US Visa Fee Hike: ભારતીયોમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતો અમેરિકાનો H-1B વિઝા હવે મોંઘો થવા જઈ રહ્યો છે. અમેરિકી સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ એચ-૧બી વિઝા સહિત અનેક ઇમિગ્રેશન સુવિધાઓ માટે ફી વધારવાની જાહેરાત કરી છે. આ વધારો આ જ વર્ષે ૧ માર્ચથી લાગુ થશે. ફી વધારાથી વિદેશી ઇમિગ્રન્ટ્સને આપવામાં આવતા રોજગાર-આધારિત અને નોન-ઇમિગ્રન્ટ અરજીઓની એક મોટી શ્રેણી પ્રભાવિત થશે. આમાં અમેરિકામાં મોટી સંખ્યામાં કામ કરતા અથવા અભ્યાસ કરતા ભારતીય નાગરિકો પણ સામેલ છે. ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું છે કે પ્રોસેસિંગ ફી જૂન ૨૦૨૩ થી જૂન ૨૦૨૫ સુધીની મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
જાણો કોની કેટલી ફી વધી?
USCIS દ્વારા જારી કરાયેલા નવા ફી શેડ્યૂલ મુજબ H-1B અથવા R-1 નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે ફોર્મ I-129 અરજીની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી ૧૬૮૫ ડોલરથી વધીને ૧૭૮૦ ડોલર થઈ જશે. આ ઉપરાંત H-1B, L-1, O-1, P-1 અને TN વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી ૨૮૦૫ ડોલરથી વધીને ૨૯૬૫ ડોલર થઈ જશે. I-140 અરજી માટેની ફી ૨૮૦૫ થી વધારીને ૨૯૬૫ કરવામાં આવી છે.
ફોર્મ I-539 અરજીની ફી ૧૯૬૫ થી વધારીને ૨૦૭૫ ડોલર કરી દેવામાં આવી છે. આ શ્રેણીમાં F-1 અને F-2 વિદ્યાર્થીઓ, J-1 અને J-2 એક્સચેન્જ વિઝિટર અને M-1 તેમજ M-2 વોકેશનલ વિદ્યાર્થીઓ સામેલ છે. ઝડપી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ઈચ્છતા અરજદારો માટે ફી ૧૬૮૫ થી વધારીને ૧૭૮૦ કરી દેવામાં આવી છે.
USCIS એ ભારપૂર્વક જણાવ્યું હતું કે વધેલી કમાણીનો ઉપયોગ એજન્સીના ઓપરેશનને સપોર્ટ કરવા માટે કરવામાં આવશે. આમાં પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાઓ આપવા, પ્રોસેસિંગ બેકલોગ ક્લિયર કરવા અને USCIS ની ન્યાય અને નેચરલાઈઝેશન સેવાઓને ફંડ આપવા માટે ઉપયોગ કરવામાં આવશે.
ભારતીયો પર શું અસર થશે?
ભારતીય નાગરિકો અમેરિકાના H-1B પ્રોગ્રામના સૌથી મોટા લાભાર્થીઓ છે. રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ બેકલોગમાં તેમનો મોટો હિસ્સો છે. એવામાં ફી વધારાથી અનેક ભારતીય પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને એમ્પ્લોયર્સ પર અસર પડવાની શક્યતા છે. જોકે, પ્રીમિયમ પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે વૈકલ્પિક છે. તેનો ઉપયોગ મુખ્યત્વે એવા અરજદારો કરે છે જેઓ નોકરી બદલવા, વિઝા એક્સટેન્શન કે ટ્રાવેલ પ્લાન જેવા કિસ્સાઓમાં ઝડપી નિર્ણય ઈચ્છતા હોય છે.

