Study in South Korea: આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનિકલ લાયકાત અને વૈશ્વિક કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. દક્ષિણ કોરિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક નવો વિકલ્પ સામે આવ્યો છે. દક્ષિણ કોરિયાની સરકારે K-CORE (K-College to Regional Employment) નામની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ભાષાની તાલીમ સાથે બે વર્ષના ટેકનિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત, તેમને દક્ષિણ કોરિયાના ઔદ્યોગિક ક્ષેત્રમાં સીધી નોકરી મેળવવાનો માર્ગ પણ મળશે.
દક્ષિણ કોરિયાનો ઉત્પાદન ઉદ્યોગ લાયકાત ધરાવતા વ્યાવસાયિકોની અછતનો સામનો કરી રહ્યો છે. આ અછત દૂર કરવા માટે જ દેશના ન્યાય મંત્રાલય દ્વારા K-CORE માળખું શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દક્ષિણ કોરિયાની 16 જુનિયર કૉલેજોમાં અભ્યાસ કરાવવામાં આવશે. અહીં ભણાવવામાં આવતા અભ્યાસક્રમો ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરી શકે તેવા હશે. પરંપરાગત ચાર વર્ષના યુનિવર્સિટી અભ્યાસક્રમથી અલગ, બે વર્ષનો આ ટેકનિકલ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન અને નોકરી માટે જરૂરી કૌશલ્ય મેળવવામાં મદદ કરશે.
આ યોજના દ્વારા સરકારે દર વર્ષે 800 વિદેશી વ્યાવસાયિકોને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેનાથી પ્રાદેશિક ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન મળવાની સાથે વિદેશી વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના સ્પષ્ટ માર્ગો પણ ખુલશે. ભારતીયોને પણ આ યોજનામાં ભાગ લેવાની તક મળી રહી છે.
ભારતની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના અધિકારીઓ
તાજેતરમાં દક્ષિણ કોરિયાની પાંચ સંસ્થાઓનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું, જ્યાં તેણે સ્થાનિક શિક્ષણ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કોરિયન એજ્યુકેશન સેન્ટર (KEC) ભારતના નિયામક હોજોંગ કોએ કોરિયન કૉલેજોના પ્રતિનિધિઓ અને નવી દિલ્હીના શિક્ષણ નિયામક કચેરીના અધિક નિયામક કે. એસ. ઉપાધ્યાય વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરાવ્યું હતું.
ચર્ચાનો મુખ્ય વિષય માધ્યમિક શાળાના સ્તરથી જ સતત શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવાનો હતો. તેમાં શાળાના સ્તરે કોરિયન ભાષા શીખવાની પ્રક્રિયાને ટેકનિકલ ઉચ્ચ શિક્ષણ અને ત્યારબાદ કોરિયામાં કારકિર્દીની તકો સાથે જોડવાનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે KEC ભારત કાર્યાલય અને કોરિયન કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા (KCCI)ની પણ મુલાકાત લીધી હતી.
K-CORE કાર્યક્રમ સાથે જોડાયેલી મહત્ત્વની બાબતો
હોજોંગ કોના જણાવ્યા અનુસાર, કોરિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે વિદેશી વિદ્યાર્થીઓ સામે કેટલાક નાણાકીય દસ્તાવેજો મોટી સમસ્યા બને છે. K-CORE હેઠળ આ દસ્તાવેજોમાંથી છૂટ મળી શકે છે.
જે વિદ્યાર્થીઓ પાસે TOPIK (Test of Proficiency in Korean)માં લેવલ 3ની નિપુણતા છે, તેમને D-2 સ્ટુડન્ટ વિઝા માટે જરૂરી નાણાકીય દસ્તાવેજો જમા કરાવવાથી છૂટ મળી શકે છે.
સરકાર ટ્યુશન ફી અથવા રહેવાના ખર્ચમાંથી છૂટ આપી રહી નથી. તેથી નાણાકીય દસ્તાવેજો અંગે ગેરસમજ ન રાખવી. વિદ્યાર્થીઓ પાસે ટ્યુશન ફી અને રહેવા-જમવા માટે પૂરતા પૈસા હોવા જરૂરી છે.
દક્ષિણ કોરિયામાં અભ્યાસ કરવાનો એક મોટો ફાયદો એ છે કે અહીં દર અઠવાડિયે 35 કલાક સુધી પાર્ટ-ટાઇમ કામ કરવાની મંજૂરી પણ મળી શકે છે.
અભ્યાસ પૂર્ણ થયા પછી જે વિદ્યાર્થીઓને ટેકનિકલ લાયકાતને અનુરૂપ નોકરી મળે અને જેમનો વાર્ષિક શરૂઆતનો પગાર ઓછામાં ઓછો 26 મિલિયન કોરિયન વોન હોય, તેમને E-7-M રોજગાર વિઝા મળશે.
વિઝા મેળવવા માટે વિદ્યાર્થીઓએ કેટલીક શરતો પૂરી કરવી પડશે. તેમાં TOPIK લેવલ 5 અથવા ‘કોરિયા ઇમિગ્રેશન એન્ડ ઇન્ટિગ્રેશન પ્રોગ્રામ’નું લેવલ 4 મેળવવાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જી સહિતનાં વિવિધ ટેકનિકલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. યંગજિન યુનિવર્સિટી, સોજોંગ યુનિવર્સિટી, ડોંગ-ઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને મોકપો સાયન્સ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ આ કાર્યક્રમનો ભાગ છે.

