Khedbrahma Chikhla Water Crisis: કાગળ પર ‘નળ સે જલ’ પણ વાસ્તવમાં જનતા બેહાલ, ખેડબ્રહ્માના ચીખલા ગામમાં પાણી માટે પોકાર

Arati Parmar
4 Min Read
Khedbrahma Chikhla Water Crisis

Khedbrahma Chikhla Water Crisis: એક તરફ રાજ્ય સરકાર ‘નળ સે જલ’ યોજના હેઠળ દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવા કરી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ ચીખલા ગામની વાસ્તવિકતા કંઈક જુદી જ કહાણી બયાન કરે છે. 21મી સદીની આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં પણ આ ગામના લોકો પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે વલખાં મારી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઓ વચ્ચે આ અંતરિયાળ વિસ્તારના નાગરિકોની તરસ છિપાવવામાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

લાખોનો ખર્ચ થયો પણ નળમાં ‘જળ’ ન આવ્યું

વર્ષ 2020-21માં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના અંતર્ગત ચીખલા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી, સંપ અને ઘરે-ઘરે નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. યોજનાની શરૂઆતમાં જ્યારે ટેસ્ટિંગ થયું ત્યારે નળમાં પાણી આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરંતુ એ ખુશી ક્ષણભંગુર નીવડી, કારણ કે ટેસ્ટિંગ પૂરું થયા પછી પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી નળમાંથી પાણીનું એક ટીપું પણ ટપક્યું નથી. સ્થાનિક રહેવાસી લક્ષ્મણ કટારીયાના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાનો આંધણ થયો હોવા છતાં યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે.

- Advertisement -

કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને પશુઓની દર્દનાક સ્થિતિ

હાલમાં પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે આ આકરી ગરમીમાં ગામની મહિલાઓ, વૃદ્ધો અને નાની દીકરીઓએ પીવાના પાણી માટે રોજ 2 થી 5 કિલોમીટર દૂર આવેલા સીમના બોર કે ડંકી પર ભટકવું પડે છે. સ્થાનિક મહિલા પિનકાબેન કટારીયાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, દરરોજ ઘરના કામધંધા અને મજૂરી છોડીને પાણી માટે રઝળપાટ કરવી પડે છે. ખેડૂતોના બોર પર પાણી ભરવા માટે લાંબી લાઈનો લાગે છે. માત્ર માણસો જ નહીં, પરંતુ પશુઓ માટે પણ પાણીની વિકટ તંગી સર્જાઈ છે જેના કારણે ગ્રામજીવન મુશ્કેલ બન્યું છે.

ભ્રષ્ટાચારના આક્ષેપો અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ

ગામના અગ્રણી અમીભાઈ કટારીયાએ આક્ષેપ કર્યો છે કે, પાણીના મુખ્ય સંપમાં પૂરતું પાણી પહોંચાડવામાં જ નથી આવતું. આ યોજના જનતાના કલ્યાણ માટે નહીં પરંતુ કેટલાક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માટે માત્ર આર્થિક લાભ ખાટવાનું સાધન બની ગઈ છે. આ સિવાય ગામમાં અન્ય સુવિધાઓની પણ ભારે કમી છે. સ્થાનિક યુવાન નીતિન કટારીયાના કહેવા પ્રમાણે, ગામના રસ્તાઓ સંપૂર્ણ ખખડધજ છે, સ્ટ્રીટ લાઈટો નથી અને ખેડવા ડેમની કેનાલ પણ વર્ષોથી સૂકીભઠ્ઠ પડી છે. ગામની આસપાસના નાના-મોટા તળાવો અને જળાશયો પણ ખાલીખમ છે.

- Advertisement -

વહીવટી તંત્રનું મૌન અને જનતાનો આક્રોશ

ગ્રામજનોએ પાણીની આ ગંભીર સમસ્યા અંગે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને હજુ સુધી જનતાનો અવાજ પહોંચ્યો નથી. આ અંગે જ્યારે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે મૌન ધારણ કરી લીધું હતું. એર કન્ડિશન્ડ (AC) ચેમ્બરોમાં બેસીને કાગળ પર યોજનાઓ દોડાવતા અધિકારીઓની આ ઉદાસીનતા ચીખલા ગામના લોકો માટે આફત બનીને તૂટી પડી છે, જેને પગલે સમગ્ર પંથકમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો: Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ, ભોળા લોકોના બેંક ખાતા વેચતી ટોળકી ઝડપાઈ – Newz Cafe

- Advertisement -
Share This Article