Manipur Meghalaya and Tripura: ભારતને આઝાદી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ મળી હતી પરંતુ ૨૧ જાન્યુઆરીનો દિવસ પણ ભારતીય ઈતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ એ જ દિવસ છે જ્યારે દેશની આઝાદીના લગભગ ૨૫ વર્ષ બાદ ભારતને ૩ નવા રાજ્યો મળ્યા હતા. આ ત્રણેય રાજ્યોના નામ છે મેઘાલય, મણિપુર અને ત્રિપુરા. હવે દર વર્ષે મણિપુર, ત્રિપુરા અને મેઘાલયનો રાજ્ય સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે, જેની સાથે જોડાયેલી માહિતી UPSC સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ માટે મહત્વપૂર્ણ છે. તેથી આ લેખમાં ત્રણેય રાજ્યના સ્થાપના દિવસ પાછળનું ઐતિહાસિક મહત્વ વિગતવાર જાણીએ.
આઝાદી પછી કેવી રીતે બન્યા હતા ત્રણેય રાજ્યો?
PIB અને ladakh.gov.in અનુસાર, આઝાદીના લગભગ ૨૫ વર્ષ બાદ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ ‘નોર્થ ઇસ્ટર્ન રીજન રી-ઓર્ગેનાઈઝેશન એક્ટ-૧૯૭૧’ હેઠળ ત્રિપુરા, મેઘાલય અને મણિપુરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. આ પહેલા મેઘાલય આસામનો ભાગ હતું જ્યારે ત્રિપુરા અને મણિપુર કેન્દ્રશાસિત પ્રદેશો હતા.
કેવી રીતે રાજ્ય બન્યું હતું મણિપુર?
૧૯૪૭ પહેલા મણિપુર એક સ્વતંત્ર રજવાડું હતું. મહારાજા બોધચંદ્ર સિંહે ભારત સરકાર સાથે ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન’ પર હસ્તાક્ષર કર્યા ત્યારે અહીં ૧૯૪૮માં પ્રથમ ચૂંટણી યોજાઈ અને તે એક બંધારણીય રાજાશાહી બન્યું. ૧૯૪૯માં મહારાજાએ મણિપુરની ચૂંટાયેલી વિધાનસભાની સલાહ લીધા વિના વિલીનીકરણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ મણિપુરની રાજ્ય વિધાનસભાને ભંગ કરવામાં આવી અને તે એક ‘પાર્ટ C’ સ્ટેટ બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ મણિપુર યુનિયન ટેરિટોરિયલ કાઉન્સિલ એક્ટ-૧૯૫૬ હેઠળ એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. બાદમાં ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ નોર્થ-ઈસ્ટર્ન એરિયાઝ (રી-ઓર્ગેનાઈઝેશન) એક્ટ, ૧૯૭૧ (NEA-(R) એક્ટ) દ્વારા મણિપુરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો.
મેઘાલય રાજ્ય બનવાની યાત્રા
મેઘાલયની રાજ્ય બનવાની યાત્રા આસામથી વધુ સ્વાયત્તતાની માંગણીઓ (Demands for autonomy) સાથે શરૂ થઈ હતી. ૧૯૬૯માં આસામ પુનર્ગઠન (મેઘાલય) અધિનિયમે મેઘાલયને આસામમાં એક સ્વાયત્ત રાજ્ય (Autonomous state) તરીકે સ્થાપિત કર્યું. ત્યારબાદ NEA (R) એક્ટ-૧૯૭૧ એ મેઘાલયને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો હતો. મેઘાલયમાં હવામાન ઊંચાઈ અનુસાર બદલાય છે. મેઘાલયની રાજધાનીનું નામ શિલોંગ છે.
પહેલા વિલીનીકરણ, પછી ત્રિપુરાને પૂર્ણ રાજ્યનો દરજ્જો
ત્રિપુરા એક રજવાડું હતું અને ૧૯૪૯માં ભારતમાં વિલીન થઈ ગયું. આમાં રાણી કંચન પ્રભાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં વિલીનીકરણ પછી ત્રિપુરા એક ‘પાર્ટ C’ સ્ટેટ બની ગયું હતું. ૧૯૫૬માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું અને ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ ત્રિપુરાને NEA-(R) એક્ટ, ૧૯૭૧ હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો. ત્રિપુરાની રાજધાનીનું નામ અગરતલા છે. તે ગુવાહાટી પછી પૂર્વોત્તર ભારતનું બીજું સૌથી મોટું શહેર કહેવાય છે.

