ગાંધીનગર, શનિવાર
ઇન્ફોસિટી સુપરમોલ ખાતે આવેલી સલૂનના માલિક સાથે 7.86 લાખની છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આલ્ફા બ્યુટી એન્ડ બ્રાન્ડ નામની કંપનીના સુપરસ્ટોકિસ્ટ તરીકે લાખોનો નફો બતાવી લાલચ આપીને સલૂન માલિક ભાવિન નટવરલાલ પરમારને ઠગવામાં આવ્યા હતા. તેમના પરિચિત અપુર્વ પરમાર અને અન્ય બે શખ્સોએ નફાની ગેરંટી આપી, મોટી રકમનું રોકાણ કરાવ્યું અને જ્યારે માલ પરત લઇ ગયા પછી કિંમત પરત કરવામાં આવતી ન હતી. જેથી સલુન માલિકે કંપનીના ડાયરેક્ટર, એરીયા મેનેજર સહિત 3 લોકો સામે 7.86 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ભાવિન પરમાર, જે “ફીલ ધ વેલનેસ” નામની સલૂન ચલાવે છે, તેમને વર્ષ 2023ના ડિસેમ્બરમાં આલ્ફા બ્યુટી એન્ડ બ્રાન્ડ કંપનીના નામે સૂપરસ્ટોકિસ્ટ બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અપુર્વ પરમાર નામના પરિચિત શખ્સે યુરોપિયન કંપનીની પ્રોડક્ટ સાથે સારો નફો મળવાનો દાવો કર્યો હતો. ગોવિંદભાઇ ચૌધરી નામના ડિરેક્ટરના સંપર્કમાં લાવીને એવું વિશ્વાસ અપાવ્યું કે, જો વેપાર કામ ન કરે તો માલ પરત લઈ રકમ પરત કરવામાં આવશે.
પ્રથમ ડિલિવરીમાં જ 14.53 લાખના માલના બીલમાં ખોટી એન્ટ્રી કરી માત્ર 12.50 લાખના માલ મોકલવામાં આવ્યો. બાદમાં વેચાણના નામે 4.31 લાખનો માલ વડોદરા મોકલ્યો હતો, પણ નફો કે રૂપિયાની કોઈ ચુકવણી કરાઇ નહીં. સંચાલકોના આ વર્તનમાં વિશ્વાસઘાતના સંકેત મળતાં, ભાવિન પરમારે ડાયરેક્ટર અને એરીયા મેનેજર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

