UPI MDR: ₹2,000થી વધુના UPI બિઝનેસ પેમેન્ટ પર MDR લાગશે? RBIએ સ્પષ્ટ કર્યો અભિગમ
UPI MDR: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે હાલમાં સંસદમાં એક બિલ રજૂ કર્યું. ત્યારબાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે સરકાર UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અથવા ચાર્જ લાગુ કરવાની મંજૂરી આપી શકે છે. આ ચાર્જ 2000 રૂપિયાથી વધુના બિઝનેસ પેમેન્ટ પર 0.25%થી 0.4% સુધી હોઈ શકે છે. આ અંગે RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ભલે મર્ચન્ટ ફી સીધી રીતે લેવામાં ન આવે, પરંતુ કન્ઝ્યુમર પહેલાથી જ વ્યાપક ઇકોનોમી મારફતે UPI ટ્રાન્ઝેક્શનના ખર્ચનો ભાર ઉઠાવી રહ્યા છે.
મલ્હોત્રાએ બુધવારે UPI પર મર્ચન્ટ ફી લાગુ કરવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે આ અંગે હમણાં કોઈ અભિપ્રાય બનાવવો ઉતાવળભર્યો રહેશે અને હાલમાં RBIનું ધ્યાન પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં છે. તેમણે કહ્યું, “હાલમાં આ અંગે વાત કરવી ખૂબ જ ઉતાવળભરી રહેશે. ખર્ચ તો કોઈને કોઈએ ઉઠાવવો જ પડશે. આ એક જાહેર સેવા છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બને અને વધુ કાર્યક્ષમ બને. હાલમાં અમારું ધ્યાન એ જ બાબત પર છે. આગળ શું થાય છે તે જોઈએ.”
સરકારની યોજના
RBIના અધિકારીઓ અનેક વખત મોટા ટ્રાન્ઝેક્શન પર ફી લાગુ કરવાની તરફેણ કરી ચૂક્યા છે. સંસદમાં હાલમાં રજૂ કરાયેલા વિધેયકમાં સરકારે તે કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે UPI ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની મર્ચન્ટ ફી લગાવવા પર પ્રતિબંધ મૂકતો હતો. માનવામાં આવી રહ્યું છે કે સરકાર 2,000 રૂપિયાથી વધુ મૂલ્યના UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ફી લગાવવાની મંજૂરી આપવાની યોજના બનાવી રહી છે.
મર્ચન્ટ ફી ન હોવાના કારણે બેંકોએ પેમેન્ટ સર્વિસનું ક્ષેત્ર ફિનટેક કંપનીઓ માટે છોડી દીધું છે. મલ્હોત્રાએ જણાવ્યું કે કેન્દ્રીય બેંકનો હેતુ UPIના ઉપયોગને મોટા પાયે વધારવાનો છે અને ફી અંગેનો કોઈપણ નિર્ણય લેતી વખતે તેના ઉપયોગ પર થનારી અસરનો વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું, “અમારો હેતુ દરરોજ લગભગ 80 કરોડ ટ્રાન્ઝેક્શનનો છે. તેથી ફી લાગુ કરતાં પહેલાં હાલ રાહ જોવી જોઈએ, ઉતાવળ કરવી યોગ્ય નહીં હોય.”
UPIમાં રોકાણ
RBIના ગવર્નરે કહ્યું, “ધ્યાન રાખો કે અંતે કન્ઝ્યુમર જ કોઈને કોઈ રીતે પહેલાથી જ તેનો ખર્ચ ચૂકવી રહ્યો છે. શક્ય છે કે તે એ જ કન્ઝ્યુમર ન હોય, શક્ય છે કે તે સમગ્ર અર્થવ્યવસ્થા હોય, અને તમને તે સીધું દેખાતું ન હોય, પરંતુ તે કોઈને કોઈ સ્વરૂપે પહેલાથી જ થઈ રહ્યું છે.” તેમણે જણાવ્યું કે અમારી પ્રાથમિકતા UPIમાં સતત રોકાણ સુનિશ્ચિત કરવી અને તેના વિકાસને ટેકો આપવા માટે આવકના સ્ત્રોત ઉપલબ્ધ કરાવવાની છે.

