Air India First Flight: બળદગાડાની મદદથી ભરાયું હતું એર ઇન્ડિયાના પ્રથમ વિમાનમાં ઇંધણ, 96 વર્ષ પહેલાં JRD ટાટાએ ભરી હતી ઐતિહાસિક ઉડાન

Arati Parmar
2 Min Read

Air India First Flight: એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટ 96 વર્ષ પહેલાં આજના જ દિવસે ઉડી હતી. 15 ઓક્ટોબર 1932ના રોજ J.R.D. ટાટાએ ટાટા સન્સની પ્રથમ નિર્ધારિત મેઇલ ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. તેમણે ડી હેવિલેન્ડ પસ મોથ વિમાનને કરાચીથી અમદાવાદ થઈને બોમ્બે સુધી ઉડાવ્યું હતું. આ દરમિયાન અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરવા માટે બળદગાડા પર ચાર ગેલન પેટ્રોલ લાવવામાં આવ્યું હતું.

આ ભારતમાં ઉડ્ડયનના શરૂઆતના દિવસો હતા. તે સમયે ટપાલ પહોંચાડવી એ હવાઈ સેવાઓનું મહત્ત્વ સાબિત કરવાનો એક માર્ગ હતો. આ ઉડાનમાં લગભગ 25 કિલોગ્રામ ટપાલ લઈ જવામાં આવી હતી. આ સ્વપ્નને સાકાર કરવામાં J.R.D. ટાટાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેને વાસ્તવિકતામાં ફેરવવામાં નેવિલ વિન્સેન્ટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રોયલ એર ફોર્સના ભૂતપૂર્વ પાઇલટ વિન્સેન્ટે કરાચી, બોમ્બે અને મદ્રાસને જોડતી હવાઈ ટપાલ સેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

- Advertisement -

એર ઇન્ડિયાની ઘરવાપસી

ટપાલ બોમ્બે પહોંચ્યા પછી વિન્સેન્ટે બીજું પસ મોથ વિમાન ઉડાવ્યું અને તેને બેલ્લારી થઈને મદ્રાસ સુધી પહોંચાડ્યું. ટાટા સન્સનો ઉડ્ડયન વિભાગ 1938માં ટાટા એરલાઇન્સ બન્યો અને ત્યારબાદ 1946માં એર ઇન્ડિયા લિમિટેડ બન્યો. 50 વર્ષ પછી, વર્ષ 1982માં J.R.D. ટાટાએ ફરી એકવાર ઉડાન ભરી અને એ ઐતિહાસિક પ્રવાસનું પુનરાવર્તન કર્યું.

- Advertisement -

J.R.D. ટાટાને ભારતમાં સિવિલ એવિએશન ઉદ્યોગના જનક પણ કહેવામાં આવે છે. 1929માં તેઓ ભારતમાં વિમાન ઉડાડવા માટે લાઇસન્સ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ત્યારબાદ 1932માં તેમણે દેશની પ્રથમ કોમર્શિયલ એરલાઇનની સ્થાપના કરી હતી. તેને 1946માં એર ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પણ J.R.D. ટાટા તેના ચેરમેન રહ્યા હતા. 2022માં એર ઇન્ડિયાની ટાટા ગ્રુપમાં ઘરવાપસી થઈ હતી.

- Advertisement -
Share This Article