FDI in insurance Sector: સરકારે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો નીતિગત ફેરફાર કરતા ઓટોમેટિક રૂટ દ્વારા 100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) એટલે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી વિદેશી રોકાણકારો માટે ભારતીય ઇન્શ્યોરન્સ માર્કેટમાં એન્ટ્રી સરળ થઈ જશે અને તેમની ભાગીદારી વધવાની આશા છે. જોકે, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને આ વ્યવસ્થાથી અલગ રાખવામાં આવ્યું છે. આમાં વિદેશી રોકાણની મર્યાદા પહેલાની જેમ 20% જ રહેશે, જેથી સરકાર પોતાનું નિયંત્રણ જાળવી રાખી શકે.
ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (DPIIT) એ પ્રેસ નોટ 1 (2026 સીરીઝ) જાહેર કરી આ ફેરફારની જાણકારી આપી. આ હેઠળ વીમા કંપનીઓમાં વિદેશી રોકાણ (જેમાં પોર્ટફોલિયો રોકાણ પણ સામેલ છે) ઓટોમેટિક રૂટથી શક્ય બનશે. પરંતુ આ માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળની મંજૂરી જરૂરી રહેશે. આ સુધારો ‘સબકા બીમા, સબકી સુરક્ષા’ સાથે જોડાયેલા વીમા કાયદા સુધારા અધિનિયમ 2025 મુજબ થયો છે. આના મોટાભાગના જોગવાઈઓ પહેલાથી જ લાગુ કરવામાં આવી છે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વીમા સેક્ટરમાં વિદેશી મૂડી અને નવી ટેકનોલોજી લાવવાનો છે. હવે વિદેશી કંપનીઓ કોઈ પણ ભારતીય પાર્ટનર વગર ભારતમાં પોતાની વીમા કંપનીઓ સ્થાપી શકે છે. આનાથી બજારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ તથા કિફાયતી પ્રીમિયમ મળી શકે છે.
LIC ને અલગ કેમ રાખવામાં આવ્યું?
LIC એક સરકારી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સંસ્થા છે. તેથી સરકાર આમાં પોતાની હિસ્સેદારી અને નિયંત્રણ જાળવી રાખવા માંગે છે, જેના કારણે FDI મર્યાદા 20% સુધી મર્યાદિત રાખવામાં આવી છે.
નવા નિયમો શું કહે છે?
જે વીમા કંપનીઓમાં વિદેશી રોકાણ હશે, તેમાં ઓછામાં ઓછા એક મુખ્ય પદ (ચેરમેન, MD અથવા CEO) પર ભારતીય નાગરિક હોવો જરૂરી છે. વિદેશી હિસ્સેદારી વધારવા માટે ભારતીય રિઝર્વ બેંકના FEMA નિયમો હેઠળ નક્કી કરેલી વેલ્યુએશન ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
કોના-કોના પર લાગુ થશે 100% FDI?
આ સુવિધા માત્ર વીમા કંપનીઓ સુધી સીમિત નથી, પરંતુ વીમા મધ્યસ્થીઓ પર પણ લાગુ થશે. જેમ કે-
ઇન્શ્યોરન્સ બ્રોકર
રીઇન્શ્યોરન્સ બ્રોકર
કોર્પોરેટ એજન્ટ
થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA)
સર્વેયર અને લોસ અસેસર
મેનેજિંગ જનરલ એજન્ટ
વીમા રિપોઝિટરી
આ તમામ લોકોએ IRDAI ના નિયમોનું પાલન કરવું પડશે. જે મધ્યસ્થી કંપનીઓમાં વિદેશી માલિકી વધુ છે, તેમણે કંપની અધિનિયમ, 2013 હેઠળ લિમિટેડ કંપની તરીકે રજીસ્ટર થવું જરૂરી છે. બેંક જેવી સંસ્થાઓ (જે વીમા મધ્યસ્થી તરીકે કામ કરે છે) તેઓ તેમના મૂળ સેક્ટરની FDI મર્યાદા અનુસાર જ સંચાલિત થતી રહેશે, શરત એ છે કે તેમની બિન-વીમા આવક કુલ આવકના 50% થી વધુ હોય.

