GIFT City Tax Holiday: ગિફ્ટ સિટીને ૨૦ વર્ષની ટેક્સ હોલિડે: નાણામંત્રી નિર્મલા સીતારમણનો ગુજરાત માટે મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને કેવી રીતે મળશે વૈશ્વિક વેગ

Arati Parmar
3 Min Read

GIFT City Tax Holiday: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ ૨૦૨૬ રજૂ કર્યું. જેમાં નાણામંત્રીએ ગુજરાતની ગિફ્ટ સિટીને મોટી ભેટ આપી છે. તેમણે ગિફ્ટ સિટીની એન્ટિટીઝને બજેટ ૨૦૨૬ માં ૨૦ વર્ષની ટેક્સ હોલિડે આપવાની જાહેરાત કરી. નાણામંત્રીની આ જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ગિફ્ટ સિટીને વેગ મળવામાં મદદ થશે. ગિફ્ટ સિટીને વિશ્વના ફિનટેક હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. નાણામંત્રીની જાહેરાત બાદ હવે GIFT સિટીમાં બનેલી એન્ટિટીઝ હવે ૨૦ વર્ષની ટેક્સ હોલિડે માટે પાત્ર બનશે, જે પહેલાના ૧૦ વર્ષના ફાયદા કરતા બમણી છે. હોલિડે પિરિયડ પૂરો થયા પછી આ યુનિટ્સ પર ફાઇનાન્સ બિલમાં જણાવ્યા મુજબ ૧૫ ટકાના રાહત દરે ટેક્સ લાગશે. ગિફ્ટ સિટીનો શિલાન્યાસ પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ હતા ત્યારે વર્ષ ૨૦૦૭ માં કર્યો હતો. તે સાબરમતી નદીના કિનારે આવેલું છે.

નાણામંત્રીએ શું જાહેરાત કરી?

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જણાવ્યું છે કે IFSC ની સ્પર્ધાત્મકતા વધારવા માટે, સેક્શન ૧૪૭ હેઠળ કપાતનો ગાળો (Deduction Period) IFSC માં યુનિટ્સ માટે ૨૫ વર્ષમાંથી ૨૦ સતત વર્ષ અને OBUs માટે ૨૦ સતત વર્ષ વધારવાનો પ્રસ્તાવ છે. એવો પણ પ્રસ્તાવ છે કે કપાતનો ગાળો પૂરો થયા પછી IFSC માંથી આ યુનિટ્સની બિઝનેસ આવક પર ૧૫ ટકાના દરે ટેક્સ લાગશે. તેની સરખામણીમાં ભારતમાં અન્ય ક્યાંય પણ કામગીરી શરૂ કરનાર વિદેશી કંપનીઓએ પોતાની આવક પર ઓછામાં ઓછો લગભગ ૩૫ ટકાનો ટેક્સ રેટ ચૂકવવો પડે છે. ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે દારૂબંધીમાં છૂટ આપતા પીવાની સુવિધા આપી છે.

- Advertisement -

ક્યાં આવેલું છે ગિફ્ટ સિટી?

ગિફ્ટ સિટી ગુજરાતના ગાંધીનગરમાં આવેલું છે. GIFT સિટીને ભારતના પ્રથમ ઓફશોર-સ્ટાઈલ ફાયનાન્શિયલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. GIFT સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે નાણામંત્રીની જાહેરાતને આવકારી છે. તેમણે કહ્યું છે કે બજેટ દેશના પ્રથમ IFSC થી કાર્યરત બિઝનેસ માટે લોંગ-ટર્મ ટેક્સ નિશ્ચિતતા પ્રદાન કરે છે, જેનાથી ભારતની ઓફશોર ફાયનાન્શિયલ સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન મળે છે. કૌલે કહ્યું કે આ પગલાં ગિફ્ટ સિટીની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાયનાન્શિયલ ડેસ્ટિનેશન તરીકેની ઓળખને વધુ મજબૂત કરશે. ગિફ્ટ સિટીનું પૂરું નામ ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી છે. તે ભારતની પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી છે. તે અમદાવાદથી ૧૨ કિલોમીટર દૂર છે. ગિફ્ટ સિટી મેટ્રો સાથે પણ જોડાયેલું છે. અહીં કચરો વેક્યુમ પાઈપો દ્વારા ઉપાડવામાં આવે છે. ગિફ્ટ સિટી ગુજરાતમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના અંતિમ સ્ટોપ સાબરમતી રેલ્વે સ્ટેશનથી ૧૯ કિલોમીટરના અંતરે છે.

Share This Article