Jignesh Dada Money Lending Allegations: કથાકાર જીગ્નેશ દાદા પર નાણાકીય લેણદેણના ગંભીર આક્ષેપો

Arati Parmar
3 Min Read

Jignesh Dada Money Lending Allegations: ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદા હાલ સાયન્સ સિટી વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જમીન કૌભાંડમાં પકડાયેલા બિલ્ડર મિતેષ પટેલ સાથે તેમના ગાઢ સંબંધો હોવાની અને બંને વચ્ચે કરોડો રૂપિયાની રોકડ લેતીદેતી થઈ હોવાની વાતો વહેતી થઈ છે. આક્ષેપ છે કે કથાકાર દ્વારા એકત્ર કરવામાં આવેલું ભંડોળ બિલ્ડરોને ૨ થી ૩ ટકાના વ્યાજે ધિરાણ તરીકે આપવામાં આવે છે. જોકે, આ વ્યવહારો મોટે ભાગે રોકડમાં થતા હોવાથી તેના પુરાવા મળવા મુશ્કેલ હોય છે, પરંતુ સ્થાનિક સ્તરે આ મામલે ઉઠેલી ચર્ચાઓએ ધાર્મિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

બિલ્ડર મિતેષ પટેલ સાથેના સંબંધો અને છેતરપિંડીની ચર્ચા

તાજેતરમાં સાયન્સ સિટી વિસ્તારના બિલ્ડર મિતેષ પટેલની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એવી ચર્ચા છે કે આ બિલ્ડરે જીગ્નેશ દાદાના અંદાજે ૩.૫ કરોડ રૂપિયાનું ‘ફુલેકું’ ઉડાડ્યું છે. જોકે, દાદાના નજીકના લોકોનું કહેવું છે કે બિલ્ડરે અનેકવાર પૈસા માંગ્યા હતા પણ દાદાએ ના પાડી દીધી હતી. બીજી તરફ, અનુયાયીઓ આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવી રહ્યા છે. તેમના મતે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે થયેલી આંતરિક માથાકૂટ બાદ દાદાની છબી ખરડાવવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું હોઈ શકે છે.

- Advertisement -

અનુયાયીઓનો બચાવ અને ૫ કરોડના વ્યવહારનો ખુલાસો

જીગ્નેશ દાદાના ખાસ અનુયાયી રાજ પટેલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વિવાદમાં દાદાનો એક પણ રૂપિયો સંડોવાયેલો નથી. તેમના જણાવ્યા મુજબ, જે ૫ કરોડ રૂપિયાની વાત છે તે દાદાના ભક્ત મનહરકાકાના છે. રાજ પટેલના મતે, સાયન્સ સિટીની કથા દરમિયાન મિતેષ પટેલ સંપર્કમાં આવ્યા હતા, પરંતુ બાદમાં સંબંધો વણસ્યા હતા. અનુયાયીઓનું કહેવું છે કે ઉલટાનું મિતેષ પટેલે ‘તથાસ્તુ’ અભિયાન માટે લખાવેલા પૈસા પક્ષે લેવાના નીકળે છે. આમ, અનુયાયીઓ દાદાને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવી રહ્યા છે.

ધર્મની આડમાં ચાલતા વ્યાજવટાવના ધંધા સામે સવાલો

આ કિસ્સો ફરી એકવાર ધર્મગુરુઓ અને બિલ્ડરો વચ્ચેના આર્થિક સંબંધોને છતો કરે છે. અગાઉ પણ અનેક સાધુ-સંતોના નાણાકીય વ્યવહારોની ડાયરીઓ પકડાઈ ચૂકી છે, જેમાં ટકાવારી સાથે વ્યાજે પૈસા આપવાનો ઉલ્લેખ હોય છે. લોકો શ્રદ્ધાથી જે દાન આપે છે તેનો ઉપયોગ જો વ્યવસાયિક વ્યાજવટાવમાં થતો હોય, તો તે નૈતિક રીતે ગંભીર બાબત છે. જીગ્નેશ દાદા પર લાગેલા આ આક્ષેપોની જો નિષ્પક્ષ પોલીસ કે ઇડી તપાસ થાય, તો જ સત્ય બહાર આવી શકે તેમ છે. માત્ર વ્યાસપીઠ પરથી ભાવુક વાતો કરવાથી શંકાઓ દૂર થતી નથી.

- Advertisement -
Share This Article