Ahmedabad Metro IPL Schedule: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચો દરમિયાન અમદાવાદ મેટ્રો ક્રિકેટ ફેન્સ માટે મોડી રાત સુધી ચાલશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાટા આઈપીએલની તમામ મેચવાળા દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી દોડશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની સાત મેચ રમાશે. જીએમઆરસીએ આઈપીએલ ફેન્સની સુવિધા માટે વિગતો શેર કરી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે સાત મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની કુલ સાત મેચ રમાશે. એવામાં આ તમામ દિવસોમાં અમદાવાદ મેટ્રો રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ અનુક્રમે ૪, ૧૭, ૨૦, ૨૬, ૩૦ એપ્રિલ અને ૦૩ મે તથા ૧૨ મેના રોજ યોજાશે. GMRC એ આ દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓ મધ્યરાત્રિ ૦૦:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મેટ્રો સેવાઓ ચાલવાનો નિર્ધારિત સમય ૦૬:૨૦ વાગ્યાથી ૨૨:૦૦ વાગ્યા સુધીનો છે. ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો સમય ૭:૩૦ વાગ્યાથી રાત્રે ૧૯:૪૦ વાગ્યા સુધીનો છે.
આઈપીએલ મેચવાળા દિવસે મેટ્રોનો સમય
મોટેરા સ્ટેડિયમથી APMC: ૨૨:૦૦ વાગ્યાથી ૦૦:૩૦ વાગ્યા સુધી
ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ: ૨૨:૦૦ વાગ્યાથી ૦૦:૫૦ વાગ્યા સુધી
ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી થલતેજ ગામ: ૨૨:૦૦ વાગ્યાથી ૦૦:૫૦ વાગ્યા સુધી
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર: ૨૩:૪૦ વાગ્યા અને ૦૦:૧૦ વાગ્યા
મેટ્રોએ જાહેર કરી ખાસ IPL ફેન્સ ટિકિટ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદના બંને કોરિડોર (મોટેરા સ્ટેડિયમથી APMC અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ) પર સ્થિત કોઈપણ ચાલુ સ્ટેશન સુધી મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત મુસાફરોને સરળ અને કોઈપણ મુશ્કેલી વગર મુસાફરીની સુવિધા આપવા માટે GMRC એ એક ખાસ કાગળની ટિકિટ જાહેર કરી છે. આ ટિકિટનો ઉપયોગ IPL-T20 ની ડે/નાઈટ ક્રિકેટ મેચોવાળા દિવસોમાં પરત મુસાફરી માટે કરી શકાશે. આ ટિકિટ ૫૦ રૂપિયાની હશે.
આ સ્ટેશનો પર ઉપલબ્ધ છે ટિકિટ
આ ટિકિટનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના કોઈપણ ચાલુ સ્ટેશન સુધી (બંને કોરિડોર પર) અને ગાંધીનગરમાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન સુધી, મેટ્રોના લંબાવેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે કરી શકાશે. મેટ્રોના જણાવ્યા અનુસાર મોટેરાથી પરત ફરતી વખતે લાઈનમાં ઉભા રહેવાનું ટાળવા માટે આ ખાસ કાગળની ટિકિટ મેચવાળા દિવસે અગાઉથી જ આ મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકાય છે. આ ટિકિટ નિરાંત ક્રોસ રોડ, રબારી કોલોની, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી, સેક્ટર-૧ અને મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર ઉપલબ્ધ છે.

