Gujarat Police Helpline RTI Report: કૉલ હજારો, કાર્યવાહી માત્ર ૧૨: ગુજરાત પોલીસની ફરિયાદ હેલ્પલાઇન ‘૧૪૪૪૯’ માત્ર કાગળ પર? RTI માં ખુલી પોલીસતંત્રની પોલ

Arati Parmar
3 Min Read
Gujarat Police Helpline RTI Report 2026

Gujarat Police Helpline RTI Report: ગુજરાતમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ગેરવર્તન વિરુદ્ધ ફરિયાદ કરવા માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન ‘14449’ ની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી જાણકારી મુજબ, ફેબ્રુઆરી 2024 થી ડિસેમ્બર 2025 સુધીના 23 મહિનાના ગાળામાં આ હેલ્પલાઇન પર કુલ 51,954 ફોન કૉલ્સ આવ્યા હતા. આનો અર્થ એ થયો કે દર મહિને સરેરાશ 2200 થી વધુ નાગરિકોએ પોલીસ સામે ફરિયાદ કે રજૂઆત કરી છે. આટલી મોટી સંખ્યામાં ફરિયાદો મળવા છતાં, ચોંકાવનારી બાબત એ છે કે માત્ર 12 પોલીસકર્મીઓ સામે જ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે, જે આ તંત્રની અસરકારકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

હાઇકોર્ટના આદેશ બાદ શરૂ થયેલી સુવિધા અને વાસ્તવિકતા

આ હેલ્પલાઇનની શરૂઆત ગુજરાત હાઇકોર્ટની સૂચના બાદ કરવામાં આવી હતી. અમદાવાદના ઓગણજ ટોલ પ્લાઝા પાસે એક પરિવાર પાસેથી પોલીસ અને ટીઆરબી જવાનોએ કથિત રીતે 60 હજાર રૂપિયા પડાવ્યા હોવાની ઘટના બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટની ઈચ્છા હતી કે સામાન્ય નાગરિકો નિર્ભય બનીને પોલીસ સામે ફરિયાદ કરી શકે તેવું એક અલાયદું મિકેનિઝમ હોવું જોઈએ. જોકે, આરટીઆઈના આંકડા દર્શાવે છે કે 1895 જેટલી લેખિત ફરિયાદો મળ્યા પછી પણ જે પ્રકારની કાર્યવાહી થવી જોઈતી હતી તે થઈ નથી. નિવૃત્ત પોલીસ અધિકારીઓના મતે, આ આંકડા સૂચવે છે કે પોલીસ વિભાગે આ આખી પ્રક્રિયાને ગંભીરતાથી લીધી નથી.

- Advertisement -

એફઆઇઆર અને જાગૃતિ અભિયાન અંગે શંકાસ્પદ મૌન

RTI ના જવાબમાં પોલીસ મહાનિદેશકની કચેરીએ એક મહત્વના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું: આ 23 મહિનામાં કેટલી ફરિયાદોના આધારે પોલીસકર્મીઓ સામે એફઆઇઆર (FIR) નોંધવામાં આવી? આ માહિતી ન આપવી એ શંકા જન્માવે છે કે કદાચ એક પણ કેસમાં ફોજદારી કાર્યવાહી થઈ જ નથી. વધુમાં, હેલ્પલાઇન નંબર 14449 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ડીજીપી ઓફિસ દ્વારા કોઈ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. એક તરફ પોલીસના શહીદી દિનના પ્રચાર પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે, જ્યારે બીજી તરફ નાગરિકોના અધિકારો માટેની હેલ્પલાઇનનો પ્રચાર કરવા માટે તંત્ર પાસે ફંડ નથી અથવા ઈચ્છાશક્તિનો અભાવ છે.

નિવૃત્ત અધિકારીઓનો મત: ‘આંકડા વાસ્તવિકતાથી ઘણા દૂર છે’

ગુજરાત પોલીસના નિવૃત્ત આઇજીપી રમેશ સવાણી અને એડીજીપી રાજન પ્રિયદર્શીએ આ પરિસ્થિતિને વરવી વાસ્તવિકતા ગણાવી છે. તેમનું કહેવું છે કે આટલા બધા કૉલ્સ આવ્યા પછી માત્ર 12 સામે કાર્યવાહી થવી એ એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ છે કે જાણે આખું પોલીસતંત્ર સદ્ભાવનાથી કામ કરે છે, જે સત્ય નથી. હાઇકોર્ટને જ્યારે નાગરિકોની તકલીફ અનુભવાઈ ત્યારે તેમણે આ વ્યવસ્થા કરી, પરંતુ જો સરકાર અને પોલીસ વડાની ઈચ્છાશક્તિ ન હોય તો કોઈ પણ હેલ્પલાઇન માત્ર એક ‘નાટક’ બનીને રહી જાય છે. આ મામલે રાજ્યના પોલીસ વડા અને ગૃહમંત્રીનો પક્ષ જાણવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

- Advertisement -
Share This Article