RBI Plastic Currency Notes: દેશમાં જલ્દી જ પ્લાસ્ટિકની નોટ જોવા મળી શકે છે. આરબીઆઈએ નોટોની છપાઈ માટે ઓપેસિફાઈડ પોલીમર સબસ્ટ્રેટ શીટ્સના નિર્માણ તથા સપ્લાય માટે કંપનીઓ પાસેથી વૈશ્વિક સ્તરે ટેન્ડર મંગાવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડએ આ બાબતે અખબારોમાં એક જાહેરાત આપી છે. આ કંપની આરબીઆઈ અને નોટ છાપતી તથા સિક્કા ઢાળતી સરકારી કંપની એસપીએમસીઆઈએલ (SPMCIL) નું જોઈન્ટ વેન્ચર છે.
ઓપેસિફાઈડ પોલીમર સબસ્ટ્રેટ શીટ એક પ્રકારનું પ્લાસ્ટિક બેઝ મટીરિયલ છે. તેને એવી રીતે બનાવવામાં આવે છે કે તે પ્રકાશને આર-પાર જવાથી રોકે છે અને સાથે જ ખૂબ મજબૂત પણ રહે છે. સેન્ટ્રલ બેંક સુરક્ષિત કરન્સી છાપવા માટે તેનો ઉપયોગ કરે છે. આ નોટો લાંબા સમય સુધી ચાલે છે અને છપાઈ ખરાબ થતી નથી. સાથે જ આ નોટો પાણી અને ગંદકીમાં સુરક્ષિત રહે છે અને તેની નકલ કરવી પણ ઘણી મુશ્કેલ છે.
પ્લાસ્ટિક નોટની ખૂબી
હાલમાં આવેલી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરબીઆઈ પોલીમર કરન્સી નોટ લાવવા પર એકવાર ફરી વિચાર કરી રહ્યું છે. દેશમાં નોટ છાપવાનો ખર્ચ વધારે છે. આરબીઆઈના તાજા ડેટા મુજબ કરન્સી નોટ છાપવા પર થતો ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૬,૩૭૨ કરોડ રૂપિયાના ટોપ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં તે ઘટીને ૪,૮૭૫ કરોડ રૂપિયા રહી ગયો. સાથે જ નોટોના ખરાબ થવાની સમસ્યા પણ છે.
પેપર કરન્સીની વિરુદ્ધ પોલીમર અથવા પ્લાસ્ટિક નોટ વધારે ટકાઉ હોય છે. તેના પર ગંદકી અને ભેજની અસર ઓછી થાય છે. ભારતની આબોહવા અને ઉપયોગની સ્થિતિઓને જોતા આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તેની વધારે લાંબી ઉંમરના કારણે વારંવાર નોટ છાપવાની જરૂર ઓછી થઈ જાય છે. તેનાથી શરૂઆતી પ્રોડક્શન એક્સપેન્સ વધારે હોવા છતાં સમયની સાથે કુલ ખર્ચ ઓછો થઈ શકે છે.
૬૦ દેશોમાં ચાલે છે પ્લાસ્ટિક નોટ
અત્યારે ૬૦ થી વધારે દેશોમાં પ્લાસ્ટિકની નોટ ઉપયોગમાં લેવાય છે. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયામાં તેની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત કેનેડા, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને રોમાનિયામાં પણ પોલીમર કરન્સી ચાલે છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન જેવા દેશોએ સંપૂર્ણ રીતે પોલીમર કરન્સી અપનાવી લીધી છે. જ્યારે, ઘણા અન્ય દેશોએ તેને આંશિક રીતે અપનાવી છે.

