2030ના અંત સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે: ગૌતમ અદાણી

newzcafe
3 Min Read

2030ના અંત સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે: ગૌતમ અદાણી


અદાણી ગ્રૂપના ફાઉન્ડર અને ચેરમેને શનિવારે દાવો કર્યો હતો કે, 2030ના અંત સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, 2050 સુધીમાં દેશ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ઉલ્લેખનીય છે કે, અદાણીએ શનિવારે મુંબઈમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સ 2022માં “ઈન્ડિયાઝ પાથ ટુ એન ઈકોનોમિક સુપરપાવર” પર સ્પીચ આપતી વખતે આ વાત કહી હતી.


 


ગૌતમ અદાણીએ કહ્યું કે, “આગામી ત્રણ દાયકાઓ ભારતને ઉદ્યોગસાહસિકતામાં મોખરે લઈ જશે. હું અપેક્ષા રાખું છું કે સ્ટાર્ટઅપ્સની સંખ્યા ભારતમાં VC ફંડિંગ તરફ દોરી જશે. ભારતે માત્ર આઠ વર્ષમાં VC ફંડિંગમાં 50 બિલિયન ડોલરનો વધારો જોયો છે.”


 


2050 સુધીમાં ભારત ગ્રીન એનર્જી એક્સપોર્ટ કરશે


અદાણીએ રિન્યૂએબલ એનર્જી અંગે કહ્યું કે, સોલાર અને ગ્રીન પાવરનું કોમ્બિનેશન, તેમજ તેની સાથે ગ્રીન હાઇડ્રોજન થકી ભારતને ભવિષ્યમાં બહુ મોટી તકો મળશે. 2050 સુધીમાં ભારત ગ્રીન એનર્જી એક્સપોર્ટ કરવા લાગે તેવી પ્રબળ સંભાવના છે.


 


કેન્દ્ર સરકારની પ્રશંસા કરી


અદાણીએ ભારતની વધતી અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની પહેલની પ્રશંસા કરી. અદાણીએ કહ્યું કે, “1947માં એવો અભિપ્રાય હતો કે ભારતીય લોકશાહી ટકી શકશે નહીં. આપણે માત્ર ટક્યા જ નથી પરંતુ હવે ભારતને એક સરકારમાંથી બીજામાં શાંતિપૂર્ણ રીતે સત્તા સ્થાનાંતરિત કરવા માટે એક રોલ મોડેલ તરીકે ગણવામાં આવે છે. બે દાયકાથી વધુ સમય પછી આપણે ત્યાં બહુમતીની સરકાર છે. આનાથી આપણા દેશને અનેક માળખાકીય સુધારાઓ શરૂ કરવાની ક્ષમતા મળી છે.”


 


2050 સુધીમાં ભારત 30 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી થઈ જશે


ભારતના જીડીપીમાં ઝડપી વૃદ્ધિ વિશે બોલતા અદાણીએ કહ્યું, “આપણને પ્રથમ ટ્રિલિયન ડોલર GDP મેળવવામાં 58 વર્ષ લાગ્યા; આગામી ટ્રિલિયન મેળવવામાં 12 વર્ષ અને ત્રીજા ટ્રિલિયન માટે માત્ર 5 વર્ષ લાગ્યાં. મને લાગે છે કે આગામી દાયકાથી આપણે દર 1થી 1.5 વર્ષે GDPમાં ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરતા થઈ જશું. 2050 સુધીમાં ભારત 30 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી થઈ જશે. આપણા શેરબજારની મૂડીને જોતા સંભવત 45 ટ્રિલિયન ડોલરનો આંક પણ વટાવી શકીએ છીએ.”

Share This Article