US J-1 Visa Rules: અમેરિકાના J-1 વિઝા નિયમોમાં મોટા ફેરફારનો પ્રસ્તાવ, ભારતીય ડૉક્ટરો, સંશોધકો અને વૈજ્ઞાનિકો પર પડશે અસર

Arati Parmar
5 Min Read

US J-1 Visa Rules: J-1 વિઝા પર કડકાઈ વધારવાની તૈયારી, નવા અમેરિકન પ્રસ્તાવથી ભારતીય પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધી શકે

US J-1 Visa Rules: શું તમે ભારતીય ડૉક્ટર, રિસર્ચર્સ, વૈજ્ઞાનિક અથવા યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર છો? જો તમારો જવાબ હા છે, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે J-1 એક્સચેન્જ વિઝિટર વિઝાને નિયંત્રિત કરતા નિયમોમાં મોટા ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના હેઠળ કડક કમ્પ્લાયન્સ રૂલ એટલે કે અનુપાલન નિયમો, J-1 વિઝા ધારકોને દૂર કરવાનો વધુ અધિકાર અને સ્પોન્સરિંગ સંસ્થાઓ માટે નવી જવાબદારીઓ રજૂ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે J-1 વિઝા ધારકો માટે લાંબા સમયથી અમલમાં રહેલી ‘ડ્યુરેશન ઑફ સ્ટેટસ’ સિસ્ટમને સમાપ્ત કરતા ફેરફારોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. નવા ફ્રેમવર્ક હેઠળ હવે J-1 વિઝા પર આવનાર લોકોને માત્ર 4 વર્ષ માટે જ પ્રવેશ મળશે. તેનાથી વધુ સમય રહેવા માટે વિઝા એક્સટેન્શન લેવું ફરજિયાત રહેશે.

- Advertisement -

પ્રસ્તાવમાં શું ફેરફાર કરવાની વાત કરવામાં આવી છે?

અમેરિકન ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરાયેલા આ પ્રસ્તાવનો હેતુ એ છે કે J-1 વિઝા ધારકો કાનૂની સ્થિતિ કેવી રીતે જાળવી રાખે છે તેના પર વધુ કડકાઈ લાવવામાં આવે. આ સાથે જ એવા આધારનો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે, જેના આધારે એક્સચેન્જ વિઝિટરના પ્રોગ્રામને ટર્મિનેટ કરી શકાય. કાનૂની સ્થિતિ સમાપ્ત થયા પછી તેની પુનઃસ્થાપના માટે ઔપચારિક નિયમો રજૂ કરવાનું અને પ્રોગ્રામ સ્પોન્સરશિપ માટે અનુપાલન સંબંધિત જવાબદારીઓ વધારવાનું પણ આ પ્રસ્તાવનો હેતુ છે.

- Advertisement -

આ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં 60 દિવસ સુધી જાહેર ટિપ્પણીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો આ 60 દિવસ દરમિયાન અમેરિકાની જનતા આ પ્રસ્તાવ પર પોતાની ટિપ્પણીઓ આપી શકશે. ત્યારબાદ સરકાર આ પ્રસ્તાવને નિયમનું સ્વરૂપ આપીને અમલમાં મૂકી શકે છે. હાલ આ પ્રસ્તાવ સામે આવ્યા બાદ ભારતીયોની મુશ્કેલીઓ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. J-1 વિઝાનો ઉપયોગ કરતા ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે.

J-1 વિઝા શું છે?

- Advertisement -
  • J-1 વિઝાને એક્સચેન્જ વિઝિટર વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ વિઝા મુખ્યત્વે એકેડમિક, કલ્ચરલ અને પ્રોફેશનલ એક્સચેન્જ માટે આપવામાં આવે છે.
  • આ વિઝાનો મુખ્ય હેતુ અમેરિકા અને અન્ય દેશો વચ્ચે જ્ઞાન, કૌશલ્ય અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરાવવાનો છે.
  • J-1 વિઝા ભારતીય પોસ્ટડૉક્ટોરલ રિસર્ચર્સ, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટી પ્રોફેસર્સ, મેડિકલ ક્ષેત્રમાં રેસિડન્સી અથવા ફેલોશિપ કરી રહેલા ડૉક્ટરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન અને ટ્રેનિંગ મેળવી રહેલા લોકોને આપવામાં આવે છે.
  • J-1 વિઝા દ્વારા આ તમામ લોકોને અમેરિકાની યુનિવર્સિટીઓ, રિસર્ચ સંસ્થાઓ અથવા હોસ્પિટલોમાં કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક મળે છે.
  • J-1B વિઝા મેળવનારાઓ માટે પ્રોગ્રામ સ્પોન્સર હોવું ફરજિયાત છે, જે ખાતરી કરે છે કે વિઝિટર પોતાના નિર્ધારિત હેતુને પૂર્ણ કરે.

ભારતીયો પર નવા પ્રસ્તાવની શું અસર થશે?

હાલમાં નવા પ્રસ્તાવ હેઠળ જે નિયમો લાવવાની વાત કરવામાં આવી રહી છે, તે હજુ અમલમાં આવ્યા નથી. પરંતુ જો તે અમલમાં આવશે, તો તેની ભારતીયો પર નોંધપાત્ર અસર જોવા મળી શકે છે. J-1 વિઝાનો ઉપયોગ મોટા પાયે ભારતીય પોસ્ટડૉક્ટોરલ રિસર્ચર્સ, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટી ફેકલ્ટી, રેસિડન્સી અથવા ફેલોશિપ ટ્રેનિંગ લઈ રહેલા ડૉક્ટરો, શિક્ષકો, ઇન્ટર્ન અને ટ્રેનીઓ કરે છે, જે અમેરિકાની યુનિવર્સિટીઓ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ટીચિંગ હોસ્પિટલ સાથે જોડાયેલા હોય છે. નાણાકીય વર્ષ 2024 દરમિયાન ભારતીય નાગરિકોને 12,000થી વધુ J-1 વિઝા જારી કરવામાં આવ્યા હતા.

તેનો અર્થ એ થાય છે કે જો આ નિયમ અમલમાં આવશે, તો ભારતીયો માટે મુશ્કેલીઓ વધી શકે છે. સૌથી પહેલા તેમને 4 વર્ષ બાદ વિઝા એક્સટેન્શન લેવું પડશે. USCIS એક્સટેન્શન આપવાનો ઇનકાર પણ કરી શકે છે, જેના કારણે તેમનું કારકિર્દી અને અભ્યાસ બંને જોખમમાં આવી શકે છે. તે જ રીતે તેઓ જે પ્રોગ્રામ હેઠળ અભ્યાસ અથવા સંશોધન કરી રહ્યા છે, તેને ટર્મિનેટ કરવાનો અધિકાર વધવાથી પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જો અમેરિકન સરકારને લાગશે કે પ્રોગ્રામને તાત્કાલિક ટર્મિનેટ કરવો જોઈએ, તો તે આવું કરી શકશે અને તેના કારણે ભારતીય રિસર્ચર્સ સતત અનિશ્ચિતતા અને ભયના માહોલમાં રહેશે.

આ પ્રસ્તાવમાં એવા આધારનો પણ વ્યાપ વધારવામાં આવી રહ્યો છે, જેના આધારે વિદેશ મંત્રાલય એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામમાં ભાગીદારી સમાપ્ત કરી શકે. પ્રોગ્રામના નિયમોના ઉલ્લંઘન ઉપરાંત, ડ્રાફ્ટમાં ગુનાહિત વર્તન, છેતરપિંડી અથવા ખોટી માહિતી આપવી, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને પાત્રતાને અસર કરતી અન્ય પરિસ્થિતિઓને પણ પ્રોગ્રામ સમાપ્ત કરવાના આધાર તરીકે સામેલ કરવામાં આવી છે.

Share This Article