Bharuch Jama Masjid Controversy: ભરૂચમાં જામા મસ્જિદ મુદ્દે સંત સમિતિનું શક્તિ પ્રદર્શન, ૩૫ હજાર સહીઓ સાથે કલેક્ટરને આવેદન

Arati Parmar
5 Min Read

Bharuch Jama Masjid Controversy: વહેલી સવારે મહારાષ્ટ્રથી ભરૂચ સુધી પહોંચ્યા સંત સમાજ, ચક્રધર સ્વામીના સેંકડો અનુયાયીઓ

By: મુનીર પઠાણ, ભરૂચ.

- Advertisement -

ભરૂચ:

ભરૂચ શહેર આમ તો ઐતિહાસિક શહેર તરીકે ઓળખ ધરાવે છે. નર્મદા નદીના કાંઠે વિસ્તારમાં અસંખ્ય ઐતિહાસિક મંદિર, મસ્જિદ, જૈન તીર્થો આવેલ છે, છતાં છેલ્લા કેટલાય દિવસોથી ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદની મૂળ ઓળખ અને ઇતિહાસને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. સોમવારે સંત સમાજ, ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ હિન્દૂ-જૈન સંગઠનોના આગેવાનોના નેતૃત્વમાં ભરૂચમાં વિશાળ જનરેલી યોજાઈ હતી. રેલીના અંતે જિલ્લા કલેક્ટરને ૩૫ હજારથી વધુ નાગરિકોની સહીઓ ધરાવતું આવેદનપત્ર સુપરત કરી જામા મસ્જિદના ઐતિહાસિક મૂળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

IMG 20260616 WA0010

હોસ્ટેલ ગ્રાઉન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મહારાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાંથી આવેલા ચક્રધર સ્વામીના અનુયાયીઓ, સાધુ-સંતો, હિન્દૂ અને જૈન સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. શક્તિનાથ માર્ગ પરથી પસાર થયેલી રેલી દરમિયાન “ઐતિહાસિક સત્ય બહાર લાવો” અને “ધરોહરની મૂળ ઓળખ જાળવો” જેવા સૂત્રોચ્ચારોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

- Advertisement -

IMG 20260616 WA0008

રેલીના અંતે સ્વામી મુક્તાનંદજી, સુદર્શન નાગરાજ કપાટે સહિતના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જામા મસ્જિદનું મૂળ સ્વરૂપ જૈન મંદિર અને ચક્રધર સ્વામીના જન્મસ્થાન સાથે જોડાયેલું હોવાનું દર્શાવતા કેટલાક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે. આથી સમગ્ર મામલે નિષ્પક્ષ, વૈજ્ઞાનિક અને પુરાતત્વીય અભ્યાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્થળ જૈન પરંપરા અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યું હોવાનું સમિતિનું માનવું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રીય સંરક્ષિત ધરોહર હોવા છતાં ત્યાં પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સમિતિએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવી સ્મારકનું સંરક્ષણ એ.એસ.આઈ.ના નિયમો મુજબ જ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.

IMG 20260616 WA0006

તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોને લઈને પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષોથી બંધ રહેલા જામા મસ્જિદના ભોંયરામાંથી જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ સહિત હિન્દુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. પ્રતિમા પર સંવત ૧૨૧૩નો ઉલ્લેખ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. સંત સમાજ અને કેટલાક સંગઠનોનો દાવો છે કે મસ્જિદના સ્તંભો અને સ્થાપત્યમાં આજે પણ જૈન તથા હિન્દુ પરંપરાની કોતરણીઓ અને શિલ્પાકૃતિઓ જોવા મળે છે, જે સ્થળના પ્રાચીન ઇતિહાસ તરફ સંકેત કરે છે. બીજી તરફ જામા મસ્જિદના ટ્રસ્ટીઓએ આવા તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. હાલ મસ્જિદના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ મસ્જિદ વર્ષ ૧૯૦૭ થી સરકારી ગેઝેટમાં નોંધાયેલી છે અને તેનું સંચાલન વકફ બોર્ડ હેઠળ નોંધાયેલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કેટલાક તત્વો દ્વારા બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું છે.

IMG 20260616 WA0000

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મંજૂરી વગર મસ્જિદમાં કરવામાં આવેલા વધારાના બાંધકામને તાત્કાલિક ધોરણે તોડવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. નિયમો અનુસાર મસ્જિદ પરિસરમાં બનાવવામાં આવેલ વધારાનું વજુખાનાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું અને પાછળના ભાગે આવેલા એક વિવાદિત દરવાજાને પણ સીલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. સમગ્ર મુદ્દાને લઈને સંવેદનશીલ સ્થિતિ વચ્ચે રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામા મસ્જિદની ઐતિહાસિક ઓળખ અંગેના વિરોધાભાસી દાવાઓ વચ્ચે હવે સંત સમાજ, હિન્દૂ-જૈન સંગઠનો અને મસ્જિદ ટ્રસ્ટ વચ્ચેનો વિવાદ વધુ ગહન બનતો જઈ રહ્યો છે. આગામી સમયમાં પ્રશાસન અને સંબંધિત વિભાગો દ્વારા લેવાતા નિર્ણયો ઉપર સૌની નજર મંડાઈ છે.

  • IMG 20260616 WA0009

બોક્સ:

૭૦૦ વર્ષ જૂની મિલકતનો વિવાદ બન્યો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય

જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ માત્ર ભરૂચ પૂરતો મર્યાદિત નહીં, પરંતુ હવે તે કાયદાકીય અને ઐતિહાસિક ચર્ચાનો પણ મહત્વનો વિષય બન્યો છે. નિષ્ણાતોના મતે જો સદીઓ જૂની ધાર્મિક અથવા ઐતિહાસિક મિલકતો અંગે મૂળ માલિકીના આધારે દાવાઓને કાયદાકીય માન્યતા મળે, તો દેશભરમાં આવી અનેક ઐતિહાસિક ઇમારતો અને સ્મારકોને લઈને નવા વિવાદો ઉભા થઈ શકે છે. કેટલાક કાયદાકીય જાણકારોનું માનવું છે કે, આવી સ્થિતિમાં સેંકડો નહીં પરંતુ હજારો વર્ષ જૂની મિલકતોના માલિકીના પ્રશ્નો ફરીથી કોર્ટના દરવાજા ખખડાવી શકે છે, જેના દૂરગામી પરિણામો સામે આવી શકે છે. જોકે, કોઈપણ ઐતિહાસિક દાવાની સત્યતા અને તેના કાયદાકીય અધિકારનો નિર્ણય પુરાતત્વીય પુરાવા, ઐતિહાસિક દસ્તાવેજો અને અદાલતી પ્રક્રિયાના આધારે જ શક્ય બને છે. તેથી ભરૂચની જામા મસ્જિદનો વિવાદ હવે માત્ર સ્થાનિક મુદ્દો નહીં, પરંતુ દેશની ઐતિહાસિક ધરોહર, ધાર્મિક આસ્થા અને કાયદાકીય વ્યવસ્થાને સ્પર્શતો સંવેદનશીલ વિષય બની રહ્યો છે તેવી લોકચર્ચા ઉઠી છે.

Share This Article