Shankar Chaudhary: વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શિક્ષકની માફક વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં કહ્યું હતું કે ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે. ઘણો સમય થઇ ગયો હવે બધાને શીખવાડવાનું ન હોય. સરખી રીતે બેસવું જોઇએ. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને પણ ટકોર કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્યોની વર્તણૂકથી નારાજ થયા હતા અને ના છૂટકે ટકોર કરવી પડી હતી. આ પહેલાં ગુરૂવારે ગૃહમાં ફોટો પાડવા બાબતે ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ અલ્પેશ ઠાકોરને પણ ટકોર કરી હતી. શંકર ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગૃહની અંદર ફોટા ન પાડવા અને મોબાઇલ ગૃહની બહાર મૂકીને આવવાની સૂચના આપી હતી. તેમણે આગળ કહ્યું હતું કે હવે સૂચના નહીં અપાય, ધારાસભ્યોને સીધા બહાર કાઢી મૂકવામાં આવશે.