India Gold Loan Growth: ગોલ્ડ લોનમાં જબરજસ્ત ઉછાળો: ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં ગોલ્ડ લોન ૧૨૮.૫% વધીને ₹૩.૩૮ લાખ કરોડ પર પહોંચી

Arati Parmar
4 Min Read

India Gold Loan Growth: સોનાના દાગીના પર લોન એટલે કે ગોલ્ડ લોનમાં અચાનક ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2025 સુધી ગોલ્ડ લોન 128.5% વધીને 3.38 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. માર્ચ 2025થી જોઈએ તો આમાં 63.6%નો વધારો થયો છે. છેલ્લા 12 મહિનામાં બેંકોની પર્સનલ લોનમાં જેટલો વધારો થયો છે, તેનો લગભગ એક ચતુર્થાંશ ભાગ ગોલ્ડ લોનનો છે. પર્સનલ લોન તો ક્રેડિટ ગ્રોથમાં સૌથી આગળ છે. ઓક્ટોબરના અંત સુધી આ લોન 14% વધીને 64.56 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આપી છે.

RBIએ જણાવ્યું કે, ગોલ્ડ લોનમાં આ મોટા વધારાનું એક કારણ એ પણ છે કે મે 2024માં બેંકોએ કેટલાક નિયમોને કારણે ખેતી માટે દાગીના પર આપેલી લોનને પણ રિટેલ ગોલ્ડ લોનની કેટેગરીમાં મૂકી દીધી છે. પર્સનલ લોનમાં વધારાનું મુખ્ય કારણ હજુ પણ સિક્યોર્ડ લોન જ છે. એટલે કે એવી લોન જેમાં કંઈક ગીરવે મૂકવામાં આવે છે. હાઉસિંગ લોન 11% વધીને 31.87 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. ઓટો લોન 12.5% વધીને 6.77 લાખ કરોડ રૂપિયા થઈ અને એજ્યુકેશન લોન 14.7% વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.
અનસિક્યોર્ડ લોન
બીજી તરફ અનસિક્યોર્ડ લોનનો ગ્રોથ સિંગલ ડિજિટમાં રહ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન માત્ર 1% વધીને 23,646 કરોડ રૂપિયા થઈ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ 7.7% વધીને 3.03 લાખ કરોડ રૂપિયા થયો અને અન્ય પર્સનલ લોન 9.9% વધીને 16.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. સામાન્ય લોકો તરફથી લોનની માંગ બેંકોની કુલ લોનને વધારી રહી છે. ઓક્ટોબર 2025 સુધી બેંકોની કુલ લોન 11.3% વધીને 193.9 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. છેલ્લા સાત મહિનામાં આ 6.3% વધી છે. નોન-ફૂડ ક્રેડિટ પણ લગભગ આજ વેગે વધી છે, જે 11.1% વધીને 193.2 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
નોન રિટેલ સેક્ટરની વાત કરીએ તો સર્વિસ સેક્ટર લોન ગ્રોથને આગ વધારી રહી છે. આ સેક્ટરને આપવામાં આવતી લોન 13% વધીને 53.45 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. જેમાં કોમ્પ્યુટર સોફ્ટવેર (29.4%), શિપિંગ (28%) અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ (14.1%) જેવા ક્ષેત્રોમાં સારો વધારો જોવા મળ્યો છે. NBFCને બેંકો હજુ પણ ખૂબ લોન આપી રહી છે. NBFCને આપેલી લોન 10.9% વધીને 17.04 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. આમાં હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓની સરખામણીમાં પબ્લિક ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સને વધુ લોન મળી રહી છે.
પ્રાયોરિટી સેક્ટર લોન
ઈન્ડસ્ટ્રી ક્રેડિટ 10% વધીને 41.93 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. જેમાં નાના અને અત્યંત નાના ઉદ્યોગોને આપેલી લોનમાં 25.9%નો ભારે ઉછાળો આવ્યો, જે 9.54 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. મધ્યમ ઉદ્યોગોને 17.6% વધુ લોન મળી જે 3.98 લાખ કરોડ રૂપિયા થઈ. જ્યારે મોટી કંપનીઓને માત્ર 4.6% વધુ લોન મળી, જે 28.41 લાખ કરોડ રૂપિયા છે. આથી લાગે છે કે મોટી કંપનીઓ બેંક પાસેથી લોન લેવાને બદલે બોન્ડ, શેર કે વિદેશી કંપનીઓ પાસેથી સીધી લોન લઈ રહી છે, જે બેંકના આંકડામાં દેખાતી નથી. ખેતી-ખેરુતી અને તેને સંલગ્ન કામો માટે લોન 8.9% વધીને 24.03 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.
પ્રાથમિકતા વાળા ક્ષેત્રોમાં રિન્યુએબલ એનર્જી માટે લોન 52.1% વધી છે. પ્રાથમિકતા વાળી હાઉસિંગ લોન 32.7% વધી છે અને માઈક્રો તથા સ્મોલ એન્ટરપ્રાઈઝને આપેલી લોન 25.8% વધી છે. સોશિયલ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની લોન ઘટી છે અને એક્સપોર્ટ ક્રેડિટમાં પણ ઘટાડો થયો છે.
Share This Article