ભારતની અર્થવ્યવસ્થા મજબૂત પરંતુ મોંઘવારી ગંભીર ચિંતાનો વિષય
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત પરંતુ મોંઘવારી ગંભીર ચિંતાનો વિષય
આઈએમએફએ ભારતનો રિટેલ ફુગાવો ૨૦૨૪માં ૪.૯ ટકા અને ૨૦૨૫માં ૪.૪ ટકા રહેવાની ધારણા
અમદાવાદ : કોરોના મહામારીના કપરાકાળમાંથી ઝડપથી ઉબરીને હવે મોંઘવારી સામે પણ મક્કમ લડત આપીને ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મજબૂત અને સૌથી ઝડપથી અર્થવ્યવસ્થા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા સજ્જ છે તેમ વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે.
આઈએમએફએ ભારતનો રિટેલ ફુગાવો ૨૦૨૪માં ૪.૯ ટકા અને ૨૦૨૫માં ૪.૪ ટકા રહેવાની ધારણા
આઈએમએફએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ૨૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને તે નવા વર્ષે ૫.૯ ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે, જે અગાઉ ૬.૧ ટકા હતો. વૃદ્ધિદરના લક્ષ્યાંકમાં ઘટાડો કર્યા અને રિઝર્વ બેંક કરતા પણ ઓછો અંદાજ મુક્યા છતા આઈએમએફએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા જ રહેશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ૨૦૨૨-૨૩માં વૃદ્ધિ દર સાત ટકા અને ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૪ ટકા રહી શકે છે.
સામે પક્ષે વિશ્વ બેંકના અનુમાન મુજબ ૨૦૨૩-૨૪માં ભારતની અર્થવ્યવસ્થા ૬.૩ ટકાના દરે, એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર ૬.૪ ટકાના દરે વધશે.
૧૧ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા આઈએમએફના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ૨૦૨૪-૨૫ માટે ભારતના વિકાસ અનુમાનને ૫૦ બેસિસ પોઈન્ટથી ઘટાડીને ૬.૩ ટકા કર્યો છે. આઈએમએફએ ભારતનો રિટેલ ફુગાવો ૨૦૨૪ ૪.૯ ટકા અને ૨૦૨૫માં ૪.૪ ટકા રહેવાની ધારણા મુકી છે.
આઈએમએફએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ અંદાજ ૧૦ બીપીએસ ઘટાડીને ૨૦૨૩માં ૨.૮ ટકા અને ૨૦૨૪માં ૩ ટકાના દરે વૃદ્ધિ પામશે તેમ જણાવ્યું છે. ગ્લોબલ ઈન્ફલેશન ૨૦૨૨ના ૮.૭ ટકાથી ઘટીને આ વર્ષે ૭ ટકા અને ૨૦૨૪માં ૪.૯ ટકા થઈ શકે છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન ૨૦૨૩માં ૫.૨ ટકા અને ૨૦૨૪માં ૪.૫ ટકા વધવાની ધારણા સાથે ચીનનું વૃદ્ધિ અનુમાન યથાવત રાખ્યું છે.
