નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગ્રેટર નોઇડાનાં એક્સ્પો સેન્ટરમાં સેમીકોન ઈન્ડિયા-2024નો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, 2030 સુધીમાં એટલે કે, છ વર્ષમાં દેશના યુવાનો માટે 60 લાખ રોજગાર પેદા થશે. દેશનાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે, તેવું મોદીએ કહ્યું હતું.

ત્રણ દિવસીય સેમીકોન ઈન્ડિયામાં 29 દેશમાંથી પ્રતિનિધિઓ સામેલ થયા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, લોકતાંત્રિક મૂલ્યો જોડાઇ જાય, તો ટેક્નોલોજીની હકારાત્મક ઊર્જા વધે છે. આવાં મૂલ્યો ન હોય તો ટેક્નોલોજી ઘાતક બની જાય છે. અમારી દૃષ્ટિ સ્પષ્ટ છે. અમે એવી દુનિયા બનાવવા માગીએ છીએ, જે સંકટના સમયે અટકી ન જાય, થોભી ન જાય, પરંતુ નિરંતર ચાલતી રહે, તેવું મોદીએ ઉમેર્યું હતું. દુનિયાના 29 દેશમાંથી આવેલા પ્રતિનિધિઓને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે, આપ સૌ ભારતના પ્રયાસોને મજબૂત કરશો, તેવો વિશ્વાસ છે. અમારું લક્ષ્ય છે કે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રનાં નિર્માણ, ઉત્પાદનનાં 100 ટકા કામો ભારતમાં જ થાય, તેવું તેમણે જણાવ્યું હતું.

