર કરી લેશે.
નવી સેલ્ટોસ ઉપરાંત ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન નવી થ્રી-રો SUV સોરેન્ટોના 4,242 યુનિટના વેચાણને ધ્યાનમાં રાખતાં કિઆ આ વર્ષે 3.5 લાખ યુનિટના આંકડાની નજીક પણ પહોંચી શકે છે.

