કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 13 : કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી કૉંગ્રેસની મહત્ત્વની બેઠકમાં સેબીનાં પ્રમુખ માધવી પુરી-બુચના રાજીનામાની માગ કરવા માટે 22મી અૉગસ્ટે દેશવ્યાપી આંદોલન કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. દરમિયાન, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ મામલે અમે બહુ જલદી પત્રકાર પરિષદ સંબોધશું. અમેરિકાસ્થિત કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં આક્ષેપ કરાયો હતો કે સેબીનાં અધ્યક્ષા માધવી પુરીના હિતોના ટકરાવ (કૉન્ફ્લિક્ટ અૉફ ઇનટરેસ્ટ)ના કારણે તેઓ અદાણી ગ્રુપ સામેના આક્ષેપોની તપાસ કરી શક્યા નહોતા. અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના મુખ્યાલયમાં કૉંગ્રેસના પાર્ટી મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠક બાદ કૉંગ્રેસના નેતા જયરામ રમેશે 22 અૉગસ્ટે દેશભરમાં દેખાવોની જાહેરાત કરી હતી.

congress

- Advertisement -

તેમણે કહ્યું કે, પાર્ટીએ સર્વસંમતિથી, અદાણી અને સેબી સાથે સંકળાયેલા કથિત કૌભાંડની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરાવવાની માગ માટે દેશવ્યાપી વિરોધ દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. જયરામ રમેશે કહ્યું કે, અમે અત્યારે દેશમાં થઈ રહેલા સૌથી મોટા કૌભાંડો પૈકી એક-હિંડનબર્ગના ખુલાસાઓ, અદાણી અને સેબી સંબંધિત કૌભાંડ વિશે ચર્ચા કરી હતી. અમે સર્વસંમતિથી આ મુદ્દે દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય લીધો છે, જેમાં બે મુખ્ય માગ છે. એક તો અદાણી મહાકૌભાંડની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ જેમાં વડા પ્રધાન પૂર્ણપણે સંડોવાયેલા છે અને બજારના નિયમન સાથે ગંભીર તડજોડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

22મી અૉગસ્ટના આંદોલનમાં રાજ્યોના તમામ ઈડી કાર્યાલયો સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કૉંગ્રેસે તપાસમાં સંભવિત હિતોના સંઘર્ષને કારણે આ મુદ્દે તાત્કાલિક સરકારી કાર્યવાહીની માગ કરી છે અને વરિષ્ઠ અધિકારીઓને સંડોવતા આ `કૌભાંડ’ની તપાસ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિની માગણી કરી છે. અદાણી ગ્રુપ સામે અગાઉ ગંભીર આરોપ કરનાર હિંડનબર્ગ રિસર્ચે સેબીનાં અધ્યક્ષા માધવી પુરી-બુચને નિશાન બનાવીને શનિવારે વધુ એક નવો બ્લોગ પોસ્ટ કર્યો છે, જેમાં તેમના પર અને તેમના પતિ પર અદાણી મની લોન્ડ્રિંગ સ્કીમમાં કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા અૉફશોર ફંડમાં અઘોષિત હિસ્સો રાખવાનો આરોપ મૂક્યો છે.

- Advertisement -
Share This Article