New Rent Agreement Rules 2025: ભારત સરકાર દ્વારા દેશની ભાડા પ્રણાલીને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે “નવો રેન્ટ એગ્રીમેન્ટ 2025” અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમો હેઠળ, હવે મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે કરાર થયાના 2 મહિનાની અંદર તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો આ નિયમનું પાલન કરવામાં ચૂક થશે, તો ₹5,000 સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, ભાડૂઆતોને અચાનક ઘર ખાલી કરાવવાના દબાણથી મુક્તિ મળશે, જ્યારે મકાનમાલિકો માટે TDS મુક્તિની મર્યાદા વધારીને વાર્ષિક ₹6 લાખ કરી દેવામાં આવી છે.
વધતા વિવાદો અને નવા નિયમોની જરૂરિયાત
રોજગાર અને શિક્ષણ અર્થે મોટા શહેરોમાં સ્થળાંતર વધવાને કારણે ભાડાના મકાનોની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ સાથે જ મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના ઝઘડાઓ પણ સામાન્ય બન્યા છે. ક્યારેક ડિપોઝિટ પરત ન મળવી તો ક્યારેક નોટિસ વિના ઘર ખાલી કરાવવું – આવી ફરિયાદોને ડામવા માટે સરકારે ‘મોડેલ ટેનન્સી એક્ટ’ (MTA) અને બજેટની જોગવાઈઓના આધારે કડક નિયમો ઘડ્યા છે.
1. રજિસ્ટ્રેશનમાં વિલંબ ભારે પડશે (₹5,000 દંડ)
અત્યાર સુધી ઘણા લોકો માત્ર નોટરી પર સહી-સિક્કા કરાવીને કામ ચલાવતા હતા અને રજિસ્ટ્રેશન પ્રત્યે ઉદાસીનતા દાખવતા હતા. પરંતુ નવા નિયમોએ આ છટકબારી બંધ કરી દીધી છે.
નવો નિયમ: ભાડા કરાર (Rent Agreement) પર હસ્તાક્ષર થયાના 2 મહિનાની અંદર તેની સત્તાવાર નોંધણી કરાવવી અનિવાર્ય છે.
પ્રક્રિયા: તમે રાજ્ય સરકારના ઓનલાઈન પોર્ટલ અથવા નજીકની સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને નોંધણી કરાવી શકો છો.
દંડ: જો નિર્ધારિત સમયમાં રજિસ્ટ્રેશન નહીં કરાવો, તો ₹5,000 સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આનાથી ભવિષ્યમાં થતી કાનૂની ગૂંચવણોથી બંને પક્ષો બચી શકશે.
2. ભાડૂઆતો માટે સુરક્ષા કવચ
નવા નિયમોમાં ભાડૂઆતોના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી મકાનમાલિકોની મનમાની ચાલે નહીં.
સિક્યોરિટી ડિપોઝિટ: રહેણાંક મકાનો (Residential) માટે મકાનમાલિક હવે વધુમાં વધુ 2 મહિનાના ભાડા જેટલી જ રકમ ડિપોઝિટ તરીકે લઈ શકશે. જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટી માટે આ મર્યાદા 6 મહિનાની નક્કી કરાઈ છે.
ખાલી કરાવવાના નિયમો: મકાનમાલિક હવે યોગ્ય લેખિત નોટિસ આપ્યા વિના અથવા કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વિના ભાડૂઆતને અચાનક ઘરની બહાર કાઢી શકશે નહીં.
ભાડામાં વધારો: ભાડું વધારવા માટે મકાનમાલિકે કરારની શરતો મુજબ અગાઉથી નોટિસ આપવી ફરજિયાત રહેશે.
3. મકાનમાલિકોને પણ થશે બમ્પર ફાયદો
આ નિયમો માત્ર એકપક્ષીય નથી; મકાનમાલિકોને પણ પ્રોત્સાહન મળે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે.
TDS માં મોટી રાહત: મકાનમાલિકો માટે સૌથી સારા સમાચાર ટેક્સ સેક્ટરમાં છે. ભાડાની આવક પર TDS કપાતની મર્યાદા, જે પહેલા વાર્ષિક ₹2.4 લાખ હતી, તે વધારીને હવે વાર્ષિક ₹6 લાખ કરવામાં આવી છે. આનાથી મકાનમાલિકોના હાથમાં વધુ રકમ આવશે.
ઝડપી ન્યાય (Fast-Track Courts): ભાડાના વિવાદો કોર્ટમાં વર્ષો સુધી અટકેલા રહેતા હતા. હવે ખાસ ‘રેન્ટ ટ્રિબ્યુનલ’ ની સ્થાપના થશે, જેનો ઉદ્દેશ્ય કોઈપણ વિવાદનો ઉકેલ માત્ર 60 દિવસ માં લાવવાનો રહેશે.
ભાડું ન ચૂકવનાર સામે રક્ષણ: જો કોઈ ભાડૂઆત સતત 3 મહિના કે તેથી વધુ સમય સુધી ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય, તો ટ્રિબ્યુનલ મકાનમાલિકને ઝડપી ન્યાય અપાવી મિલકત ખાલી કરાવવામાં મદદ કરશે.

