H-1B Grace Period: ટ્રમ્પ સરકાર 60 દિવસનો ગ્રેસ પિરિયડ નાબૂદ કરવાની તૈયારીમાં, ભારતીય કર્મચારીઓની મુશ્કેલી વધી શકે

Arati Parmar
5 Min Read
H-1B Grace Period

H-1B Grace Period: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર H-1B વિઝા ધરાવતા કર્મચારીઓ માટે 60 દિવસનો ગ્રેસ પિરિયડ નાબૂદ કરવાની તૈયારી કરી રહી છે. તેની સીધી અસર H-1B વિઝા પર કામ કરી રહેલા તમામ ભારતીયો પર પડશે. હાલમાં H-1B કર્મચારીઓને નોકરી છૂટી ગયા પછી અમેરિકામાં 60 દિવસ સુધી રહેવાની મંજૂરી આપતો નિયમ અમલમાં છે, પરંતુ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ આ નિયમ નાબૂદ કરવાનો ઔપચારિક પ્રસ્તાવ મૂક્યો છે. આના કારણે ભારતીયોની ચિંતા વધી છે.

DHSનો પ્રસ્તાવ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેના પર જનતાનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો અને લોકોએ આ પ્રસ્તાવ પર પોતાની ટિપ્પણીઓ પણ રજૂ કરી હતી. હાલમાં જનતાનો અભિપ્રાય આપવાની સમયમર્યાદા 10 નવેમ્બરે પૂરી થઈ ગઈ છે. DHS જ્યાં સુધી કોઈ અંતિમ નિયમ પ્રકાશિત નહીં કરે ત્યાં સુધી કોઈ ફેરફાર થશે નહીં અને તેણે હજુ સુધી આવું કર્યું નથી. હાલમાં H-1B કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આ પ્રસ્તાવ મંજૂર થવાની દિશામાં એક પગલું આગળ વધ્યો છે, જે ચિંતાનો વિષય છે.

- Advertisement -

હાલમાં ગ્રેસ પિરિયડનો નિયમ શું છે?

– હાલના નિયમો (8 CFR 214.1(l)(2)) હેઠળ, જો કોઈ કર્મચારીની નોકરી પૂરી થઈ જાય, તો માત્ર આ કારણસર એવું માનવામાં આવતું નથી કે તેનો ‘સ્ટેટસ’ (કાનૂની દરજ્જો) પણ પૂરો થઈ ગયો છે.

– ઇમિગ્રેશનના નિયમો હેઠળ H-1B વિઝા ધારકને 60 દિવસનો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે. આ છૂટ સતત 60 દિવસ સુધી અથવા અધિકૃત માન્યતાનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધી, બેમાંથી જે સમય પહેલાં આવે ત્યાં સુધી મળે છે.

- Advertisement -

– આ છૂટનો ઉપયોગ દરેક માન્ય સમયગાળા દરમિયાન એક વખત કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીને કામ કરવાની મંજૂરી હોતી નથી અને DHS ઇચ્છે તો આ સમયગાળો ઘટાડી શકે છે અથવા સંપૂર્ણપણે નાબૂદ પણ કરી શકે છે.

– આ નિયમ માત્ર H-1B સુધી મર્યાદિત નથી. નિયમો અને પ્રસ્તાવિત નિયમો અનુસાર, આ જ જોગવાઈ E-1, E-2, E-3, H-1B1, L-1, O-1 અને TN વિઝા ધરાવતા કર્મચારીઓ તેમજ તેમના આશ્રિતો પર પણ લાગુ પડે છે.

- Advertisement -

– ગ્રેસ પિરિયડ દરમિયાન નોકરી ગુમાવનાર વ્યક્તિ નવી નોકરી અથવા નવો સ્પૉન્સર શોધી શકે છે. તે ઇચ્છે તો બીજા સ્ટેટસમાં ટ્રાન્સફર કરાવી શકે છે અથવા દેશ છોડીને જઈ શકે છે.

DHSનો પ્રસ્તાવ શું છે?

’60 દિવસના વિવેકાધીન ગ્રેસ પિરિયડને નાબૂદ કરવો’ શીર્ષક ધરાવતા આ પ્રસ્તાવ હેઠળ ગ્રેસ પિરિયડના નિયમોનો સંબંધિત ફકરો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. ફેડરલ રજિસ્ટરની સૂચના અનુસાર, આ નિયમ લાગુ થયા બાદ નોકરી પૂરી થયાના બીજા જ દિવસે કર્મચારીનો સ્ટેટસ પણ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારી અને તેના પર નિર્ભર લોકોએ તરત જ દેશ છોડવો પડશે, સિવાય કે તેમની પાસે અમેરિકામાં રોકાવા માટેનો અન્ય કોઈ માન્ય આધાર હોય. DHSનું કહેવું છે કે કેટલાક લોકોને ‘નોટિસ ટુ અપિયર’ આપવામાં આવી શકે છે, જે દેશમાંથી હાંકી કાઢવાની પ્રક્રિયાની શરૂઆત છે.

નવી નોકરી મળ્યા બાદ અને તેના માટે જરૂરી મંજૂરીઓ મેળવી લીધા પછી કર્મચારીઓ નવા સ્ટેટસ હેઠળ ફરીથી દેશમાં પ્રવેશવા માટે અરજી કરી શકે છે. સૂચના અનુસાર, DHSની દલીલ છે કે કાયદામાં ક્યાંય પણ આ ગ્રેસ પિરિયડની જોગવાઈ કરવામાં આવી નથી. આ ઉપરાંત, તે આ વિઝા શ્રેણીઓના મૂળ હેતુની પણ વિરુદ્ધ છે. DHSનું એવું પણ કહેવું છે કે તેના અધિકારીઓ માટે ગ્રેસ પિરિયડ ક્યારે લાગુ થશે તે નક્કી કરવું ઘણું જટિલ અને સમય માંગી લેતું કામ છે.

હાલમાં આ પ્રસ્તાવની સ્થિતિ શું છે?

DHSના ગ્રેસ પિરિયડ સંબંધિત પ્રસ્તાવ પર ટિપ્પણી કરવાની સમયમર્યાદા 10 નવેમ્બર 2026ના રોજ પૂરી થઈ ગઈ છે. મંગળવારની રાત સુધીમાં આ પ્રસ્તાવ પર કુલ 31,383 ટિપ્પણીઓ મળી હતી, જ્યારે 2 નવેમ્બરે આ સંખ્યા લગભગ 27,000 હતી. જોકે, આ આંકડાઓથી એ જાણી શકાતું નથી કે કેટલી ટિપ્પણીઓ આ ફેરફારના સમર્થનમાં છે અને કેટલી વિરોધમાં છે. હવે DHSએ આ ટિપ્પણીઓની સમીક્ષા કરવાની રહેશે. ત્યારબાદ જ તે નક્કી કરશે કે આ નિયમને અંતિમ સ્વરૂપ આપવું, તેમાં કોઈ ફેરફાર કરવો કે તેને સંપૂર્ણપણે રદ કરવો. કોઈપણ અંતિમ નિયમ માટે અલગ ‘ફેડરલ રજિસ્ટર નોટિસ’ અને તેના અમલની તારીખ નક્કી કરવી જરૂરી રહેશે.

Share This Article