Gold Price News: ઐતિહાસિક ઉછાળા સાથે સોનું ₹90,700 પર પહોંચ્યું, ચાંદી અને ડોલર પણ મજબૂત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Gold Price News: વૈશ્વિક બજારમાં પ્રવર્તતી ટેરિફ વૉરની ગતિવિધિ સહિતના અન્ય અહેવાલો પાછળ સોનું ઉછળીને 3000 ડૉલરની સપાટી કૂદાવી ગયાના અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂ. 1300નો ઉછાળો નોંધાતા 99.9 સોનાના ભાવ રૂ. 90000 ની સપાટી કૂદાવીને રૂ. 90700 ની નવી ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ ચાંદીમાં પણ તેજીનો માહોલ ચાલુ રહ્યો હતો. જો કે, વૈશ્વિક બજારમાં સોનામાં ઉંચા મથાળેથી પીછેહઠ થતા ત્યાં સોનું ઘટીને 2978 ડૉલર બોલાતું હતું. દરમિયાન મુંબઈ બુલિયન બજારમાં ગઈકાલે ધૂળેટીના દિવસે ચાંદી ઉછળીને રૂ. 100750 ની ટોચે પહોંચી ગઈ હતી જે ઘટીને રૂ. 99650 બોલાતી હતી.

અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગઈકાલની ધૂળેટીની રજા બાદ કામકાજ શરૂ થયા હતા જેમાં અમદાવાદમાં સોનું (99.9) રૂ. 1300  ઉછળીને 90700 ની ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે સોનું (99.5) પણ ઉછળીને રૂ. 90400 ની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 1000 ઉછળીને 99000ની સપાટીએ બંધ રહી હતી.

- Advertisement -

મુંબઈ ઝવેરી બજારમાં શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં વિશ્વ બજાર પાછળ ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી.

મુંબઈ બુલિયન બજારમાં બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર 10 ગ્રામના 995 ના  રૂ.88500 વાળા રૂ.87600 તથા 999 ના રૂ.88800 વાળા રૂ.87900 રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.100750 વાળા રૂ.99650 બોલાઈ રહ્યા હતા.

- Advertisement -

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના જે શુક્રવારે ઉંચામાં 3004 થી 3005 ડોલર થઈ ગયા હતા તે શનિવારે ઘટી સપ્તાહના અંતે નીચામાં 2978 થઈ છેલ્લે ભાવ 2984 થી 2985 ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદી ઉંચામાં 34.08 થઈ ફરી ઘટી નીચામાં 33.53 થઈ છેલ્લે ભાવ 33.79 થી 33.80 ડોલર રહ્યા હતા.

દેશમાં આયાત થતા સોના-ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીૂફ વેલ્યુમાં સરકારે વૃદ્ધિ કર્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે. આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં 10 ગ્રામદીઠ 927 થી વધી 941 ડોલર  તથા ચાંદીમાં કિલોદીઠ 1025થી 1067 ડોલર કરાયાના નિર્દેશો હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ 997 ડોલર રહ્યા  હતા. પેલેડીયમના ભાવ છેલ્લે 0.70 ટકા માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના તળિયેથી વધી બેરલના 70.75 થઈ છેલ્લે ભાવ 70.58 ડોલર રહ્યા હતા. અમેરિકા દ્વારા ટેરીફ લદાતાં કેનેડા  દ્વારા અમેરિકામાં મોકલવામાં આવતા ક્રૂડતેલની સપ્લાય ઘટાડાશે એવા સમાચાર મળ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની આવતાં વિકમાં 18 તથા 19 તારીખે મળનારી મિટિંગ પર બજારની નજર રહી હતી.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ નીચામાં 103.57 તથા ઉંચામાં 104.09 થઈ છેલ્લે 103.79 રહ્યો હતો. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે શુક્રવારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.87 થી ઘટી રૂ.86.90 રહ્યા હતા તે શનિવારે ફરી વધી રૂ.86.98 થી 86.99 રહ્યા હતા.

Share This Article