East India Company Sanjiv Mehta: એક સમય હતો જ્યારે ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company)નો દબદબો હતો. આ જ તે કંપની હતી, જેણે અંગ્રેજો માટે ભારત પર લગભગ ૨૦૦ વર્ષ સુધી રાજ કરવાનો રસ્તો તૈયાર કર્યો. ૩૧ ડિસેમ્બર, ૧૬૦૦માં ઇંગ્લેન્ડમાં આ કંપનીની સ્થાપના ભારતથી યુરોપમાં મસાલા, ચા અને અનોખી વસ્તુઓ ઇમ્પોર્ટ કરવા માટે થઈ હતી. સૌથી પહેલા ૨૪ ઓગસ્ટ ૧૬૦૮માં વિલિયમ હોકિન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું જહાજ લઈને ભારત આવ્યો.
મસાલા અને વેપાર પર હતી અંગ્રેજોની નજર
અંગ્રેજોના ભારત આવવાનો હેતુ જ અહીં કારોબાર કરવાની પરવાનગી લેવાનો હતો, કારણ કે તેમની નજર અહીંના મસાલાઓ અને કાચા માલ પર હતી. યુરોપમાં કડકડતી ઠંડીમાં માંસને સુરક્ષિત રાખવા અને તેની ઉપયોગિતા વધારવા માટે મસાલાઓની જરૂર પડતી હતી. વર્ષ ૧૬૧૩માં મુગલ બાદશાહ જહાંગીરે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કારોબાર કરવા માટે સુરતમાં એક કારખાનું લગાવવાની પરવાનગી આપી દીધી. ૧૬૯૦ સુધીમાં કંપનીએ કલકત્તા (જેને હવે કોલકાતાના નામથી ઓળખાય છે) માં પણ પોતાની ફેક્ટરી લગાવી દીધી હતી.
ફૂટ પડાવીને કરી રાજનીતિ
ધીમે ધીમે કંપનીએ ભારતમાં પોતાનો પગ જમાવવાનું શરૂ કરી દીધું. ભારતમાં રાજાઓ વચ્ચે ફૂટ પડાવીને અહીંની રાજનીતિમાં પણ હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દીધું. એક સમય એવો આવ્યો, જ્યારે ભારતીયોને પોતાના દેશમાં જ નાના-નાના કામો માટે અંગ્રેજો પાસેથી પરવાનગી લેવી પડી. તે સમય હતો જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય માટે કહેવાતું હતું કે સૂર્ય ક્યારેય ડૂબતો નથી, પરંતુ આ વાત પણ સાચી છે કે સમય બદલતા વાર નથી લાગતી. લગભગ ૨૦૦ વર્ષ સુધી હકૂમત ચલાવ્યા પછી આખરે અંગ્રેજોને પણ ભારત છોડવા માટે મજબૂર થવું પડ્યું.
ક્રાંતિકારીઓ સામે નમ્યા અંગ્રેજો
જોકે, આ દરમિયાન ૧૮૫૭ માં મેરઠમાં બ્રિટિશ સેનામાં તૈનાત ભારતીય સિપાહીઓએ અંગ્રેજી સરકાર વિરુદ્ધ વિદ્રોહ છેડી દીધો. ક્રાંતિકારીઓના વિદ્રોહની ધીમે ધીમે કંઈક એવી અસર થઈ કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો કારોબાર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. વિદ્રોહને કારણે કંપનીનું ભારતમાં કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને કંપની ભારતથી મસાલાનો યુરોપમાં નિકાસ કરી રહી નહોતી.
૧૮૫૭ ના બળવા (બગાવત)ની જ અસર હતી કે ૧૮૭૪ માં કંપનીને બંધ કરી દેવામાં આવી. આ પછી દાયકાઓ સુધી લગભગ ૧૩૧ વર્ષ સુધી આ કંપની બંધ પડી રહી, જેને વર્ષ ૨૦૦૫ માં સંજીવ મહેતાએ ખરીદી લીધી. આ જોવું રસપ્રદ હતું કે જે કંપનીના કારણે અંગ્રેજોએ ભારત પર વર્ષો સુધી અત્યાચાર કર્યો, આજે તેની બાગડોર એક હિંદુસ્તાનીના હાથોમાં છે.
કોણ છે સંજીવ મહેતા?
સંજીવ મહેતાનો જન્મ ઓક્ટોબર ૧૯૬૧માં ગુજરાતી જૈન પરિવારમાં થયો. કારોબારને લઈને સૂઝબૂઝ તેમને વારસામાં મળી, કારણ કે ૧૯૨૦ના દાયકામાં તેમના દાદા ગફૂરચંદ મહેતાનો બેલ્જિયમમાં હીરાનો કારોબાર હતો. ૧૯૩૮માં તેમનો પરિવાર ભારત પાછો ફર્યો. સંજીવનો શરૂઆતી અભ્યાસ મુંબઈની સિડેનહૅમ કૉલેજમાંથી થયો. આ પછી તેમણે IIM અમદાવાદમાં પોતાનો આગળનો અભ્યાસ પૂરો કર્યો. આ પછી તેમણે અમેરિકાના લોસ એન્જલસમાં જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલો લઈ લીધો. ૧૯૮૦ના દાયકા સુધીમાં મહેતાએ પોતાના ઘરેથી એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરી દીધો હતો. આમાંથી ‘હગી’ હૉટ વૉટર બૉટલે તેમને પહેલી સફળતા અપાવી.
૨૦ મિનિટમાં ખરીદ્યા ૨૧ ટકા શેર
જ્યારે ૨૦૦૫ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શેરહોલ્ડરોએ તેને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, તો મહેતાએ આ તકનો ફાયદો ઉઠાવ્યો. તેમણે ૨૦ મિનિટમાં કંપનીના ૨૧ ટકા શેર ખરીદી નાખ્યા. ૨૦૧૬માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું, “મેં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પહેલા ૨૧ ટકા શેર ૨૦ મિનિટમાં ખરીદ્યા. એક ભારતીયને ૪૦૦ વર્ષ જૂની ઇંગ્લિશ કંપની ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં બસ આટલો જ સમય લાગ્યો.”
જોકે, આ પહેલાં જ્યારે તેના માટે બોલી લગાવવાની ૧૮ મહિના લાંબી પ્રોસેસ શરૂ થઈ હતી તે દરમિયાન બ્રિટિશ લાઇબ્રેરી અને વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં તેના ઇતિહાસને ખૂબ તપાસવામાં આવ્યો. મહેતાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, “બ્રાન્ડ મેં નથી બનાવી, તેને ઇતિહાસે બનાવી છે. હું તેનો ટ્રસ્ટી અને આગામી પેઢી માટે તેનો કસ્ટોડિયન છું. ખાસ વાત એ છે કે હું એક હિંદુસ્તાની છું અને તે જ કંપનીને પાછી ખરીદી રહ્યો છું, જેનું ક્યારેક ભારત પર રાજ હતું.”

