ભુજ, તા. 28 : આજે ઓનલાઈન ખરીદીમાં રિટર્ન અને રિફંડની સુવિધા સાથે મોબાઈલ દ્વારા આંગળીના ટેરવે ઘેરબેઠા વસ્તુઓ મળી રહે છે. રોજરોજ જ્યાં દૃષ્ટિ કરો ત્યાં નવા મોલ, સુપરમાર્કેટ, બ્રાન્ડના શોરૂમ એ ભુજને મેગા સિટી તરફ આગળ વધારી દીધું છે ત્યારે આપણા સ્થાનિક વેપારીઓ માટે કપરો સમય આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ આપેલા સુત્ર `વોકલ ફોર લોકલ’ને કાર્યરત કરવાની સમયની માંગ છે. ગ્રાહકો તહેવારો, પ્રસંગો ઉપરાંત દરેક વસ્તુઓ સ્થાનિક બજારમાંથી ખરીદે. આપણી લક્ષ્મી વિદેશમાં ન જાય અને આપણું શહેર સમૃદ્ધ રહે તો આપણી સમૃદ્ધિ તેમાં જ છે. તે જાગૃતતા સાથે સાંસ્કૃતિક વારસો જાળવી હેન્ડિક્રાફ્ટ્સને પ્રોત્સાહન આપી અર્થતંત્રને પુનર્જીવિત કરવું આપણા હાથમાં છે. દિવાળી કેવી છે એ બાબતે સ્થાનિક વાણિયાવાડ અને શરાફ બજારના વેપારીઓએ દિવાળીની ચહેલ-પહેલ અને સ્પર્ધાત્મક યુગમાં પોતાના મંતવ્યો જણાવ્યા હતા.
ભુજના વાણિયાવાડમાં રેડિમેડ ગારમેન્ટના વેપારી મેઘલ ઉમેદભાઈ શાહ કહે છે કે, ઓનલાઈન તથા મોલના ચલણને પગલે દિવાળીમાં મંદી વર્તાઈ છે. ગામડાના ગ્રાહકો પણ પરિવાર સાથે શોપિંગ વિથ પિકનિક માણતા ને મોલમાં ખરીદી કરતા થઈ ગયા હોવાથી ગામડાની ઘરાકીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાઈઝ, ફિટિંગ, મટીરિયલ તપાસીને ખરીદી કરનારો કાયમી/ નિયમિત વર્ગ હજુ લોકલ સ્ટોરથી ખરીદીની પસંદગી કરે છે. નવા ગ્રાહકો જોવા મળતા નથી. મેન્સવેરનો બહોળો વર્ગ ઓનલાઈન તરફ વળ્યો હોવાનું ઉમેર્યું હતું. ચિલ્ડ્રન અને લેડિઝવેરના ગ્રાહકોની ઘરાકી છે તેમ જણાવ્યું હતું.
ગ્રાહકો શું કહે છે ?
ગ્રાહક જિજ્ઞાબા જાડેજાએ તેમના સંતાનો સાથે દિવાળીની ખરીદી માટેના અભિપ્રાયના જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષોથી તેમનો પરિવાર-સગા સંબંધી દિવાળી જેવા તહેવારો કે લગ્ન વિ. પ્રસંગો પર ભુજની બજારમાંથી જ ખરીદી કરે છે. વ્યાજબી ભાવે, સારી ગુણવત્તાનાં વત્રો મળી રહે છે. દીકરા-દીકરીઓ માટે ભારતીય, વેસ્ટર્ન પોશાક એક જ જગ્યાએથી મળી રહે છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ધો.12માં અભ્યાસ કરતાં નીતાબાએ ઉમેર્યું હતું કે, વેપારીને અમારી પસંદનો ખ્યાલ હોવાથી પસંદગીમાં સમય લાગતો નથી. વિકલ્પો માટે ભટકવું પડતું નથી. ઉપરાંત જરૂર મુજબ ફિટિંગ અને એક્સચેન્જની સુવિધા પણ મળતી હોવાથી તે સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદી કરવાનું પસંદ કરે છે.
સાડી તો દુકાનમાંથી લેવાય
40 વર્ષથી સાડીના ધંધા સાથે સંકળાયેલા વેપારી કીર્તિભાઈ વોરા કહે છે કે, સાડીની ઓનલાઈન ખરીદી કરતો વર્ગ બહુ ઓછો છે. ફોટો પરથી ગુણવત્તા અને પહેર્યા પછીનો દેખાવ વિશે ખ્યાલ નથી આવતો. પ્રસંગોપાત મહિલાઓ મોટા બજેટની સાડી દુકાનદારો પાસેથી જોઈને લેવાનું જ પસંદ કરે છે. ગામડાનો વર્ગ દરરોજ પહેરવાની સાડીઓ પણ દુકાનોમાંથી જ ખરીદે છે. દિવાળી એકંદરે સારી છે તેવું જણાવ્યું હતું. ઉપરાંત તેમના ભાઈઓ પણ આ વેપાર સાથે વર્ષોથી સંકળાયેલા છે ત્યારે અનિલભાઈએ દર વર્ષની જેમ વિજયાદશમી બાદ બજારમાં ગ્રાહકોની જેવી રોનક જોવા મળે છે તેવી આ વર્ષે નથી દેખાઈ તેવું ઉમેર્યું હતું.
મોબાઈલમાં ઓનલાઈન
મોબાઈલ બજાર અંગે વેપારી નીરવભાઈ કિરણભાઈ શાહનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, નવી પેઢી ઓનલાઈન મોબાઈલની ખરીદી તરફ વળી રહી છે. જો કે નિયમિત ગ્રાહકો વિશ્વાસ અને સર્વિસને કારણે સ્થાનિક વિક્રેતા સાથે જોડાયેલા છે. મોબાઈલના જરૂર મુજબ ઉપયોગ, હેતુ અને બજેટ અનુસાર પ્રોડક્ટની પસંદગીમાં સાચું માર્ગદર્શન, લાઈવ પ્રોડક્ટનો અનુભવ, ડેટા ટ્રાન્સફરની સગવડ, સોફ્ટવેર અપડેટ, ટફન ગ્લાસ, કંપનીની એસેસરીઝ વગેરે સગવડો ઓફલાઈન જ મળી શકે છે. આ ઉપરાંત ગ્રાહકોને દિવાળી સ્પેશિયલ કેશબેક ઓફર, લકી ડ્રો, ભેટો જેવા લાભો પણ આપે છે. ગ્રાહકો કમૂરતાં કે દિવાળીની રાહ જોવાને બદલે જરૂર મુજબ ખરીદી કરતા થયા છે તેવું ઉમેર્યું હતું.
ઓનલાઈન છેતરામણું
ઓનલાઈન સસ્તું હોવાની ધારણા પણ ખોટી છે. ઓનલાઈન જે ડિસ્કાઉન્ટ દર્શાવવામાં આવે છે તે એમઆરપી પર દર્શાવાય છે, પરંતુ ખરેખર બજારમાં એ વસ્તુ ડિસ્કાઉન્ટેડ ભાવથી પણ સસ્તી મળી રહે તેવું બનતું હોય છે. વળી, ગૂગલ સર્ચમાં પ્રોડક્ટની પસંદગી માટે માહિતી લઈએ ત્યારે તે માહિતી પેઈડ પ્રમોશન અનુસાર બતાવે છે. જ્યારે દુકાનદાર ગુણવત્તા અને તમારા પર્સનલ ઉપયોગના આધારે શું ખરીદવું તેનું સાચું માર્ગદર્શન આપતા હોય છે.
લોકલને પ્રાધાન્ય
10 વર્ષ જૂના ગ્રાહક આનંદભાઈ મોરબિયા તેમનાં પુત્રી ખુશી માટે મોબાઈલ ખરીદવા આવ્યા ત્યારે મુલાકાત દરમ્યાન તેમણે પણ `વોકલ ફોર લોકલ’ને પ્રાધાન્ય આપ્યું હતું. ખુશીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન મંગાવીએ અને કંઈ પ્રોબ્લેમ આવે તેના કરતાં પ્રોડક્ટ હાથમાં જોઈને ચેક કરીને લેવું વધુ યોગ્ય રહે છે.
સ્પર્ધા જબરી છે
ફૂટવેરના વેપારી કેવલ અતુલભાઈ પટવા કહે છે કે, મોલ અને ઓનલાઈનની સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. ખરીદી બાદની સર્વિસ અને ગ્રાહકો સાથે કો-રિલેશન જ સ્થાનિક વેપારી પાસે ખરીદવાનું એક મહત્ત્વનું પાસું છે. વસ્તુ સામે કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો રિપેર-એક્સચેન્જ કરી આપી ગ્રાહકને સંતોષ ફક્ત સ્થાનિક વેપારીઓ પાસેથી જ મળે છે. જો સરકાર નિયંત્રણ નહીં લાવે તો રોજ નવા ખૂલતા મોલ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડના શોરૂમથી રિટેલરોનું ભવિષ્ય જોખમમાં મુકાશે તેવું ઉમેર્યું હતું.
વિશ્વાસપાત્ર હોવું જોઈએ
બૂટની ખરીદી માટે આવેલા 26 વર્ષ જૂના ગ્રાહક રણછોડભાઈ આહીર, લોડાઈથી કોઈપણ પ્રકારનાં પગરખાંની ખરીદી માટે અહીં આવતા હોવાનું જણાવ્યું હતું. વેપારીનો આવકાર અને સારી ગુણવત્તા અગત્યના છે તેમ કહી ઉમેર્યું હતું કે, કોઈ ઓનલાઈન કે મોલની સ્કીમો તેમને આકર્ષી શકતી નથી. વિશ્વાસપાત્રતા સાથે લગ્ન, તહેવારો, પ્રસંગો પર અહીંથી જ ખરીદી કરતા હોવાનું જણાવ્યું હતું.

