Crypto Market Crashes: અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ની આવતીકાલથી શરૂ થઈ રહેલી બે દિવસની બેઠક પૂર્વે બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટોકરન્સીસમાં મોટુ ધોવાણ જોવા મળ્યું હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાગ્રહણ કર્યા બાદ કમિટિની આ પ્રથમ બેઠક છે.
મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન ફરી પાછો એક લાખ ડોલરની અંદર સરકી ગયો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ મોટા ગાબડા જોવા મળ્યા હતા. અમેરિકામાં આર્થિક ડેટા મજબૂત આવતા કમિટિ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં ધીમી ગતિએ આગળ વધશે તેવી શકયતા જોવાઈ રહી છે.
વ્યાજ દરમાં કપાત લંબાઈ જવાની સ્થિતિમાં બજારનું માનસ ખરડાઈ શકે છે, તેવી ગણતરીએ સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે બિટકોઈનમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સોલાના, ડોજકોઈન, એકસઆરપીમાં તો દસ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભાવમાં મોટા ગાબડાં પડતા ઊંચા મથાળે ઊભા કરાયેલા લેણનું ફરજિયાત લિક્વિડેશન કરાયાના અહેવાલ હતા. અંદાજે ૭૭ કરોડ ડોલરનું લેણ લિક્વિડેટ કરાયું હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
મોડી સાંજે બિટકોઈન ૯૯૦૦૦ ડોલર, એથરમ ૩૦૬૬ ડોલર, એકસઆરપી ૨.૮૦ ડોલર બોલાતા હતા. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી ૩.૩૬ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. ગયા સપ્તાહમાં બિટકોઈન ૧,૦૯,૦૦૦ ડોલરથી ઉપર જઈ ઓલટાઈમ હાઈ જોવા મળ્યો હતો.

