ગાંધીધામ, તા. 29 : ભચાઉ તાલુકાના લાકડિયા નજીક ભારત હોટેલ સામે મઢી ત્રણ રસ્તા પાસેથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ એક કારના બોનેટમાં એરફિલ્ટર ખાનામાંથી રૂા. 1,47,67,000ના માદક પદાર્થ કોકેઈનના જથ્થા સાથે બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પંજાબથી આવેલા આ શખ્સો અહીં નશીલા પદાર્થની ડિલિવરી કરે તે પહેલાં પોલીસે તેમને દબોચી લીધા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ ગઈકાલે સામખિયાળી અને લાકડિયા વચ્ચે પેટ્રોલિંગ કરી જિલ્લા બહારથી આવતી ખાસ પરપ્રાંતીય ગાડીઓને તપાસી રહી હતી, તેવામાં ભારત હોટેલ સામે મઢી ત્રણ રસ્તા પાસે તપાસ ચાલુ હતી તેવામાં આડેસર બાજુથી આવતી હરિયાણા પાસિંગની કારને પોલીસે અટકાવી હતી.
આ કારમાં સવાર રામપુરા ભટીન્ડા પંજાબના હનીસિંઘ બિન્દરસિંઘ શીખ, સંદીપસિંઘ પપ્પુસિંઘ શીખ, જશપાલકૌર ઉર્ફે સુમન ગુલવંતસિંઘ ઉર્ફે શનિ શીખ તથા અર્શદીપકૌર સંદીપસિંઘ શીખ નામના શખ્સો શંકાસ્પદ જણાયા હતા. આ કારને રોકાવી તેની તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ આ વાહનના બોનેટને ખોલી તેની તપાસ કરાઈ હતી જેમાં એક એરફિલ્ટરનો ઉપરનો ભાગ ખોલી તેના નીચે આવેલ ખાનાને ચેક કરાતાં આ ખાનામાંથી પારદર્શક પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી, જે કાઢી તપાસ કરાતાં તેમાં ક્રીમ રંગના અલગ અલગ આકારના ગાંગડા જેવો પદાર્થ?મળી આવ્યો હતો. કારમાં સવાર ચારેયની પૂછપરછ કરાતાં આ માદક પદાર્થ કોકેઈન હોવાની કેફિયત આપી હતી. દરમ્યાન પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પથક્કરણ કરાતાં આ પદાર્થ કોકેઈન હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે ભટીન્ડાથી આ માદક પદાર્થ ભરી લાવ્યા હતા. ત્યાં જશપાલકૌરના પતિ ગુલવંતસિંઘ ઉર્ફે શનિસિંઘ હજુરાસિંઘ શીખ નામના શખ્સે કારના આગળના ભાગે બોનેટમાં આ પદાર્થ છુપાવ્યો હતો તેમજ મહિલાઓને ઉતારી કારને સામખિયાળીની એક હોટેલે લઈ જવાની હતી.
જ્યાં સ્થાનિક ખરીદનાર શખ્સ આવવાનો હોવાનું આ શખ્સોએ જણાવ્યું હતું તેવું પત્રકાર પરિષદમાં વિગતો આપતાં પોલીસવડા સાગર બાગમારએ જણાવ્યું હતું. પકડાયેલી આ બે મહિલા તથા બે શખ્સો પાસેથી રૂા. 1,47,67,000નો 147.67 ગ્રામ કોકેઈન, છ મોબાઈલ, કાર નંબર એચ.આર. -26-ડી.પી.-9824 સહિત રૂા. 1,53,47,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. મુખ્ય સૂત્રધાર ગુલવંતસિંઘ ઉર્ફે શનિ નામનો શખ્સ છેલ્લા કેટલાક વર્ષોથી લાકડિયા નજીક ભાડેથી હોટેલ, ઢાબો ચલાવે છે. તેણે કારમાં માલ છુપાવી પોતાના સાળાને કાર લઈને પોતાની પત્નીને સામખિયાળી મૂકી આવવા જણાવ્યું હતું. પોલીસ કાર્યવાહી દરમ્યાન પકડાયેલા હનીસિંઘ વિરુદ્ધ લાકડિયા પોલીસીસ મથકે અગાઉ હત્યાની કોશિશ સહિતની કલમો તળ ગુનો નોંધાયો છે. મુખ્ય સૂત્રધાર શનિ નામનો શખ્સ પોતાની હોટેલે આ માદક પદાર્થ?લઈ આવી ગ્રાહકોને વેચવાનો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સોને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. પૂર્વ કચ્છમાં અઠવાડિયામાં કોકેઈનનો બીજો જથ્થો ઝડપાયો છે. વધતા જતાં આવાં દૂષણને ડામવા હજુ વધુ કડક કાર્યવાહીની માંગ હોવાનું સમજાય છે. આ સફળ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પી.આઈ. ડી. ડી. ઝાલા, ફોજદાર વી. પી. આહીર, સ્ટાફના વીરેન્દ્ર પુરોહિત, ભરતસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, સુનીલ માતંગ, ઈન્દ્રાબેન જોશી, શ્રિયાબેન મારૂ વગેરે જોડાયા હતા.

