Cyber Fraud News: ડિજિટલ ઈકોનોમીને સાયબર ફ્રોડનો ખતરો, ₹20,000 કરોડ નુકસાનની શક્યતા!

Arati Parmar
2 Min Read

Cyber Fraud News: દેશની ડિજિટલ ઈકોનોમી માટે સાયબર ફ્રોડ ગંભીર ખતરો બની ગયો છે. સાયબર ફ્રોડના કારણે આ વર્ષે લગભગ રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે. આ મામલાઓએ સામાન્ય લોકો જ નહીં પરંતુ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.

સાયબર અપરાધો વિશે જાગૃતિ ફેલાવનારી એઆઈ કંપનીએ પાછલા વર્ષના આંકડા અને ભવિષ્યના ટ્રેન્ડ વિશે અનુમાન લગાવતા કહ્યું છે કે, આ વર્ષે રૂપિયા 9000 કરોડની છેતરપિંડી જાણીતી બ્રાન્ડના નામનો દુરુપયોગ કરીને કરવામાં આવશે. સાયબર ક્રાઈમના કુલ કેસોમાં ત્રીજા ભાગના કેસ બ્રાન્ડના નામના દુરુપયોગના હોય છે. લોકો જાગૃતિ અને સતર્કતાના અભાવે આ છેતરપિંડીનો ભોગ બને છે. ગઠિયાઓ ચાલાકીથી વેબસાઈટ બનાવે છે અને લોકો તેમની જાળમાં ફસાઈ જાય છે કારણ કે, લોકો મોટી બ્રાન્ડ્સ પર વિશ્વાસ કરે છે.

- Advertisement -

રિપોર્ટ મુજબ, 2025માં સાયબર ક્રાઈમની ફરિયાદો ૨૫ લાખના આંકને વટાવી જશે. આ ફરિયાદોમાંથી 5 લાખ ફરિયાદો બ્રાન્ડ્સના નામે છેતરપિંડી સાથે સંબંધિત હશે. છેતરપિંડી કરતી વેબસાઈટ્સ, ફિશિંગનો વધતો વ્યાપ અને શંકાસ્પદ એપ્લિકેશનોને કારણે આ ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત વર્ષે 200થી વધુ કંપનીઓ અને પાંચ હજાર ડોમેન તથા લગભગ 16 હજાર બ્રાન્ડ્સ સાથે છેતરપિંડીના મામલાના અભ્યાસ બાદ આ આંકડો સામે આવ્યો હતો.

બેંકિંગ અને ફાઈનેશિયલ સર્વિસિઝને સાયબર ફ્રોડને કારણે સૌથી વધુ રૂ. 8200 કરોડનો ફટકો પડવાની સંભાવના છે. ત્યારબાદ, રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓનો નંબર આવે છે. તેમને રૂ. 5800 કરોડનું નુકસાન થઈ શકે છે. આ પ્રકારે સરકારી સેવાઓના નામ પર કરવામાં આવતી છેતરપિંડીની રકમ રૂ. 3400 કરોડ સુધી પહોચી શકે છે. ફ્રોડ વેબસાઈટ અને એપમાં 83 ટકા વધારો થવાની સંભાવના છે.

- Advertisement -
Share This Article