રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસથી તાપમાન 40 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે.
અમદાવાદ, 25 મે. રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ પવનની દિશાને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. છેલ્લા 10 દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા હતા. જોકે હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ મે મહિનાના અંતિમ દિવસોમાં ચક્રવાતની અસરને કારણે વરસાદની આગાહી કરી રહ્યું છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક અને એન્ટિ-સાયક્લોનિક સરક્યુલેશન સહિતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા કારણોને લીધે ગરમીમાં વધારો થયો છે. શુક્રવારે દાહોદ રાજ્યનું સૌથી ગરમ શહેર હતું, જ્યાં તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું. જોકે, વર્ષ 2016 સૌથી ગરમ વર્ષ હતું, જ્યારે તાપમાનનો પારો 48 ડિગ્રીએ પહોંચ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી (25 મે) ગરમીમાં ઘટાડો થશે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી સવારે 8 વાગ્યે તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેતું હતું, પરંતુ શનિવારે તે 31 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે રાત્રે અમદાવાદમાં તાપમાન 27-28 ડિગ્રી હતું. જો કે તેમ છતાં હવામાન વિભાગે અમદાવાદ સહિત અન્ય અનેક જિલ્લાઓમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. રાત્રિ દરમિયાન તાપમાન 30 થી 33 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે.
મળતી માહિતી મુજબ, એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 16 મેથી ગરમીનું મોજું ચાલુ છે. શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી હતું, જે ગુરુવાર કરતાં 1.1 ડિગ્રી ઓછું હતું. 2001થી 2024 સુધીના 24 વર્ષ દરમિયાન મે મહિનામાં માત્ર 6 વર્ષ એવા રહ્યા છે જ્યારે ઉનાળાનું તાપમાન 44 ડિગ્રીથી ઉપર ન ગયું હોય. આ ઉપરાંત 18 વર્ષથી હીટવેવના કારણે ગરમીનો પારો 44થી 48 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

