Bade Miyan Chhote Miyan Flop Reason: છેલ્લા અમુક વર્ષોથી બોલિવૂડમાં અમુક એવી ફિલ્મો રિલીઝ થઈ છે કે જેનું બજેટ તો કરોડો રૂપિયાનું હોય પણ આ ફિલ્મ થિયેટરોમાં જરા પણ ચાલતી નથી. આવી જ એક ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી. જેને લઈને દર્શકો ઘણા ઉત્સાહિત હતા. ફિલ્મમાં એક નહીં અને 2 સુપરસ્ટાર્સ હતા છતાં પણ આ ફિલ્મ દર્શકોની આશા પર ખરી ન ઊતરી શકી.
અમે વાત કરી રહ્યા છે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની. આ ફિલ્મ રિલીઝ થયા બાદ એવી ફ્લોપ ગઈ કે પ્રોડક્શન હાઉસને ભારે નુકસાન થયું હતું. કર્મચારીઓને વેતન આપવા માટે ઓફિસ વેચવી પડી અને 80 ટકા કર્મચારીઓની નોકરી પણ જતી રહી હતી.
ગત વર્ષે ઈદ પર આ ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે ફિલ્મ દર્શકોને એટલી ખાસ પસંદ ન આવી જેના કારણે મેકર્સને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. પૂજા એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનેલી આ ફિલ્મ પર પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ 400 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે ફિલ્મ માત્ર 100 કરોડનું કલેક્શન કરી શકી હતી.
ફિલ્મ ફ્લોપ થયા બાદ પ્રોડ્યુસર વાશુ ભગનાનીએ લાંબા સમય સુધી મૌન રાખ્યું હતું જોકે બાદમાં તેમણે આ પાછળ ડાયરેક્ટરનું નામ આપ્યું હતું. રોનક કોટેચાના પોડકાસ્ટમાં વાત કરતા વાશુ ભગનાનીએ ફિલ્મ ફ્લોપ થવાને લઈને કહ્યું કે અલી અબ્બાસ ઝફર સાથે ફિલ્મ બનાવવી તેમની સૌથી મોટી ભૂલ હતી.
વાશુ ભગનાનીએ વાતચીતમાં કહ્યું વારંવાર સમજાવ્યા છતાં ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને આ ફિલ્મનું ટાઈટલ સમજમાં ન આવ્યું અને ફિલ્મમાં એક્શન સીન નાખી મજા બગાડી નાખી. તેને જણાવી જણાવીને થાકી ગયા કે આ એક કોમેડી ફિલ્મ છે. એક્શન નખાય પણ કોમેડી એક્શન સાથે ન હોય.
આ ફિલ્મ રિલીઝ થતા પહેલા વાશુ ભગનાનીએ દાવો કર્યો હતો કે ફિલ્મ 1100 કરોડ કમાશે પણ 100 કરોડ સુધી માંડ પહોંચી શકી. ફિલ્મને લઈને વાશુ ભગનાનીના દીકરા જૈકી ભગનાનીએ કહ્યું કે આ મારા અનુભવ માટે મોટી શીખ હતી. અમે ફિલ્મમાં રૂપિયા રોક્યા પણ ખબર પડી કે માત્ર રૂપિયા નાખવાથી રૂપિયા ન કમાઈ શકાય.
જૈકી ભગનાનીએ કહ્યું કે અમે કન્ટેન્ટ બનાવ્યો પણ દર્શકોના દિલો સુધી પહોંચી ન શક્યો. દર્શક હંમેશા સાચા હોય છે. જો તેમને આ પસંદ ન આવ્યું તો અમારે ફરીથી શરૂઆત કરવી પડશે અને સમજવું પડશે કે ક્યાં ચૂંકી ગયા.

