US Tax Rule: અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ ટેક્સ ભરવો પડશે? જાણો શું છે નિયમો

Arati Parmar
3 Min Read

US Tax Rule: અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માત્ર અભ્યાસ, ફી અને પાર્ટ-ટાઇમ નોકરીના નિયમો સમજવા જ જરૂરી નથી. તેમણે અમેરિકાના ટેક્સ નિયમોની સાચી જાણકારી પણ રાખવી પડે છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય. ઘણીવાર વિદ્યાર્થીઓને લાગે છે કે પાર્ટ-ટાઇમ નોકરીમાંથી થતી કમાણી પર કંપની પહેલેથી જ ટેક્સ કાપી રહી છે, તો પછી ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર શા માટે છે. આ એક મહત્ત્વનો પ્રશ્ન છે, જેનો જવાબ જાણવો જરૂરી છે.

જોકે, અમેરિકાની ટેક્સ એજન્સી એટલે કે ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (IRS)ના નિયમો વિદ્યાર્થીની કમાણી અને ટેક્સ રેસિડન્સીની સ્થિતિ પર આધારિત હોય છે. જો કોઈ વિદ્યાર્થી આ બાબત સમજી જાય, તો તેના માટે ટેક્સના નિયમો સમજવા પણ સરળ બની જાય છે. આ વર્ષે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા ઘણા વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઇમ નોકરી પણ કરવાના છે. આ જ રીતે, હાલમાં પણ ઘણા વિદ્યાર્થીઓ OPT પર નોકરી કરતા હશે. આ તમામ માટે ટેક્સના નિયમો સમજવા જરૂરી છે.

- Advertisement -

શું દરેક ભારતીય વિદ્યાર્થીએ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે?

  • આ પ્રશ્નનો સીધો જવાબ છે- ના. દરેક વિદ્યાર્થી માટે નિયમો એકસરખા નથી. ટેક્સ ફાઇલિંગ નીચેની બાબતો પર આધારિત છે.
  • શું તમે ઑન-કૅમ્પસ પાર્ટ-ટાઇમ નોકરી અથવા પેઇડ ઇન્ટર્નશિપ કરી રહ્યા છો?
  • શું તમને સ્કૉલરશિપ, ફેલોશિપ, ટીચિંગ આસિસ્ટન્ટશિપ (TA) અથવા રિસર્ચ આસિસ્ટન્ટશિપ (RA)માંથી પૈસા મળી રહ્યા છે?
  • ટેક્સના નિયમો અનુસાર તમે નૉન-રેસિડન્ટ એલિયન છો કે રેસિડન્ટ એલિયન?
  • જો તમારી કમાણી ટેક્સપાત્ર છે, તો તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે.
  • જો તમે આમાંથી કોઈ એક શ્રેણીમાં આવો છો, તો તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે.

ફોર્મ 8843 શું છે અને તે શા માટે જરૂરી છે?

અમેરિકામાં જો તમે ઉપર જણાવેલી શ્રેણીઓમાંથી કોઈ એકમાં આવો છો, તો તમારે એક ફોર્મ વિશે પણ જાણવું જોઈએ. અહીં અમે જે ફોર્મની વાત કરી રહ્યા છીએ, તે ફોર્મ 8843 છે. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આ સૌથી મહત્ત્વનાં ફોર્મમાંથી એક છે. જો તમે આખા વર્ષ દરમિયાન એક પણ ડૉલરની કમાણી કરી ન હોય, તો પણ F-1 વિઝા પર રહેતા વિદ્યાર્થીઓએ શરૂઆતનાં 5 કૅલેન્ડર વર્ષો દરમિયાન ફોર્મ 8843 જમા કરાવવું જરૂરી બની શકે છે.

આ ફોર્મ IRSને જાણ કરે છે કે તમે વિદેશી વિદ્યાર્થી છો અને અમેરિકામાં વિતાવેલા દિવસોને ‘સબસ્ટેન્શિયલ પ્રેઝન્સ ટેસ્ટ’માંથી બાકાત રાખી રહ્યા છો. ફોર્મ 8843 કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન નથી. જો તમારી કમાણી હોય, તો તમારે ટેક્સ રિટર્નની સાથે અથવા અલગથી આ ફોર્મ જમા કરાવવું પડશે.

- Advertisement -

પાર્ટ-ટાઇમ નોકરી અને OPT કરતા લોકો માટે જરૂરી ફોર્મ

જો તમે યુનિવર્સિટીની લાઇબ્રેરી, કૅફેટેરિયા અથવા OPT (ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ) હેઠળ કામ કરીને પગાર મેળવો છો, તો નૉન-રેસિડન્ટ એલિયન તરીકે તમારે ફોર્મ 1040-NR ભરવું પડે છે. નોકરી આપતી કંપની તમને ફોર્મ W-2 આપે છે, જેમાં તમારી કુલ કમાણી અને કાપવામાં આવેલા ટેક્સની વિગતો હોય છે. F-1 સ્ટેટસ હેઠળ અધિકૃત રીતે કામ કરતા ઘણા વિદ્યાર્થીઓને સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર ટેક્સ (FICA)માંથી મુક્તિ મળે છે. જો તમારા પગારમાંથી ભૂલથી આ ટેક્સ કાપવામાં આવ્યો હોય, તો તમે તમારા એમ્પ્લોયર પાસેથી તે પાછો માગી શકો છો.

- Advertisement -
Share This Article