Triumph Tracker 400 India Launch: ટ્રાયમ્ફ દ્વારા ભારતીય બજારમાં તેની નવી મોટરસાઇકલ ‘ટ્રેકર 400’ લોન્ચ કરી દેવામાં આવી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તેનું નામ ભલે ટ્રેકર 400 હોય, પરંતુ તેમાં એન્જિન 350 સીસીનું આપવામાં આવ્યું છે. 350 સીસી સેગમેન્ટમાં ટ્રાયમ્ફ ઇન્ડિયાએ ટ્રેકર 400 દ્વારા શાનદાર એન્ટ્રી કરીને રોયલ એનફિલ્ડ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. 2.46 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતમાં આવેલી આ મોટરસાઇકલ ફ્લેટ ટ્રેક બાઈક તેના ઇન્ટરનેશનલ મોડલ જેવી જ દેખાય છે અને તેમાં રેસિંગ યલો, ફેન્ટમ બ્લેક અને એલ્યુમિનિયમ સિલ્વર ગ્લોસ કલર ઓપ્શન મળે છે. ભારતમાં 350 સીસી સુધીની બાઈક પર 18 ટકા જીએસટી લાગ્યા બાદ ટ્રાયમ્ફ માટે આ પગલું ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એન્જિન અને પાવર
ફ્લેટ ટ્રેકરથી પ્રેરિત મોટરસાઇકલ ટ્રેકર 400 ટ્રાયમ્ફ ઇન્ડિયા માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે અને પ્રચલિત કંપનીઓની લોકપ્રિય બાઈક્સના ગ્રાહકો પોતાની તરફ ખેંચી શકે છે. આમાં 350 સીસીનું લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 8750 RPM પર 40 PSની પાવર અને 7500 RPM પર 32 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ટ્રેકરના ગ્લોબલ સ્પેક 400cc એન્જિનની સરખામણીમાં 2 BHP અને 5.5 NM ટોર્ક ઓછું જનરેટ કરે છે. આમાં 6-સ્પીડ ગિયરબોક્સની સાથે ટોર્ક આસિસ્ટ ક્લચ જોવા મળે છે. આ બાઈક માત્ર 7.6 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 154 kmph છે.
લુક-ડિઝાઇન અને ફીચર્સ
ટ્રાયમ્ફ ઇન્ડિયાની નવી 350 સીસી બાઈક ટ્રેકર 400ના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો, તેમાં ફ્લેટ ટ્રેક સિલ્હુટ સાથે ક્લાસિક ટ્રાયમ્ફ ડિઝાઇન, રેસ ઇન્સ્પાયર્ડ સ્ટાઇલિંગ, સ્પીડ 400ની સરખામણીમાં વધુ સ્પોર્ટી લુક અને એર્ગોનોમિક્સ જોવા મળે છે. ફ્યુઅલ ટેન્ક પર સ્પષ્ટપણે ‘Tracker’ લખેલું દેખાય છે, સાથે જ સ્લીક રેસિંગ સ્ટ્રાઇપ્સ અને મડ સ્પ્લેટર પણ જોવા મળે છે. ટ્રાયમ્ફ ટ્રેકર 400માં ફ્લેટ અને વાઈડ હેન્ડલબાર, શાર્પર હેન્ડલિંગ માટે ડેડિકેટેડ ચેસિસ, કલર કોડેડ સીટ કાઉલ, ફ્લાય સ્ક્રીન, નવી સ્ટાઇલના ડ્યુઅલ સ્પોક વ્હીલ્સ, 43 એમએમનું અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્ક્સ, રિયર ગેસ મોનોશોક, 805 એમએમની સીટ હાઇટ, સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ, સિંગલ ડાયલ એનાલોગ સ્પીડોમીટર, ડિજિટલ ટેકોમીટર અને એબીએસ (ABS) જેવી અનેક ખૂબીઓ મળે છે.
ટ્રાયમ્ફના સારા દિવસો ચાલી રહ્યા છે
તમને જણાવી દઈએ કે ટ્રાયમ્ફ ભારતીય બજારમાં ખૂબ જ ઝડપથી પોતાનો વ્યાપ વધારી રહી છે અને બજાજ ઓટો સાથેની તેની પાર્ટનરશિપની માર્કેટ પર ઊંડી અસર થઈ છે. નવી ટ્રેકર 400ના રૂપમાં 350 સીસી સેગમેન્ટમાં એન્ટ્રી કર્યા પછી, આવનારા સમયમાં ટ્રાયમ્ફની હાજરી વધુ વધવાની શક્યતા છે, કારણ કે 400 સીસી સેગમેન્ટમાં ટ્રાયમ્ફ એક લાખ યુનિટથી વધુ મોટરસાઇકલ વેચી ચૂકી છે.

