Gujarat Asiatic Lion Deaths: ગુજરાતમાં એક વર્ષમાં 62 એશિયાઈ સિંહોના મોત, વિધાનસભામાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Arati Parmar
3 Min Read

Gujarat Asiatic Lion Deaths: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે ચોંકાવનારી વાત સામે આવી. શુક્રવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 31 જુલાઈ, 2026ના રોજ પૂરા થયેલા વર્ષમાં ગુજરાતમાં કુલ 62 એશિયાઈ સિંહ, સિંહણ અને તેમના બચ્ચાંનાં અલગ-અલગ બીમારીઓને કારણે મોત થયાં. આ મોતમાં 17 સિંહ, 17 સિંહણ અને 28 બચ્ચાં સામેલ હતાં. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ચોમાસુ સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ‘પ્રશ્નકાળ’ દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી.

કઈ બીમારીઓને કારણે મોત થયાં?

મંત્રીએ કહ્યું કે આ મોત પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે નોંધવામાં આવ્યાં હતાં. આ મોટી બિલાડીઓ એટલે કે સિંહોનાં મોત અનેક બીમારીઓને કારણે થયાં, જેમાં સેપ્ટિસીમિયા, ન્યુમોનિયા, હેમરેજિક ન્યુમોનિયા, એનિમિયા, હેપેટો-રીનલ ડિસફંક્શન અથવા કિડની ફેલિયર, મલ્ટી-ઑર્ગન ડિસફંક્શન અથવા ફેલિયર, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અને લકવો સામેલ છે. અન્ય કારણોમાં સંધિવા, ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ, રાઉન્ડવોર્મનું સંક્રમણ, એન્સેફેલાઇટિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી સમસ્યાઓ, એસાઇટિસ, બ્રોન્કો-ન્યુમોનિયા, ગંભીર બીમારી અને સેપ્ટિક શૉક વગેરે સામેલ છે.

- Advertisement -

બીમારીથી બચાવના ઉપાયો જણાવ્યા

ગુજરાત સરકારે કહ્યું છે કે સંક્રમણને રોકવા અને રાજ્યમાં એશિયાઈ સિંહોની વસ્તીની સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. બીમારીથી બચાવના ઉપાયો હેઠળ, વન વિભાગ સિંહોના પેટમાંથી કૃમિ દૂર કરવા એટલે કે ડીવૉર્મિંગ અને તેમના શરીર પરથી ટિક્સ એટલે કે કિલની દૂર કરવાનું કામ કરે છે. મંત્રીએ કહ્યું કે વન્યજીવોમાં બીમારી ફેલાવાનું જોખમ ઘટાડવા માટે અભયારણ્યો, વસાહતો અને તેની આસપાસનાં ગામોમાં રહેતાં પશુઓનું પણ રસીકરણ કરવામાં આવે છે.

‘લાયન એમ્બ્યુલન્સ’

જવાબ અનુસાર, વિભાગ સિંહોના લોહીના નમૂનાઓ પણ એકત્ર કરે છે અને તેમને તપાસ માટે પ્રયોગશાળાઓમાં મોકલે છે. મોઢવાડિયાએ કહ્યું કે સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં લીધાં છે, જેમાં તેમના રહેઠાણ એટલે કે હૅબિટેટનું સંચાલન, પૂરતો અને સ્વસ્થ ખોરાક સુનિશ્ચિત કરવો તથા પશુ ચિકિત્સા સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્ત અને બીમાર જંગલી પ્રાણીઓની સારવાર માટે રેસ્ક્યુ સેન્ટરોમાં મેડિકલ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે સમયસર સારવાર અને બચાવ કામગીરીમાં મદદ માટે એક ખાસ ‘લાયન એમ્બ્યુલન્સ’ પણ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સની તૈનાતી

વન વિભાગે એવા વિસ્તારોમાં વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સ એટલે કે વન્યજીવ મિત્રોને પણ તૈનાત કર્યા છે જ્યાં સિંહો અવારનવાર આવ-જા કરે છે, જેથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય અને તેમની સ્થિતિ જાણી શકાય. વન્યજીવો સાથે જોડાયેલી કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રૅપિડ ઍક્શન ટીમો અને રેસ્ક્યુ ટીમો પણ બનાવવામાં આવી છે. મંત્રીના જવાબ અનુસાર, સાસણ, જામવાળા, જસધાર, જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, સાત વિરડા, ક્રંકાચ, બાબરકોટ અને જજારડા ખાતે વન્યજીવ સારવાર કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે.

ગુજરાતમાં 891 એશિયાઈ સિંહ

મોઢવાડિયાએ કહ્યું કે વન અધિકારીઓ અને ટ્રૅકર્સ સિંહોના રહેઠાણવાળા વિસ્તારોમાં નિયમિતપણે દેખરેખ રાખે છે, જેથી તેમની ગતિવિધિઓ અને સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય. 2025માં થયેલી સિંહોની નવીનતમ ગણતરી અનુસાર, ગુજરાતમાં 891 એશિયાઈ સિંહ છે.

- Advertisement -
Share This Article