Grain Black Marketing Junagadh: જૂનાગઢમાં કાળાબજારીયાઓ પર પોલીસની ત્રાટક, ગોડાઉનમાંથી ₹18.85 લાખનું સરકારી અનાજ પકડાયું

Arati Parmar
2 Min Read
Grain Black Marketing Junagadh

Grain Black Marketing Junagadh: જૂનાગઢ રેન્જ આઈ.જી પોલીસની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામમાં ચાલી રહેલા સરકારી અનાજના કાળાબજારના મોટા નેટવર્કને ખુલ્લું પાડ્યું છે. પોલીસે માખીયાળા ગામમાં આવેલી નોબેલ સ્કૂલ નજીકના એક ખાનગી ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો સરકારી ઘઉં અને ચોખાનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ બિલખાના મહમદ માલવિયા અને ઈરફાન કાળવાતર નામના બે શખ્સોની અટકાયત કરીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાખોની કિંમતનું રાશન અને કાળાબજારનો ટ્રક જપ્ત

પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.રાણાએ આ સફળ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું કે, ગોડાઉનમાંથી અન્ય સ્થળે મોકલવા માટે તૈયાર રાખવામાં આવેલો અનાજ ભરેલો એક ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો છે. વહીવટી અંદાજ મુજબ, સ્થળ પરથી ₹4,60,000 ની બજાર કિંમત ધરાવતું 23,000 કિલો ઘઉં અને ₹4,25,000 ની કિંમતનું 17,000 કિલો ચોખા મળી આવ્યું છે. આ અનાજ ઉપરાંત ₹10 લાખની કિંમતનો ટ્રક ગણીને પોલીસે કુલ ₹18,85,000 નો મુદ્દામાલ સીઝ કર્યો છે. કાળાબજારીયાઓ સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને વિનામૂલ્યે મળતું રાશન કાર્ડધારકો પાસેથી સસ્તા ભાવે ખરીદીને અહીં એકઠું કરતા હતા અને પછી પોતાના નફા માટે બજારમાં ઊંચા ભાવે વેચી દેતા હતા.

- Advertisement -

અગાઉ પણ પકડાયા હતા ગોડાઉન, પુરવઠા વિભાગ દોડતો થયો

જૂનાગઢ પંથકમાં સરકારી અનાજની ચોરી અને કાળાબજારનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ પણ ત્રણ-ચાર મહિના પહેલા બિલખા, ઈવનગર અને ખડિયા વિસ્તારમાંથી આ જ પ્રકારે સરકારી ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયો હતો. વારંવાર સામે આવતી આ પ્રવૃત્તિઓને પગલે હવે સ્થાનિક પુરવઠા વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. માખીયાળામાંથી પકડાયેલા આ નવા જથ્થાને લઈને પુરવઠા વિભાગના અધિકારીઓએ આંતરિક તપાસ તેજ કરી છે કે આ કૌભાંડના તાર કઈ કઈ સસ્તા અનાજની દુકાનો કે વેરહાઉસ સાથે જોડાયેલા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગરીબોના હકનું અનાજ ચોરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Khedbrahma Chikhla Water Crisis: કાગળ પર ‘નળ સે જલ’ પણ વાસ્તવમાં જનતા બેહાલ, ખેડબ્રહ્માના ચીખલા ગામમાં પાણી માટે પોકાર – Newz Cafe

- Advertisement -
Share This Article