H-1B Visa Knowledge Transfer Policy: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાની ઘણી બધી પોલિસીઓ બદલાઈ છે અને ટ્રમ્પ પોતાના વિવાદાસ્પદ નિર્ણયોને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે, ત્યારે હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વધુ એક નિર્ણય લીધો છે, જેની સીધી અસર H-1B વિઝા પર અમેરિકા જતા લોકો પર થશે. આ અંગે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી H-1B વિઝા પોલીસીનો હેતુ અસ્થાયી રીતે સ્કિલ્ડ ફોરેન વર્કર્સને અમેરિકા લાવવાનો છે, જેથી અમેરિકન્સને હાઈ-સ્કિલ્ડ જોબ્સ માટે ટ્રેન કરી શકાય, ન કે તેમને લાંબા સમય સુધી વિદેશી શ્રમ પર નિર્ભર રહેવા માટે મજબૂર કરી શકાય. ટ્રમ્પે થોડા સમય પહેલાં કહ્યું હતું કે અમેરિકાને કેટલાક સેક્ટર્સમાં વિદેશી ટેલેન્ટને લાવવાની જરૂરિયાત છે.
બેસન્ટે H-1B વિઝાને લઈને ટ્રમ્પના નવા દ્રષ્ટિકોણને “નોલેજ ટ્રાન્સફર”નો એક પ્રયત્ન જણાવ્યો હતો. જેનો હેતુ અમેરિકાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફરી કાર્યરત કરવું છે. તેમણે કહ્યું કે, આ નવા દ્રષ્ટિકોણનો ઉદ્દેશ્ય દાયકાઓથી આઉટસોર્સીંગ બાદ અમેરિકી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફરીથી ઊભું કરવાનો છે.
તેમણે કહ્યું, “20-30 વર્ષોથી અમે ચોક્કસ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીઓને વિદેશમાં નથી મોકલી… અમે એવું નથી કહી શકતા કે રાતોરાત જહાજ આવી જશે. અમે સેમિકન્ડક્ટર ઉદ્યોગને અમેરિકા પરત લાવવા માંગીએ છીએ. એરિઝોનામાં મોટી ફેસિલિટીઝ હશે.”
“તો, મને લાગે છે કે રાષ્ટ્રપતિનું વિઝન એવા વિદેશી કર્મચારીઓને લાવવાનું છે, જેમની પાસે ત્રણ, પાંચ કે સાત વર્ષ સુધી કામ કરવાની સ્કિલ્સ હોય અને તેઓ અમેરિકન કર્મચારીઓને ટ્રેન કરી શકે. ત્યારબાદ તેઓ ઘરે જઈ શકે છે અને અમેરિકી કર્મચારીઓ કાર્યભાર સંભાળશે.”
વિદેશી કર્મચારીઓ દ્વારા અમેરિકન્સને વિસ્થાપિત કરવાની ચિંતાઓ પર વાત કરતાં બેસન્ટે કહ્યું, “એક અમેરિકીને આ નોકરી નથી મળી શકતી, હાલ નહીં.”
તેમણે કહ્યું. “આપણે વર્ષોથી અહીં જહાજ કે સેમિકન્ડક્ટર નથી બનાવ્યા. વિદેશી પાર્ટનર્સ આવી રહ્યા છે, અમેરિકી કર્મચારીઓને ટ્રેન કરી રહ્યા છે – આ તો એક મોટી ઉપલબ્ધિ છે.”
બેસન્ટે જણાવ્યું કે, H-1B વિઝા પ્રોગ્રામ પ્રત્યે ટીમ ટ્રમ્પનો નવો દ્રષ્ટિકોણ રિપબ્લિકન રાષ્ટ્રપતિના મહત્વના ઉદ્યોગોને સ્વદેશ પરત લાવવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવાના મોટા પ્રયત્નો દર્શાવે છે.
ટેરિફમાં છૂટ અંગે શું કહ્યું? :- તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આર્થિક એજન્ડા અંગે પણ વાત કરી હતી અને 100,000 અમેરિકન ડોલરથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે સંભવિત 2000 અમેરિકન ડોલરની ટેરિફ છૂટ પર ચર્ચાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ 2,000 અમેરિકી ડોલરની છૂટની વાત કરી રહ્યા છે… આ એ સુનિશ્ચિત કરવાનો એક ભાગ છે કે પરિવારોને મજબૂત ટ્રેડ પોલીસીનો લાભ મળે.”
બેસન્ટે કહ્યું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો દ્રષ્ટિકોણ સમાનાંતર સમૃદ્ધિનો છે, જ્યાં વોલ સ્ટ્રીટ અને મેન સ્ટ્રીટ એકસાથે વધે છે. જે ટ્રેઝરી માર્કેટને ઊંડું, તરલ અને સ્થિર બનાવવા પર નિર્ભર કરે છે.

