GST Tax Slab: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નવા સુધારાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી કે આ નવા સુધારા આ દિવાળી પર લાગુ થઈ શકે છે. હાલ 5%, 12%, 18% અને 24% એમ કુલ ચાર જીએસટી સ્લેબ લાગુ છે. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી તેને સરળ બનાવવા તેમજ ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવી લોકોના ખિસ્સા પરથી બોજો ઘટાડવાનો સંકેત આપ્યો છે.
આ સુધારાને મંજૂરી મળે તો, 2017માં GST લાગુ થયા બાદ આ સૌથી મોટો ફેરફાર
એક મીડિયા રિપોર્ટ મુજબ, GSTના નવા પ્રસ્તાવમાં મોટાભાગની વસ્તુઓને બે મુખ્ય સ્લેબ – 5% અને 18% હેઠળ રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે, તમાકુ અને ઓનલાઇન ગેમિંગ જેવી વસ્તુઓ પર 40% જેટલો ઊંચો ટેક્સ લગાવવાનું સૂચન છે.
જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય, તો 2017માં GST લાગુ થયા પછી આ સૌથી મોટો ફેરફાર હશે. આ સુધારાનો હેતુ GSTના નિયમોને સરળ બનાવવાનો, પરિવારો અને વેપારીઓ માટે ખર્ચ ઘટાડવાનો અને વર્તમાન વ્યવસ્થાની ખામીઓ દૂર કરવાનો છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘ટેક્સના દરોને વ્યવસ્થિત કરવાથી પરિવારો પરનો બોજ ઓછો થશે અને ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગને મદદ મળશે, જેને મુખ્ય પ્રાથમિકતા ગણવામાં આવી છે.
GST રેટમાં મોટા ફેરફારો
નવા પ્રસ્તાવ મુજબ, મોટાભાગની એવી વસ્તુઓ કે જેના પર હાલ 12% GST લાગે છે, તેને ઘટાડીને 5%ના સ્લેબમાં લાવવામાં આવશે. તેવી જ રીતે, જે ઉત્પાદનો પર અત્યારે 28% GST લાગુ પડે છે, તેને 18%ના સ્લેબમાં લાવવાનું સૂચન છે. આનો સીધો ફાયદો ટીવી, એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ પર થશે, કારણ કે તેમના પરનો ટેક્સ 28%થી ઘટીને 18% થઈ જશે. આનાથી મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે.
આવશ્યક ચીજો પર રાહત
ખોરાક, દવાઓ, શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ પર ટેક્સમાંથી મુક્તિ આપવાનો અથવા માત્ર 5% GST લગાવવાનો પ્રસ્તાવ છે. કૃષિ ક્ષેત્રમાં, સ્પ્રિંકલર અને કૃષિ મશીનરી જેવા ઉપકરણો પરનો GST 12% થી ઘટીને 5% થઈ શકે છે.
વીમા સેવાઓ પર પણ 18%થી મોટો ઘટાડો થઈને 5% અથવા તો શૂન્ય પણ થઈ શકે છે. જ્યારે તબીબી ઉત્પાદનો અને દવાઓ પર આરોગ્ય સેવાઓ વધુ પોસાય તે માટે ઓછા દરો લાગુ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, તમાકુ ઉત્પાદનો અને ઓનલાઈન ગેમિંગ પર 40% સુધીનો ટેક્સ લાગુ થઈ શકે છે.
GST માંથી કઈ વસ્તુઓને મુક્તિ મળશે?
પેટ્રોલિયમ ઉત્પાદનો હાલની જેમ GST સિસ્ટમની બહાર જ રહેશે. હીરા (0.25%) અને સોનું અથવા ચાંદી જેવી ધાતુઓ પર 3% ટેક્સ યથાવત રહેશે. આ ઉપરાંત, કાપડ અને ખાતરો માટે પણ સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારનું આગલું પગલું
કેન્દ્ર સરકારે GST રેટને તર્કસંગત બનાવવા, વળતર આપવા અને વીમા પરના પ્રસ્તાવોને ત્રણ મંત્રી સમૂહો (GOM) ને મોકલ્યા છે. તેમની સમીક્ષા પછી, આ ભલામણો GST કાઉન્સિલને મોકલવામાં આવશે. GST કાઉન્સિલ પાસે આ યોજનાને મંજૂરી આપવાનો, તેમાં ફેરફાર કરવાનો અથવા તેને નકારવાનો અધિકાર છે. વિચાર-વિમર્શના આધારે, કાઉન્સિલ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની શરૂઆતમાં આ મામલે વિચારણા કરી શકે છે.