Navratri vehicle sales increase: જીએસટીમાં કપાત બાદ નવરાત્રીમાં વાહન વેચાણમાં ૩૪%નો રેકોર્ડ વધારો

Arati Parmar
2 Min Read

Navratri vehicle sales increase: ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાતને કારણે  વર્તમાન વર્ષની નવરાત્રીના ગાળામાં   વાહનોના વેચાણમાં ૩૪ ટકાનો અત્યારસુધીનો વિક્રમી વધારો રહ્યો છે. સંપૂર્ણ  સપ્ટેમ્બરમાં ઊતારૂ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૫.૮૦ ટકા વધારો થયો છે. ગત મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં વેચાણ મંદ રહ્યું હતું પરંતુ ૨૨ સપ્ટેમ્બરથી નવરાત્રી પ્રારંભ થવા સાથે વેચાણમાં વધારો જોવા ંમળ્યો છે, એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.

આગામી દિવાળીના તહેવારમાં પણ વેચાણ વૃદ્ધિને લઈને ઓટો ઉદ્યોગ આશાવાદ સેવી રહ્યો છે.

- Advertisement -

જીએસટીમાં કપાત બાદ ઊતારૂ વાહનોનું વેચાણ ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ ૫.૮૦ ટકા વધી ૨,૯૯,૩૬૯ વાહનો રહ્યું હતું.  એકંદર ઓટો વેચાણ વાર્ષિક ધોરણે ૫.૨૦ ટકા  વધ્યું હોવાનું પણ ફાડા દ્વારા જાહેર કરાયેલા ડેટા જણાવે છે.

 ગયા મહિને ટુ વ્હીલર્સના વેચાણમાં ૬.૫૦ ટકા, ટ્રેકટર્સના વેચાણમાં ૩.૬૦ ટકા અને કમર્સિઅલ વાહનોના વેચાણમાં ૨.૬૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે.  જો કે થ્રી વ્હીલર્સ તથા બાંધકામ ઈક્વિપમેન્ટ સેગમેન્ટસનું વેચાણ અનુક્રમે ૭.૨૦ ટકા અને ૧૯ ટકા નીચુ રહ્યું છે.

માત્ર નવરાત્રીના તહેવાર દરમિયાનના વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૪ ટકા વધારો થયો છે જે કોઈ નવરાત્રીનો અત્યારસુધીનો રેકોર્ડ છે, એમ ફાડાના વાઈસ-પ્રેસિડેન્ટ સાઈ ગીરીધરે જણાવ્યું હતું. ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબરના નવરાત્રીના સમયગાળા દરમિયાન એકંદરે ૧૧.૫૦ લાખ વાહનો વેચાયા છે જે ગયા વર્ષની નવરાત્રીમાં ૮.૬૩ લાખ વેચાયા હતા.

નવરાત્રીના પ્રારંભ એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીમાં કપાત આવવાની હોવાથી સપ્ટેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહમાં વેચાણ મંદ રહ્યું હતું, પરંતુ અંતિમ સપ્તાહમાં ગણિતો બદલાઈ ગયા હતા અને વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું.

માગમાં વધારાને કારણે ડીલરોને તેમનો સ્ટોક ઘટાડવામાં મદદ મળી હતી. વેરામાં કપાત અને તહેવાર બને સાથોસાથ આવતા વાહનો માટે પૂછપરછ અને બુકિંગ્સમાં વધારો થયો હતો.

ઊતારૂ વાહનોના સ્ટોક વધી હાલમાં ૬૦ દિવસ આસપાસ પહોંચી ગયો છે જે ડીલરો દિવાળીમાં પણ વેચાણમાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખતા હોવાના સંકેત આપે છે.  નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વેચાણ આંક આકર્ષક રહેવાની અપેક્ષા હોવાનું શ્રી. ગીરીધરે વધુમા ંજણાવ્યું હતું.

Share This Article