100% Ethanol Fuel Approval: ગડકરીનું ઐતિહાસિક પગલું, ૧૦૦% ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી, દેશને મળશે પ્રદૂષણ મુક્ત ભવિષ્ય

Arati Parmar
3 Min Read

100% Ethanol Fuel Approval: ભારતની ઇંધણ આત્મનિર્ભરતા અને ગ્રીન એનર્જીની દિશામાં કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ દેશમાં ૧૦૦ ટકા ઇથેનોલ ઇંધણના ઉપયોગને કાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પેટ્રોલ-ડીઝલની મોંઘી આયાત પર ભારતની નિર્ભરતાને ઘટાડવાનો અને વૈકલ્પિક ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ અંગે શુક્રવારે માહિતી આપતા કહ્યું, ‘ગઈકાલે એટલે કે શનિવારે રાત્રે ઠીક ૮ વાગ્યે મેં ૧૦૦ ટકા ઇથેનોલના ઉપયોગને કાયદેસર રીતે અધિકૃત કરતા નિયમોની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે.’ તેમણે જૂના દિવસોને યાદ કરતા ભાવુક અંદાજમાં કહ્યું કે શરૂઆતમાં જ્યારે તેઓ આ ટેકનોલોજીની વાત કરતા હતા, ત્યારે લોકો તેમના પર હસતા હતા અને આલોચના કરતા હતા, પરંતુ આજે આ હકીકત બની ચૂક્યું છે.

- Advertisement -

આયાત બિલ ઘટાડવાની તૈયારી

ગડકરીએ ભારતના ભારે ઇંધણ આયાત બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશ હાલમાં ૨૨ લાખ કરોડ રૂપિયાની આયાત કરે છે. આ આયાતને ધીરે-ધીરે ઘટાડવાના સંકલ્પ હેઠળ હવે દેશમાં જ ગેસનું ઉત્પાદન થશે અને પેટ્રોલ-ડીઝલના વિકલ્પો સંપૂર્ણપણે તૈયાર થઈ જશે, જેમાં ઇથેનોલ એક અત્યંત વ્યવહારુ અને મજબૂત વિકલ્પ બનીને ઉભરશે.

શું છે કાર કંપનીઓની તૈયારી?

નિતિન ગડકરીએ મારુતિ સુઝુકીની ૧૦૦% ઇથેનોલ પર ચાલતી વેગનઆરના ફ્લેક્સ-ફ્યુઅલ મોડલને લોન્ચ કરવા પર ખુશી વ્યક્ત કરી. આ ટેકનોલોજીમાં ટુ-વ્હીલર્સ પણ પાછળ નથી. ગડકરીએ જણાવ્યું કે લોન્ચ કરવામાં આવેલી મોટરસાયકલોમાં ત્રણ હીરો મોટોકોર્પની છે, જેમાંથી બેને પહેલા જ ૧૦૦% ઇથેનોલ પર લોન્ચ કરી દેવામાં આવી છે. આગામી બે મહિનાની અંદર ટોયોટા, સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ પણ પોતાના એવા વાહનો બજારમાં ઉતારશે જે સંપૂર્ણપણે ૧૦૦% ઇથેનોલ પર ચાલશે.

- Advertisement -

સમય કરતા પહેલા પૂરું થયું લક્ષ્ય

ગયા અઠવાડિયે જ સરકારે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E૮૫ ઇંધણ (૮૫% ઇથેનોલ અને ૧૫% પેટ્રોલનું મિશ્રણ) બજારમાં ઉતાર્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ભારતના ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમની પ્રશંસા કરતા કહ્યું કે દેશે પોતાના નક્કી કરેલા લક્ષ્યોને સમય કરતા ખૂબ પહેલા હાંસલ કરી લીધા છે. વર્ષ ૨૦૧૪માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ માત્ર ૧.૫ ટકા હતું, જે નવેમ્બર ૨૦૨૨ સુધી વધીને ૧૦ ટકા થઈ ગયું. હરદીપ પુરીએ જણાવ્યું કે સરકારનું લક્ષ્ય વર્ષ ૨૦૩૦ સુધી પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવાનું હતું, પરંતુ તેને સમય કરતા છ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૨૪માં જ પૂરું કરી લીધું છે.

આ પણ વાંચો: Gurbhej Singh Killed In London: લંડનમાં ભારતીય યુવાનની ક્રૂર હત્યા, સાઉથહોલમાં ૨૬ વર્ષના ગુરભેજ સિંહને ચાકુ મારીને મોતને ઘાટ ઉતાર્યો – Newz Cafe

- Advertisement -
Share This Article