સેન્સેક્સ-નિફ્ટીનો હનુમાન કૂદકો

Reena Brahmbhatt
3 Min Read

મુંબઈ, તા. 12 : વૈશ્વિક બજારોનાં મજબૂત વલણ પાછળ સ્થાનિક બજારમાં જોરદાર લેવાલી નીકળતાં સૂચકાંકોએ તેજીનાં નવાં શિખરો સર ર્ક્યાં હતાં. સેન્સેક્ષ 1439.55 પોઈન્ટસ (1.77 ટકા) વધીને 82,962.71 પોઈન્ટ્સની વિક્રમ ઊંચાઈ ઉપર પહોંચ્યો હતો, જ્યારે નિફટી 470.45 પોઈન્ટ્સ (1.89 ટકા) વધીને 25,388.90 પોઈન્ટ્સની નવી વિક્રમ ઊંચાઈએ બંધ આવ્યો હતો. બૅન્ક નિફટી 762.40 પોઈન્ટ્સ (1.49 ટકા) વધીને 51,772.40 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોની સકારાત્મકતા અને બજાજ ફાઈનાન્સનો આઈપીઓ ખુલ્યા બાદ રોકાણકારોના નાણાં બજારમાં પરત ફર્યા હતા. તે ઉપરાંત વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાં નાણાં ઠાલવતા છેલ્લી 90 મિનિટમાં બજારે ઊંચો કૂદકો લગાવ્યો હતો. આજના સત્રના ઉછાળાથી રોકાણકારોની મૂડી 6.59 લાખ કરોડ વધી હતી, તો મિડકેપ ઈન્ડેક્સ 638.80 (1.32 ટકા) અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 442.31 (0.79 ટકા)નો ઉછાળો નોંધાયો હતો. અમેરિકા સહિતનાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સકારાત્મક વલણના કારણે સ્થાનિક બજારોમાં બ્લુચીપ શૅરોમાં પસંદગીયુક્ત જોરદાર ખરીદી નીકળતાં ગુરુવારે સેન્સેક્ષે 83,000ની ઐતિહાસિક સપાટી સૌપ્રથમ વાર વટાવી હતી.

share market hol

- Advertisement -

ઈન્ટ્રાડેમાં સેન્સેક્ષ એક તબક્કે 1593.03 પોઈન્ટ (1.95) વધીને 83,116.19 પોઈન્ટની નવી લાઈફટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફટી પણ એક તબક્કે 514.9 પોઈન્ટ (2 ટકા) વધીને 25,433.35ની નવી ઓલટાઈમ ઈન્ટ્રાડે હાઈ ઉપર પહોંચ્યો હતો. સેન્સેક્ષમાં ભારતી એરટેલ, એનટીપીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, એમ એન્ડ એમ, અદાણી પોર્ટસ, ટેક મહિન્દ્રા, એલ એન્ડ ટી, તાતા સ્ટીલ, સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા અને કોટક બૅન્કના ભાવ સૌથી વધુ વધ્યા હતા. સેન્સેક્ષના બ્લુચીપ પેકમાં ફક્ત નેસ્લે ઘટવા તરફી હતો. નિફટીના પેકમાં પણ ફક્ત નેસ્લેને છોડીને બાકીના બધા શૅરો તેજીની રેલીમાં જોડાયા હતા. દરેક ક્ષેત્રના સૂચકાંકો સુધર્યા હતા. મેટલ, ઓટોમોબાઈલ, કેપિટલ ગૂડઝ, ટેક્નોલોજી અને પાવર ક્ષેત્ર 2થી 4 ટકા વધ્યા હતા. સત્રના મધ્યભાગ સુધી બજાર સુસ્ત હતું ત્યાર બાદ સુધારો ચાલુ થયો હતો અને સત્રના અંતિમ ભાગમાં બજારમાં લાવ લાવ થઈ ગયું હતું અને તેજીએ મોટી છલાંગ ભરી હતી.

એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો અને હોંગકોંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. શાંઘાઈનું બજાર સાધારણ ઘટયું હતું. યુરોપિયન બજારો વધવા તરફી હતાં. જ્યારે બુધવારે રાત્રે અમેરિકન બજારોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ ઉપર ગુજરાત ફલુરોકેમિકલ્સ, સેન્ચુરી ટૅક્સ, એફડીસી, કલ્યાણ જ્વેલર્સ, ઝોમેટો, ભારતી એરટેલ, શ્રીરામ ફાઈનાન્સ, ચોલા ઈનવેસ્ટમેન્ટ, કોન્કોર્ડ બાયોટેક, બજાજ ઓટો, એપોલો હોસ્પિટલ, ઈન્ડિયન એનર્જી એક્સચેંજ, શ્યામ મેટાલિકસ, હેવેલ્સ, ઈન્ટરગ્લોબ, એરિકલ, એચયુએલ, બ્રિટાનિયા, ઈપ્કા લેબ, અપાર ઈન્ડસ્ટ્રીઝ, વોલ્ટાસ, આલ્કેમ લેબ, સન ફાર્મા, આઈટીસી, નુવામા હેલ્થ મેનેજમેન્ટ, મેક્ષ ફાઈનાન્સિયલ, કોફોર્જ, યુનાઈટ સ્પીરીટસ, નાટકો ફાર્મા, સુઝલોન, અજન્ટા ફાર્મા વગેરેના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈ ઉપર પહોંચ્યા હતાં.

- Advertisement -
Share This Article