Saudi Arabia Labor Law 2026: સાઉદી અરેબિયાની સરકારે પોતાના દેશમાં લેબર નિયમોમાં ફેરફાર કર્યો છે અને કડક દંડ ફટકારવાની જોગવાઈ લાગુ કરી દીધી છે. આનો સીધો ફાયદો તે વિદેશી વર્કર્સને મળશે, જેઓ અહીં જોબ કરવા જવા પર સાઉદી કંપનીઓના શોષણનો શિકાર બની જતા હતા. કંપનીઓ હવે પોતાની મરજીથી વર્કર્સનો પાસપોર્ટ કે રેસીડેન્સી પરમિટ જપ્ત કરી શકશે નહીં. જો કોઈ કંપની આવું કરતી જોવા મળશે તો સરકાર તેના પર ભારે દંડ લગાવશે.
ખરેખર, સાઉદી અરેબિયામાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં વર્કર્સના પાસપોર્ટ છીનવી લેવામાં આવતા હતા અને પછી તેમની પાસે બળજબરીથી વેઠ મજૂરી કરાવવામાં આવતી હતી. આ પ્રકારની ઘટનાઓનો શિકાર મોટાભાગે લો-સ્કિલ વર્કર્સ બને છે, જેઓ ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કડિયાકામ કરનાર, કન્સ્ટ્રક્શન વર્કર જેવા કામ કરવા સાઉદી અરેબિયા જાય છે. જોકે, હવે સાઉદી સરકાર પોતાની છબી સુધારવા માંગે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ નવા લેબર નિયમો લાવવામાં આવ્યા છે, જેથી કંપનીઓને નિયંત્રિત કરી શોષણ ખતમ કરી શકાય.
નવા નિયમોમાં શું કહેવામાં આવ્યું છે?
અહેવાલ મુજબ, માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે જાહેરાત કરી છે કે જો કોઈ કંપની માન્ય પરમિટ વગર કોઈ વિદેશી વર્કરને નોકરી પર રાખશે, તો તેના પર 10 હજાર સાઉદી રિયાલનો દંડ લાગશે. શ્રમ કાયદાની કલમ 167નું ઉલ્લંઘન કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામે રાખવું હવે ગંભીર ગુનો ગણાશે. આવા કિસ્સામાં 50 કે તેથી વધુ વર્કર્સ ધરાવતી કંપની પર 2 હજાર સાઉદી રિયાલ સુધીનો દંડ થઈ શકે છે.
કોઈપણ કંપનીને વર્કરનો પાસપોર્ટ કે રેસીડેન્સી પરમિટ પોતાની પાસે રાખવાની પરવાનગી હશે નહીં. જો કોઈ કંપની આવું કરશે, તો તેના પર પ્રતિ વર્કર દીઠ 3 હજાર સાઉદી રિયાલનો દંડ લાદવામાં આવશે. તેવી જ રીતે શ્રમ કાયદાના પ્રકરણ 10 હેઠળ સગીરોના રોજગાર સંબંધી નિયમોનું પાલન ન કરનારી કંપનીઓ પર દરેક ઉલ્લંઘન માટે 1,500 સાઉદી રિયાલનો દંડ થઈ શકે છે. મેટરનિટી લીવ ન આપનારી કંપનીઓ પર પ્રતિ કર્મચારી 1 હજાર રિયાલનો દંડ લાગશે.
જો કોઈ કંપનીમાં 50 કે તેથી વધુ મહિલાઓ કામ કરી રહી છે અને ત્યાં 6 વર્ષથી ઓછી ઉંમરના 10 બાળકો છે, તો ચાઇલ્ડકેર ફેસિલિટી અથવા નર્સરી હોવી જરૂરી રહેશે. નિયમ ન માનવા પર 3 હજાર રિયાલનો દંડ લાદવામાં આવશે. જો કંપની જોબ સંબંધિત દસ્તાવેજો ઈલેક્ટ્રોનિકલી અપલોડ નહીં કરે, તો તેણે પ્રતિ વર્કર 1 હજાર રિયાલ દંડ ભરવો પડી શકે છે. પરવાનગી વગર વિદેશી વર્કર્સને જોબ આપનારા લોકો પર 2 લાખ રિયાલ સુધીનો દંડ લાગશે.

