Bhuj News : હવેથી જો કોઈ ભુજમાં પાણીનો બગાડ કરશે તો પાણીના કનેક્શન કાપી દેવામાં આવશે તેમજ ખોદકામ દરમિયાન પણ લાઈનને નુકસાન થશે તો જવાબદાર જે તે એજન્સી ભરપાઈ કરશે. શહેરમાં પાણીનો બગાડ અટકાવવાના ભાગરૂપે લોકોને નગરપાલિકા દ્રારા જાગૃત કરવામાં આવ્યા હતા. ભુજ ખાતે પાલિકાની મીટીંગ મળી હતી. જેમાં, પાણીનો બગાડ અટકાવવાના ભાગરૂપે કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ભુજમાં મોટા ભાગના વિસ્તારમાં એકાંતરે પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ઘણી સોસાયટીમાં પાણીનો બગાડ તેમજ ટાંકામાં પાણીના બોલવાલ ન હોવાને કારણે પાણી રસ્તા પર વહી નીકળે છે અને પાણીનો બગાડ થાય છે. ત્યારે, હવેથી ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય દ્વારા દરેક વિસ્તારમાં વાલમેન દ્વારા રહેણાંકોમાં ટાંકામાં બોલવાલ લગાવવા સુચના આપવામાં આવશે. ત્યારબાદ પાણીનો બગાડ થશે તો પાણીના કનેકશન કાપવામાં આવશે. તેમજ અન્ય એજન્સીઓ દ્વારા ખોદકામ સમયે જે લાઈનનો નુકસાન થશે તો નુકસાનની જવાબદારી જે તે એજન્સીએ ભરપાઈ કરવાની રહેશે. તેમજ શહેરમાં પાણીનો બગાડ ન થાય તે માટે ભુજ નગરપાલિકા દ્વારા લોક જાગૃતિ તેમજ સુચનો કરવામાં આવશે.