Nitin Nabin BJP President: ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ: નિતિન નબીન બન્યા ભાજપના નવા સંગઠન સારથિ, PM મોદીનું ‘યંગ કાર્ડ’ અને ‘સેકન્ડ જનરેશન લીડરશિપ’ પર ભરોસો

Arati Parmar
3 Min Read

Nitin Nabin BJP President: ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદ માનવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિતિન નબીનનું નામ જાહેર થયા બાદ તેમની ખૂબ પ્રશંસા કરી. નિતિન નબીનને જે.પી. નડ્ડાના ઉત્તરાધિકારી બનાવીને પ્રધાનમંત્રી મોદીએ મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. તેમની નિમણૂક પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય રીતે અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે. નિતિન નબીન કાયસ્થ છે અને બંગાળમાં કાયસ્થોની સ્થિતિ ઘણી પ્રભાવશાળી છે. નિતિન નબીનની તાજપોશીને રાજકીય વર્તુળોમાં ‘સેકન્ડ જનરેશન લીડરશિપ’ તૈયાર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ સાચા અર્થમાં મોદી અને અમિત શાહે નિતિન નબીનને કાર્યકારી અધ્યક્ષ બનાવીને જ્યાં પાર્ટીના નેતાઓને ચોંકાવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે.

PM મોદીએ ખેલ્યો યંગ કાર્ડ: કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે અને તેણે સ્થાપનાના ૧૪૦ વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યારે તેના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે, જેમની ઉંમર ૮૩ વર્ષ છે, જ્યારે ભાજપે પાર્ટીના સર્વોચ્ચ પદ પર ૪૫ વર્ષના નિતિન નબીનને બેસાડવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, મલ્લિકાર્જુન ખડગે સૌથી વધુ ઉંમરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનનારા નેતા છે. જો ખડગે ૨૦૨૭ સુધી અધ્યક્ષ રહેશે, તો તેમની સામે ભાજપ પાસે એક યુવા અધ્યક્ષ હશે. ઓછી ઉંમરના નેતાને કમાન સોંપીને ભાજપે સંદેશ આપ્યો છે કે સમર્પિત કાર્યકર્તાઓને ગમે તેવી મોટી જવાબદારી મળી શકે છે. અગાઉ ગુજરાતમાં પણ ભાજપે ૪૦ વર્ષના હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં મહત્ત્વનું સ્થાન આપીને પરફોર્મન્સને જ પેરામીટર માન્યું હતું.

- Advertisement -

રાહુલ ગાંધી કરતા પણ નાની ઉંમર: ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીન કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી (૫૫ વર્ષ) કરતા પણ ઉંમરમાં નાના છે. કોંગ્રેસમાં સૌથી નાની વયે અધ્યક્ષ બનવાનો રેકોર્ડ મૌલાના અબુલ કલામ આઝાદના નામે છે, જેઓ ૧૯૨૩માં ૩૫ વર્ષની વયે અધ્યક્ષ બન્યા હતા. રાહુલ ગાંધી ૪૭ વર્ષની વયે અધ્યક્ષ બન્યા હતા. આમ, નિતિન નવીનની નિમણૂકથી ભાજપ હવે વધુ આક્રમક અને યુવા ઊર્જા સાથે આગળ વધશે.

ભાજપના દિગ્ગજોને આંચકો: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણથી લઈને હરિયાણાના પૂર્વ CM મનોહર લાલના નામ ચર્ચામાં હતા, પરંતુ અંતે મહોર નિતિન નવીનના નામ પર લાગી. મીડિયામાં સૌથી વધુ ચર્ચા ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામની હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ધર્મેન્દ્ર પ્રધાન આસપાસના વિવાદિત નેતાઓને કારણે અને ભૂપેન્દ્ર યાદવ મંત્રી તરીકે ધારી છાપ ન છોડી શકવાને કારણે રેસમાં પાછળ રહી ગયા. બીજી તરફ, નિતિન નબીનનો બિહારના લોક નિર્માણ મંત્રી તરીકેનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે, જેના કારણે તેઓ તમામ દિગ્ગજો પર ભારે પડ્યા.

- Advertisement -
Share This Article