Data Center: ત્રણ દાયકા પહેલા ઈન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રેસર બનવાની તક ચૂકી ગયેલા ગુજરાત માટે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. વધી રહેલી ડિજિટલ સેવાઓ ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટાનો ઉપયોગ અને તેના દ્વારા ઊભી થતી ડિજિટલ ફૂટપ્રિન્ટ, એ ડેટાના સ્ટોરેજ અને તેના ઉપયોગ માટે વિશ્વભરમાં ડેટા સેન્ટરનો ઉપયોગ થાય છે. ભારતમાં પણ એમેઝોન, માઈક્રોસોફ્ટ સહિતની કલાઉડ કોમ્પ્યુટીંગ કંપનીઓ ડેટા સેન્ટર ઉભા કરી રહી છે પણ વર્તમાન કે ભવિષ્યમાં આવી રહેલુ એક પણ ડેટા સેન્ટર ગુજરાતમાં ઉભું થવાનું નથી.
નવા રોકાણ માટે ગુજરાત કોઈના રડાર ઉપર નથી
ભારત વિશ્વના ઉત્પાદિત ડેટામાંથી 20 ટકા ડેટાનું સર્જન કરે છે. દર મહિને ભારતીય 24 ગીગાબાઈટ જેટલો ડેટાનો વપરાશ કરે છે, જે દુનિયામાં બીજા ક્રમે છે. બેન્કિંગ, વીમો, સ્ટોક માર્કેટ સહિત નાણાકીય સેવાઓ, વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાથી યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અને અનેક સેવાઓનો વ્યાપ હજી સતત વધી રહ્યો છે અને વધુને વધુ સેવાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થઇ રહી છે. એટલે ડેટા વધશે એવી આગાહી થઇ રહી છે. બીજી તરફ 2023માં ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ પસાર કરેલો છે, જે ડેટાનો ઉપયોગ, સંગ્રહ અને તેની માલિકી અંગે નિયંત્રણ મુકે છે. મોટાભાગનો ભારતમાં અથવા ભારતીયોનો ડેટા માત્ર ભારતમાં જ રહેવો જોઈએ એવી કાયદામાં જોગવાઈ છે, તેથી વધુને વધુ ડેટા સંગ્રહની જરૂરિયાત થઈ છે.
અગ્રણી રિસર્ચ સંસ્થા ક્રિસિલના અહેવાલ અનુસાર, દેશમાં ડેટા સેન્ટરની ક્ષમતા અત્યારે 1.2 ગીગાવોટ જેટલી છે, જે 2027 સુધીમાં બમણી થઈ 2થી 2.5 ગીગાવોટ થવાની છે. લગભગ 55,000 કરોડ રૂપિયાનું રોકાણ આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે. ક્ષમતા બમણી થવા જતા જરૂરિયાત કરતા ડેટા સેન્ટરની ક્ષમતા ઓછી રહેશે એવું ક્રિસિલ માને છે.
આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સરકારે ડેટા સેન્ટરની સ્થાપના પોતાના રાજ્યોમાં થાય એ માટે લાલ જાજમ બિછાવી છે, ખાસ નીતિ ઘડી કાઢી છે અને તેની દરખાસ્તને ઝડપી મંજૂરી આપવામાં આવે છે. જો કે, દેશના આર્થિક વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં ડેટા સેન્ટર માટે આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ નીતિ પણ નથી. ડેટા સેન્ટર માટે જગ્યા, જમીન, મોટી ઓફીસ કે ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં મોટા પ્લોટ જોઈએ. આ ઉપરાંત અવિરત વીજ પુરવઠો પણ ગુજરાત પાસે બન્ને છે છતાં કોઈ નીતિ ઘડવામાં આવી નથી. કેટલાક ઉદ્યોગગૃહ કે ગિફ્ટ સિટી માટે કેપ્ટીવ, માત્ર પોતાની જરૂરીયાત પૂરતા, ડેટા સેન્ટર છે. પરંતુ કોમર્શિયલ ધોરણે એક પણ નથી.
ગુજરાતમાં એકપણ ડેટા સેન્ટર નથી
દેશમાં કાર્યરત ડેટા સેન્ટરમાં સૌથી વધુ મુંબઈ, નવી મુંબઈમાં કાર્યરત છે. આ પછી ચેન્નાઈ, હૈદરાબાદ અને નોઈડાનો ક્રમ આવે છે એવું આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે. જે પ્લાન કે પ્રસ્તાવ તૈયાર થઇ રહ્યા છે એમાં પણ આ જ કેન્દ્રો અને બહુ બહુ તો બેંગ્લોરનો ઉમેરો જોવા મળે છે. આ સિવાય ગુજરાતનું ક્યાંય નામ ચર્ચામાં પણ નથી. દેશમાં ફાર્મા, ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ, ડાયમંડ પોલિશિંગ, ઓટો, સિમેન્ટ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતા ઉદ્યોગ કેન્દ્ર ગુજરાતમાં એકપણ ડેટા સેન્ટર નથી એના માટે કોઈ ચર્ચા પણ કરી રહ્યું નથી.
ડેટા સેન્ટર માટે અવિરત અને અત્યંત હાઈ સ્પીડ ઈન્ટરનેટ હોવું પણ જરૂરી છે. દેશમાં 15 જેટલા કેબલ લેન્ડીંગ સ્ટેશન (દુનિયાના ઈન્ટરનેટ નેટવર્ક સાથે જોડતા કેબલ) તેમાંથી મોટાભાગના મુંબઈ કે તમિલનાડુમાં આવેલા છે. ગુજરાતમાં એકપણ નથી. આ પણ એક કારણ હોય શકે કે લેન્ડીંગ સ્ટેશનના અભાવે, હાઈસ્પીડ નેટવર્ક ઉપલબ્ધ નહીં હોવાથી પણ ગુજરાત ડેટા સેન્ટર ક્ષેત્રે રોકાણ કરનારા લોકોના રડાર ઉપર નથી.
ભારત વિશ્વમાં અગ્રણી ઇન્ફર્મેશન ટેકનોલોજી સર્વિસની નિકાસ કરતો દેશ છે. દેશની કુલ આઈટી નિકાસમાં ગુજરાતનો હિસ્સો એક ટકા કરતા પણ ઓછો છે. રાજ્ય સરકારે આ ક્ષેત્રને આવકારતા ખાસ પોલીસી જાહેર કરેલી છે. રોકાણકરોને આકર્ષવા સબસિડી અને રાહત આપવામાં આવે છે છતાં ગુજરાત તેમાં પાછળ રહી ગયું છે એમ ડેટા સેન્ટર ક્ષેત્રે પણ પાછળ રહી જશે એવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે.
ડેટા સેન્ટર એટલે?
કોમ્પ્યુટીંગ નેટવર્ક સાથે જોડાયેલા હોય તેવા આ ક્ષેત્રમાં વિપુલ માત્રામાં ડેટા સ્ટોર કરવામાં આવે છે. આ ડેટા સ્ટોર કરવા અને તેનો ઉપયોગ કે એક્સેસ કરવા માટે ખાસ સવલત કરેલી હોય છે. તે સતત વીજળી પુરવઠા સાથે અને ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે. એટલે જેવો કોઈ ડેટાનો કમાન્ડ થાય, સ્ટોર કરવા કે એક્સેસ કરવા તે પળવારમાં ઉપલબ્ધ બને છે. મોટી ક્ષમતા અને પ્રોસેસર સાથે જોડાયેલા હાર્ડ ડ્રાઈવના ડેકનું માળખું રેકિંગ તરીકે પણ ઓળખાય છે. પરંતુ તે જેટલું સરળ લાગે છે એટલું હોતું નથી. એક મેગાવોટ ક્ષમતા માટે જમીન સિવાય 70 થી 75 કરોડનું રોકાણ જરૂરી છે.
ક્ષમતા મેગા કે ગીગાવોટમાં નક્કી થાય
કોમ્પ્યુટીંગ ક્ષમતાનો નક્કી કરવા કેટલો પાવર જોઈએ એના આધારે ડેટા સેન્ટરની ક્ષમતા નક્કી થાય છે. 2 મેગાવોટ ક્ષમતાનું ડેટા સેન્ટર એટલે તે પ્રતિ સેકન્ડ બે મેગાવોટ ક્ષમતામાં કોમ્પ્યુટીંગ કરી શકે એમ ગણવામાં આવે છે. પર્સનલ કોમ્પ્યુટરની ક્ષમતા ફ્લોટિંગ પોઈન્ટ પર સેકન્ડ (ફ્લોપ્સ) છે.