Tata Bus-Truck Price Increase: ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તે 1 એપ્રિલ 2026 થી પોતાના તમામ કોમર્શિયલ વ્હીકલ્સ (વ્યાપારી વાહનો) ની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. વાહનોની કિંમતમાં 1.5 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. જો તમે ટાટાના ટ્રક, બસ અથવા પિકઅપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે તેને ઓછી કિંમતે ખરીદવા માટે માર્ચ સુધીનો સમય છે. ટાટા દેશની જાણીતી વાહન ઉત્પાદક કંપની છે અને દેશમાં તેની ગાડીઓનું પુષ્કળ વેચાણ પણ થાય છે. ચાલો તમને જણાવીએ કે કંપનીએ વાહનોની કિંમત વધારવાનો નિર્ણય કેમ લીધો છે.
કિંમતો કેમ વધી રહી છે?
કંપનીનું કહેવું છે કે કાચો માલ મોંઘો થવા અને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર ગાડીઓ બનાવવામાં વપરાતા કાચા માલ (જેમ કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને મેટલ) ના ભાવ વધી ગયા છે. આ વધેલા ખર્ચને કારણે કંપનીએ વાહનોની કિંમતોમાં નજીવો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ મુજબ કિંમતમાં વધારો અલગ-અલગ હોઈ શકે છે.
કઈ ગાડીઓ પર અસર થશે?
ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોની કિંમતોમાં આ વધારો કરવામાં આવ્યો છે. જેમાં સમાવેશ થાય છે:
ટ્રક: નાના, મધ્યમ અને ભારે વજન ઉંચકતા ટ્રક.
બસો: સરકારી અને ખાનગી સંસ્થાઓમાં ચાલતી બસો.
પિકઅપ: સામાનની હેરફેર કરતા નાના વાહનો.
ટાટા મોટર્સનો માર્કેટમાં દબદબો
ટાટા મોટર્સ ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીઓમાંની એક છે. તેના વાહનો લોજિસ્ટિક્સ, કન્સ્ટ્રક્શન (બાંધકામ), માઈનિંગ (ખનન) અને જાહેર પરિવહન જેવા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં વપરાય છે. કંપની હવે ઇલેક્ટ્રિક બસો અને ટ્રકો પર પણ કામ કરી રહી છે. આ સાથે ટાટા કંપની દેશની સૌથી મોટી પેસેન્જર વ્હીકલ્સ બનાવતી કંપનીઓમાંની પણ એક છે. કંપની અલગ-અલગ સેગમેન્ટમાં ઘણી ગાડીઓ વેચે છે.
1 એપ્રિલ પહેલા બુકિંગ કરવામાં ફાયદો
નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે. અવારનવાર આ સમયે ઓટોમોબાઈલ કંપનીઓ પોતાના ખર્ચ અને બજારની સ્થિતિને જોતા કિંમતોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરે છે. ટાટા મોટર્સે પણ આ જ સમય પસંદ કર્યો છે. જો તમે તમારા બિઝનેસ માટે ટાટાની કોઈ નવી કોમર્શિયલ ગાડી લેવાનું વિચારી રહ્યા છો, તો 1 એપ્રિલ પહેલા બુકિંગ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. 1 એપ્રિલ પછી તમારે ટાટાના ટ્રક, બસ કે પિકઅપ ખરીદવા માટે ખિસ્સું થોડું વધારે હળવું કરવું પડશે.

