Gold vs SIP Investment: બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે માતા-પિતા અનેક પ્રકારના રોકાણના વિકલ્પો શોધતા હોય છે. આમાં ગોલ્ડ અને SIP (Systematic Investment Plan) સૌથી વધુ પસંદ કરાતા વિકલ્પો છે. પહેલાં માતા-પિતા બાળકોની જરૂરિયાતો માટે સોનાના દાગીના ખરીદતા હતા, પરંતુ તાજેતરના વર્ષોમાં ગોલ્ડની વધતી કિંમતોએ લોકોને ગોલ્ડ ETF અને ડિજિટલ ગોલ્ડ જેવા આધુનિક વિકલ્પો તરફ પણ આકર્ષિત કર્યા છે. જો તમે બાળકોના લાંબા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગોલ્ડ અને SIP વચ્ચે મૂંઝવણમાં હોવ, તો બંનેના ફાયદા અને નુકસાનો સમજવા જરૂરી છે, જેથી તમે તમારા બજેટ અને જરૂરિયાત મુજબ સાચો નિર્ણય લઈ શકો.
સોનાના ફાયદા – સોનામાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે મોંઘવારી સમયે તમારી મૂડીની કિંમત ઘટવા દેતું નથી, કારણ કે સોનાની કિંમતો સામાન્ય રીતે મોંઘવારી સાથે વધે છે. તે પોર્ટફોલિયોમાં પણ સંતુલન જાળવી રાખે છે, કારણ કે જ્યારે માર્કેટ નીચે જાય છે ત્યારે સોનું ઘણી વખત સ્થિર રહે છે અને જોખમ ઘટાડે છે. સોનાને ગમે ત્યાં અને ગમે ત્યારે સરળતાથી વેચી કે ખરીદી શકાય છે, તેથી તેની લિક્વિડિટી ખૂબ સારી હોય છે. લાંબા ગાળે તે સુરક્ષિત રિટર્ન આપે છે અને વિશ્વના દરેક દેશમાં તેની કિંમત કાયમ રહે છે. જો તમે ગોલ્ડમાં રોકાણ માટે SGB (Sovereign Gold Bond) પસંદ કરો છો, તો તમને 2.5% વધારાનું વ્યાજ પણ મળે છે, જે તેને વધુ ફાયદાકારક બનાવે છે.
સોનાના ગેરફાયદા – આ બધાની વચ્ચે ગોલ્ડના કેટલાક ગેરફાયદા પણ છે. દાગીનાના સ્વરૂપે સોનું ખરીદવવાથી મેકિંગ ચાર્જ અને GSTને કારણે તેની કિંમત વધી જાય છે. આ ઉપરાંત, સોનું લાંબા ગાળે એટલું રિટર્ન આપતું નથી જેટલું SIP જેવા રોકાણ વિકલ્પો આપે છે. ફિઝિકલ ગોલ્ડને સુરક્ષિત રાખવાની ચિંતા હંમેશા રહે છે અને તેનાથી કોઈ વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી, માત્ર કિંમત વધવાથી જ ફાયદો થાય છે. હા, SGB (Sovereign Gold Bond) આ ખામીને થોડી ભરપાઈ કરે છે, કારણ કે તેમાં વ્યાજ મળે છે.
SIP પણ સારો વિકલ્પ – બીજી તરફ જો SIPની વાત કરીએ તો ઇક્વિટી SIPએ લાંબા ગાળે 12–15% સુધીનું સરેરાશ રિટર્ન આપ્યું છે અને ઘણા ફંડે આનાથી પણ વધારે રિટર્ન આપ્યા છે. જો તમે 10–15 વર્ષ સુધી સતત SIP ચાલું રાખો તો કમ્પાઉન્ડિંગ તમારા રોકાણને અનેક ગણું વધારી દે છે. તેની ખાસ વાત એ છે કે તમે ખૂબ ઓછી રકમ, જેમ કે ₹250–500થી પણ શરૂઆત કરી શકો છો. બજાર નીચે જાય ત્યારે પણ SIP ફાયદાકારક રહે છે, કારણ કે તે સમયે વધુ યુનિટ મળે છે, જે આગળ જતાં સારું રિટર્ન આપે છે.
SIPના પડકારો સમજો – જોકે, SIPમાં પણ કેટલાક જોખમો છે. માર્કેટના ઉતાર-ચઢાવને કારણે ટૂંકા ગાળામાં નુકસાન દેખાઈ શકે છે. ઉપરાંત જો વચ્ચે તમે તેને બંધ કરી દો તો ફંડ ઓછું થઈ શકે છે. તેથી SIPમાં લાંબી મુદત અને નિયમિતતા અત્યંત મહત્વની છે.

