Sensex 2000 Points Rally: સેન્સેક્સનો ‘મહા-રેકોર્ડ’, જાણો ક્યારે-ક્યારે એક જ કારોબારી સત્રમાં ભારતીય શેરબજાર 2,000 અંકને પાર પહોંચ્યું

Arati Parmar
4 Min Read
Sensex 2000 Points Rally

Sensex 2000 Points Rally: ગયા કારોબારી સત્ર એટલે કે સોમવારે 30 શેર ધરાવતા સેન્સેક્સમાં 1,483.72 અંકો એટલે કે 1.77 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે લાલ નિશાનમાં 82,435.99 પર બંધ થયો હતો. પરંતુ આજે બુધવારે તેમાં 2,000 અંકથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આજે સવારે 11 વાગ્યે 16 મિનિટે તે લીલા નિશાનમાં ઉછાળા સાથે 84,462.22 પર કારોબાર કરી રહ્યો હતો. આવું પહેલીવાર નથી બન્યું, જ્યારે સેન્સેક્સે આટલી મોટી તેજી સાથે રોકાણકારોને મોટો નફો કરાવ્યો હોય. અગાઉ પણ અનેક વખત એક જ કારોબારી સત્રમાં સેન્સેક્સ 2,000 અંકને પાર પહોંચ્યો છે. ચાલો, આવા કેટલાક મહત્ત્વના દિવસો વિશે જાણીએ. શરૂઆત આજે એટલે કે 25 નવેમ્બર 2026ના રોજ થયેલા ઉછાળાથી કરીએ.

સેન્સેક્સમાં 2026 અંકોનો ઉછાળો

આજે 30 શેર ધરાવતા સેન્સેક્સમાં સવારે 11 વાગ્યે 16 મિનિટે 2,026.23 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમાં 2.46 ટકાનો વધારો થયો હતો. આ દરમિયાન સેન્સેક્સ લીલા નિશાનમાં 84,462.22 પર કારોબાર કરી રહ્યો હતો. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની મોટી ખરીદી, કાચા તેલની કિંમતોમાં ઘટાડો, ડોલર સામે રૂપિયાની મજબૂતી અને મોટી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળા સહિતનાં કારણોને બજારની આ તેજી પાછળ જવાબદાર માનવામાં આવ્યાં હતાં.

- Advertisement -

5 નવેમ્બર 2026

ગત 5 નવેમ્બર 2026ના રોજ સેન્સેક્સે એક જ કારોબારી સત્ર એટલે કે એક જ દિવસમાં 2,000 અંકથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. તે સમયે સેન્સેક્સ 2,008.61 અંક એટલે કે 2.6 ટકાના વધારા સાથે 79,310.01 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. સ્થાનિક શેરબજારમાં આ તેજીનાં કારણોમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો, ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોની વાપસી અને ખરીદી, અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર અને ડેમોક્રેટિક પાર્ટીની જોરદાર જીત સહિતનાં કારણો સામેલ હતાં.

સેન્સેક્સમાં 2,200 અંકથી વધુનો ઉછાળો

3 ફેબ્રુઆરી 2026ના રોજ સેન્સેક્સમાં 2,250 અંકનો ઉછાળો આવ્યો હતો. શરૂઆતના કારોબારમાં તેમાં 3,656 અંક સુધીનો વધારો થયો હતો. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સહમતી અને ભારત પર લગાવવામાં આવેલા ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા સહિતનાં કારણોસર સેન્સેક્સમાં આ ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો. આ દિવસે સેન્સેક્સ 2,072 અંક એટલે કે 2.54 ટકાના વધારા સાથે 83,739.13 પર બંધ થયો હતો.

- Advertisement -

સેન્સેક્સમાં 2,975 અંકોની તેજી

12 મે 2025ના રોજ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં 2,975 અંકોનો ઉછાળો આવ્યો હતો. તે 3.7 ટકાના વધારા સાથે 82,430 પર બંધ થયો હતો. સ્થાનિક શેરબજારમાં આ તેજીનું સૌથી મહત્ત્વનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઉછાળાથી રોકાણકારોને આશરે 16 લાખ કરોડ રૂપિયાથી વધુનો નફો થયો હતો.

સેન્સેક્સમાં 2,000 અંકથી વધુની તેજી

20 સપ્ટેમ્બર 2019ના રોજ સ્થાનિક શેરબજારમાં મોટી તેજી જોવા મળી હતી. ત્યારે સેન્સેક્સ 2,000 અંકને પાર પહોંચ્યો હતો. એક જ દિવસમાં તેમાં 2,285 અંકોનો વધારો થયો હતો અને તે 38,378 પર પહોંચ્યો હતો. બજારમાં આ તેજીનું કારણ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત હોવાનું જણાવવામાં આવ્યું હતું. સરકારે તે સમયે લાગુ કોર્પોરેટ ટેક્સના દરને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો હતો.

- Advertisement -

18 મે 2009ના રોજ 2,110 અંકોનો ઉછાળો

18 મે 2009ના રોજ સેન્સેક્સમાં 2,110 અંકોની તેજી જોવા મળી હતી. તે સમયે UPA (કોંગ્રેસ ગઠબંધન)ની જીત બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે ખરીદીને આ તેજીનું કારણ જણાવવામાં આવ્યું હતું.

Share This Article