Gujarat Local Body Elections Uncontested: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે લોકશાહીના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા, તેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પ્રજાનો રોષ અને સંભવિત હારનો ડર અનુભવી રહેલા સત્તાધીશોએ મોટાભાગની બેઠકો પર ‘બિનહરીફ’ જીત મેળવવા માટે શામ, દામ અને દંડનો ખુલ્લેઆમ ઉપયોગ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વિરોધ પક્ષના ઉમેદવારોને તોડવા માટે જે પ્રકારનું નબળું રાજકારણ ખેલાયું છે, તેનાથી નૈતિકતા અને લોકશાહીની મર્યાદાઓ જોખમાઈ છે.
સામ, દામ, દંડ અને ભેદ: ઉમેદવારોને તોડવા અપનાવાતા હથકંડા
ચૂંટણી જંગમાં ઉતરેલા કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે સત્તાધારી પક્ષ દ્વારા કથિત રીતે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. મારામારી, અપહરણ અને ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચાવવાની ઘટનાઓ દિવસભર ચર્ચામાં રહી છે. અનેક વિસ્તારોમાં ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર ટપોટપ રદ થવા લાગ્યા, જેની પાછળ સરકારી અધિકારીઓ પર રહેલું રાજકીય દબાણ કારણભૂત હોવાનું મનાય છે. આટલી ગંભીર સ્થિતિ છતાં ચૂંટણી પંચની ચુપકીદી તેની તટસ્થતા સામે અનેક સવાલો ઉભા કરી રહી છે.
દબાણ અને ધમકીઓ વચ્ચે અધિકારીઓ અને ઉમેદવારોની સ્થિતિ
રાજકારણનું સ્તર એટલી હદે નીચે ગયું છે કે તેની અસર વહીવટી તંત્ર પર પણ પડી છે. ઉમરગામમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે નેતાઓ દ્વારા એટલું દબાણ કરવામાં આવ્યું કે ચૂંટણી અધિકારીએ અંતે આત્મહત્યા જેવું આઘાતજનક પગલું ભરવું પડ્યું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સત્તા મેળવવા માટે હવે જીવના જોખમે પણ ખેલ ખેલાઈ રહ્યા છે. છેલ્લી ઘડીએ ઘણા ઉમેદવારોએ વિરોધી પક્ષો સાથે ‘સેટિંગ’ કરીને પક્ષ સાથે ગદ્દારી કરી અને ફોર્મ પાછા ખેંચી લીધા, જેના કારણે અનેક બેઠકો પર ભાજપને વગર મહેનતે જીત મળી ગઈ છે.
મતદાનના અધિકારથી વંચિત પ્રજા અને બિનહરીફનો ‘તમાશો’
જ્યારે કોઈ બેઠક બિનહરીફ જાહેર થાય છે, ત્યારે ત્યાંની પ્રજા મતદાનના અધિકારથી વંચિત રહી જાય છે. જનતા જે રોષ મતદાન દ્વારા વ્યક્ત કરવા માંગતી હતી, તે તક હવે તેમની પાસેથી છીનવી લેવામાં આવી છે. રાજકીય પક્ષો હવે મતદારો પાસે હાથ જોડવાને બદલે અંદરોઅંદર સાંઠગાંઠ કરીને અથવા સત્તાના જોરે ઉમેદવારો બેસાડી દઈને સત્તા હાંસલ કરી રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી સામાન્ય નાગરિકોનો લોકશાહી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને પ્રજાના મૂળભૂત પ્રશ્નો વણઉકેલ્યા રહી જવાની ભીતિ સેવાઈ રહી છે.

